ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૮ – ચિરાગ પટેલ


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૮ – ચિરાગ પટેલ

(Originally published at: http://webgurjari.in/2018/07/20/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_8/)

पू. ३.२२.१ (३२३) अव द्रप्सो अंशुमतीमतिष्ठदियानः कृष्णो दशभिः सहस्त्रैः। आवत्तमिन्द्रः शच्या धमन्तमप स्नीहितिं नृमणा अधद्राः॥

ત્વરિત દશ હજાર સૈનિકો સાથે આક્રમણ કરનારા, સંસારને દુઃખ આપનારા, અંશુમતી (યમુના) નદી પર વિદ્યમાન, કૃષ્ણ પર સર્વપ્રિય ઈન્દ્રે પ્રત્યાક્રમણ કરી શત્રુઓની સેનાને પરાજિત કરી દીધી.

આ શ્લોકમાં અંશુમતી નદી અને કૃષ્ણના ઉલ્લેખ ઘણો ગૂંચવાડો ઉભો કરે છે. એક મત મુજબ અંશુમતી એ સરસ્વતી નદી જ છે, જયારે બીજો મત અંશુમતીને યમુના નદી ગણાવે છે. જો અંશુમતી એ યમુના હોય તો કૃષ્ણ એ ભગવદ્ ગીતાના કહેનારા, મહાભારતના મુખ્ય પાત્ર અને વૈષ્ણવોના મુખ્ય અવતાર કૃષ્ણ માની શકાય. મહાભારત/પુરાણોમાં કૃષ્ણ અને ઈન્દ્ર વચ્ચેનો સંઘર્ષ વર્ણવાયેલો છે. વળી, વેદમત અને પુરાણમત એકબીજાની વિરુદ્ધના હોવાથી વેદોમાં ઇન્દ્રની સર્વોપરિતા સિદ્ધ થતી જણાય છે. અને, પુરાણોમાં નારાયણ કે શિવની સર્વોપરિતા સિદ્ધ થયેલી જણાય છે. એક બીજી કથા મુજબ કૃષ્ણ એટલે એ નામનો નાગ વંશજ. એવું લાગે છે કે, કૃષ્ણ બાળપણની કથાઓ અને વેદકાળની કોઈ કથા એકબીજામાં ભળીને ગૂંચવાડો ઉભો કરે છે.

पू. ३.२२.९ (३३१) चक्रं यदस्वाप्स्वा निषत्तमुतो तदस्मै मध्विच्चच्छद्यात्। पृथिव्यामतिषितं यदूधः पयो गोष्वदधा ओषधीषु॥

અંતરિક્ષમાં દેદીપ્યમાન ઈન્દ્રનું વજ્ર, ઉપાસકો માટે મધુર જળ પ્રેરિત કરે છે. પૃથ્વી પર એ પ્રવાહિત જળ, ગાયોમાં દૂધ રૂપે અને વનસ્પતિઓમાં પોષકરસના રૂપે વિદ્યમાન છે.

આકાશમાં વીજળીને લીધે પ્રાકૃતિક રીતે ઓઝોનનું નિર્માણ થતું હોય છે. આ ઓઝોન વાદળોમાંના જળબુન્દો સાથે ભળીને એમને વધુ શુદ્ધ કરે છે. આવું પાણી સાચે જ મધુરું હોય છે. આ શ્લોકમાં વજ્રને વીજળીના પ્રતીક તરીકે માનીએ તો ઓઝોનથી પાણી શુદ્ધ થઇ સ્વાદમાં મધુર બનવાનું અવલોકન મજાનું છે. એ સમયમાં પ્રચલિત ગાયના દૂધનું સેવન અને વનસ્પતિના રસોનું સેવન પણ મધુરા સ્વાદના રૂપક તરીકે વાણી લેવાયા છે.

पू. ३.२३.८ (३३९) इन्द्राय गिरो अनिशितसर्गा अपः प्रैरयत्सगरस्य बुध्नात्। यो अक्षेणेव चक्रियौ शचीभिर्विष्वक्तस्तम्भ पृथिवीमुत द्याम्॥

ઈન્દ્ર પોતાની ક્ષમતાથી પૃથ્વી અને દ્યુલોકને પટ્ટીની જેમ સ્થિર રાખી ઉભા છે. ઉચ્ચ સ્વરે કરાતી ઈન્દ્રની સ્તુતિઓ અંતરિક્ષથી જળ પ્રવાહિત કરવા સક્ષમ હોય છે.

આ શ્લોકમાં પૃથ્વી અને એની ફરતે વાતાવરણના આવરણને પોતાની ધરી પર સ્થિર હોવા વિશેનો ઉલ્લેખ છે. આપણે આજે જાણીએ છીએ કે, પૃથ્વીના બે ધ્રુવોમાંથી પસાર થતી ધરી ફરતે પૃથ્વી અને એનું વાતાવરણ ભ્રમણ કરે છે. સોમવેદના ઋષિ માટે આવું અવલોકન કરવું એ સમજાવે છે કે, એ સમયના લોકો સમગ્ર પૃથ્વીની ભૂગોળથી પરિચિત હશે. વળી, દરેક ભૌગોલિક સ્થાન પર દેખાતા અંધકાર સમયના આકાશને એકબીજા સાથે સાંકળીને એના પરથી પૃથ્વીના ધરીભ્રમણને સમજવા જેટલા સક્ષમ પણ હશે!

पू. ३.२४.१ (३४२) गायन्ति त्वा गायत्रिणोऽर्चन्त्यर्कमर्किणः। ब्रह्माणास्त्वा शतक्रत उद्वँशमिव येमिरे॥

હે ઈન્દ્ર ! ઉદ્દગાતા આપનું આવાહન કરે છે. સ્તોતાગણ પૂજ્ય ઈન્દ્રનો મંત્રોચ્ચાર દ્વારા આદર કરે છે. વાંસ પર કલા પ્રદર્શિત કરતા નટની જેમ, બ્રહ્મા શ્રેષ્ઠ સ્તુતિઓ દ્વારા આપનું સ્તવન કરે છે.

આ શ્લોકમાં વાંસ પર ખેલ કરતા નટબજાણિયાનો ઉલ્લેખ છે. આ રીતના મનોરંજક ખેલની પરંપરા વેદકાળથી ચાલી આવે છે એવું કહી શકાય. આજના સ્માર્ટફોનના જમાનામાં આપણે આ પૌરાણિક ખેલ ખોઈ ના દઈએ તો સારું.

पू. ४.२५.२ (३५३) आ नो वयो वयःशयं महान्तं गह्वरेष्ठाम्। महान्तं पूर्विणेष्ठामुग्रं वचो अपावधीः॥

(ઈન્દ્ર) વિશાળ પર્વતો પર રહેલા, સર્વત્ર મળનારા સોમથી અમને સંતુષ્ઠ કરો. સૌથી પ્રચલિત નિંદાયુક્ત કથનોને અમારાથી દૂર કરો.

સોમવલ્લી નામની વેદોમાં પ્રશંસા કરાયેલી વનસ્પતિ વિષે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. ઘણાં એને મદ્ય સમાન ગણે છે તો ઘણાં એને ભ્રમોત્પાદક માને છે. આ શ્લોકમાં ઋષિ જણાવે છે એ પ્રમાણે, સોમવલ્લી સામવેદના સમયમાં વિશાળ પર્વતો પર સઘળે મળી આવે છે. આ કથનમાં ઘણાં અર્થ રહેલાં છે. વિશાળ પર્વતો હોય એવો પ્રદેશ એટલે હિમાલયનો ઉચ્ચ પ્રદેશ આપણે માની શકીએ. હિમાચ્છાદિત પર્વતો શરુ થાય એ પહેલાં લીલી વનરાજીઓ યુક્ત લઘુ હિમાલય આવે છે. સામવેદ કાળના ઋષિઓનો વસવાટ હિમાલયની નજીક હશે. વળી, સોમવલ્લી આ સ્થળે ઘણી વ્યાપક રીતે પ્રાપ્ય વનસ્પતિ હશે. સામવેદમાં અનેક ઠેકાણે સોમરસને દહીં કે દૂધમાં મેળવીને પીવાનો ઉલ્લેખ છે. આ બધાં સંદર્ભોને સાંકળીએ તો એવું લાગે છે કે આજની ભાંગ એ જ સોમરસ છે. ભારતીય સમાજમાં ભાંગનું સેવન આજે પણ પ્રચલિત છે. હા, વેદકાળ જેટલું વ્યાપક ભાંગનું ચલણ હવે નથી રહ્યું.

Leave a comment