મારા સ્વપ્ન દર્શન – ચીરાગ પટેલ નવેમ્બર 02, 2008
મારા ઉપર લખ્યા તારીખ સુધીના આધ્યાત્મીક સ્વપ્નો વીશે આજે હું ઉલ્લેખ કરીશ. આ ગપ્પા નથી કે ભ્રમ નથી. અને આપને જો એવું લાગે તો મારી પાસે સચ્ચાઈ સાબીત કરવાના કોઈ પુરાવા પણ નથી. માત્ર અને માત્ર એક દસ્તાવેજ તરીકે આ લેખને જોશો તો પણ મને ગમશે.
1)
લગભગ મે, 2005માં એક રાત્રે હું થોડો થોડો જાગ્રત અવસ્થામાં આવ્યો. એકાએક. ત્યારબાદ, હું ગણપતીની વન્દના કરતાં શ્લોકોનું ઉચ્ચારણ કરવા લાગ્યો. આ બધાં શ્લોકો હું જે લય અને સ્પષ્ટતા સાથે અસ્ખલીત 5 મીનીટ સુધી બોલતો રહ્યો એ મને હજુ પણ નવાઈ પમાડે છે! સમ ખાવા પુરતો એક શબ્દ પણ મને સમજમાં આવ્યો હોય તો હરામ બરાબર.
આ શ્લોકોની ભાષા ઋગ્વેદની સંસ્કૃત ભાષા હોય એવું મને લાગે છે. કારણ કે, આ સ્વપ્ન બાદ મેં ઋગ્વેદના અમુક શ્લોકો વાંચવાની શરુઆત કરી, અને મને એ ભાષા મારી સ્વપ્નની ભાષાને મળતી આવતી લાગી.
2)
મારા સ્વપ્નમાં એક યુવાન સન્યાસી દેખાયા. તેમણે ભગવા રંગનું વસ્ત્ર શરીરે વીંટાળ્યું હતું. તેમના બાજુબન્ધ અને મણીબન્ધ પર રુદ્રાક્ષની માળા વીંટેલી હતી. તેમના કપાળે નાથ સમ્પ્રદાયના સન્યાસીઓ જેવી આભા હતી અને મસ્તક પર રાખનું ત્રીપુંડ હતું. તેમના વાળ ખુબ જ કાળા હતા. તેમને મધ્યમ કદની દાઢી હતી. તેઓ એક પર્વત પરથી નીચે ઉતરી રહ્યાં હતાં. પરંતુ તેમનામાં એક વીચીત્રતા હતી. તેમણી કોઈ કારણસર માથુ પાછળ તરફ ઢળતું રાખેલું હતું, જાણે કે કાંઈક ગરદનની ઉપર ચઢતાં દબાવી રાખેલું હોય એમ!
થોડા સમયમાં યુવાન સન્યાસી અદ્રશ્ય થઈ ગયા અને એક સીંહાસન પર બેઠેલા વૃધ્ધ સન્યાસી દેખાયા. તેમણે મારી બાજુ જોયું અને એકદમ ખડખડાટ હસ્યા. થોડી વાર હસ્યા બાદ તેમણે ડાબી આંખ મીચકારી.
3)
બીજા એક સ્વપ્નમાં મને એક મન્દીર દેખાયું. મન્દીરના ગર્ભગૃહમાં માની મુર્તી હતી. મુર્તીનું વર્ણન કરી શકું એટલી યાદ નથી રહી. મુર્તીની બન્ને બાજુ આછા વાદળી રંગનો પ્રકાશ હતો. મુર્તીની ઉપરની બાજુ ટ્યુબલાઈટ હતી. મુર્તીની આગળ તરફ પીત્તળની રેલીંગ હતી. વળી, પુરુષ અને સ્ત્રી અલગ અલગ દર્શન કરી શકે એ રીતે પણ મન્દીરની વચ્ચેથી પસાર થતી રેલીંગ હતી. માની મુર્તીને સરસ રીતે શણગારવામાં આવી હતી.
મારી જાણમાં આવું કોઈ મન્દીર નથી. કારણ મન્દીરનું વર્ણન ઘણાં મન્દીરોને મળતું આવી શકે છે, જ્યારે ‘મા’ની મુર્તી મેં જે જોઈ એવી કોઈ મન્દીરમાં જોઈ નથી. કદાચ, નાનપણમાં ટીવી પર જોઈ હોઈ શકે અને હું ભુલી ગયો હોઉં!
4)
બીજા એક સ્વપ્નમાં ‘મા’ સાક્ષાત દેખાયા હતાં. તેમણે આછાં ગુલાબી રંગના વસ્ત્રો પહેર્યાં હતાં. એક હાથમાં ચક્ર અને બીજો હાથ આશીર્વાદ આપવા માટે વળેલો હતો. તેમણે મસ્તક પર ત્રણ ચક્રો હોય એવો મુગટ પહેર્યો હતો. તેમની આજુબાજુ ઘોર અન્ધકાર હતો. ‘મા’ ખુબ જ પ્રકાશીત હતાં.
5)
કલકત્તામાં ગંગાનદી પર બનેલા સસ્પેંસન બ્રીજ જેવા પુલ પર એક સ્ત્રી જતી મને દેખાઈ. તેના મુખ પર પરેશાની અને વ્યાકુળતાના ભાવ હતાં. તેની સાથે બાજુમાં એક ઘોડો પણ જતો દેખાયો. ત્યારબાદ, તે સ્ત્રી લીલા રંગનાં વસ્ત્રોમાં શ્રીનાથજીના ગૌર સ્વરુપની પુજા કરતી દેખાઈ. તે સ્ત્રી જ્યાં રહેતી હતી એ હવેલી દેખાઈ. હવેલીને સીસમના બારી-બારણાં હતાં. દીવાલો પર સરસ મજાનાં ચીત્રો દોરેલા હતાં. શ્રીનાથજીની પુજા માટે ખાસ એક ઓરડો હતો. જુલાઈ 02, 2006.
6)
જાન્યુઆરી 01, 2007. આજે ધ્યાનમાં ‘મા’નું સ્વરુપ સાક્ષાત દેખાયું. ‘મા’નો ચહેરો, તેમનાં શણગાર, તેમની સુવર્ણરજ સમાન ચમકીલી ત્વચા. અવર્ણનીય રુપ. હજુ આજ સુધી આવું દર્શન થયું નથી. ‘મા’નો જે ચહેરો દેખાયો હતો એનું વર્ણન કરવા માટે શબ્દો જ નથી. એ ચહેરો યાદ કરતાં જ અકથ્ય આનન્દનો અનુભવ થાય છે.
7)
જુન 04, 2007. આજે ધ્યાનમાં આજ્ઞાચક્રમાં કૃષ્ણ રંગનાં એક ચક્રનું દર્શન થયું. અદભુત, પ્રકાશીત, ચમકીલો મેઘલ શ્યામ રંગ. હું એની મધ્યમાં રહેલ ગર્તામાં ઉંડો જ ઉતરતો રહ્યો. આ ચક્રનું દર્શન ઘણીવાર ધ્યાનમાં થાય છે.
8)
ઑગસ્ટ 31, 2007. મને સ્વપ્નમાં એક “હાપીલ” (Haapil) નામનાં સ્થળનો નકશો દેખાયો. નકશો જુના પીળા કાગળ પર દોરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, એક શહેરનાં મધ્યભાગમાં આવેલ ઘુમ્મટવાળું એક મકાન દેખાયું. એની બાજુમાં રસ્તો હતો અને થોડાં પક્ષીઓ ઉડતાં હતાં. પછી, એ મકાન પર Dr William Razhik એવું લખેલું દેખાયુ. એક ચશ્મા, દાઢીધારી વ્યક્તી દેખાયો. તેણે લામ્બો, કાળો ઓવરકોટ પહેર્યો હતો. તેના હાથમાં ચામડાની એક બૅગ હતી.
9)
સપ્ટેમ્બર 07, 2007. આજે મારા એમ.આર.આઈ. સ્કૅન દરમ્યાન મને એક શાળા દેખાઈ. એમાં યુનીફોર્મ પહેરેલાં બાળકો દેખાયાં. તેમની સાથે એક કોકેશ્યન (ગોરી) સ્ત્રી અને એક બાળક દેખાયાં.
આડવાત. એમ.આર. આઈ. સ્કૅન કરાવવાનું કારણ એ હતું કે, મને ઘણી વાર ધ્યાનમાં સતત ઘંટડીનો રણકાર સમ્ભળાતો હોય છે. મેં ડૉક્ટરની મુલાકાત લીધી અને એમણે ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટને રીફર કર્યાં. સ્પેશ્યાલીસ્ટે બધાં ટેસ્ટ કર્યાં અને મને જણાવ્યું કે, કદાચ બ્રેઈન ટ્યુમરને લીધે આવું હોઈ શકે. પણ, એમ.આર.આઈ. સ્કૅનમાં એવું કાંઈ આવ્યું નહીં. એટલે ડૉકટરે કહ્યું કે, જો આ અવાજ કોઈ તકલીફ ના કરતો હોય તો એ તરફ ધ્યાન આપવાનું બન્ધ કરી દો. એવું થવાનું કારણ મગજમાં જ હોઈ શકે, જેનો કોઈ ઉપાય નથી. મને એ વાતની ખાતરી થઈ કે યોગશાસ્ત્ર મુજબ જે સાત નાદની વાત છે, એમાંનો એકાદો નાદ મને સમ્ભળાય છે.
10)
ઑગસ્ટ 01, 2008. હું હમ્મેશા ‘મા’નું ધ્યાન કરું છું. આજે ધ્યાનમાં એકાએક ‘મા’નુ સ્વરુપ દ્વીભુજ ગોપાલમાં પરીવર્તીત થઈ ગયું! બંસીબજૈયા, કૃષ્ણ કનૈયા, ત્રીભંગ. તેમણે પીળું પીતામ્બર પહેર્યું હતું. તેમની પાછળ એક ગાય અડીને ઉભી હતી. સમગ્ર પ્રદેશ સુવર્ણ પ્રકાશથી આચ્છાદીત હતો. અદભુત.
11)
ઑગસ્ટ 23, 2008. આજે સ્વપ્નમાં એક પુરાણુ સ્થળ દેખાયું. એ સ્થળ એક સમ્પુર્ણ લમ્બચોરસ આકારનું હતું. એમાં એક ખુણામાં કાળા કૃષ્ણની મુર્તી હતી. આ મકાન એક રણપ્રદેશમાં આવેલું હતું. એકાએક એ વીસ્તારમાં ભારતીય સૈનીકો અને દુશ્મન સૈનીકો વચ્ચે યુધ્ધ થયું. ભારતીય સૈનીકોમાં એક હું પણ હતો. થોડા ગોળીબાર પછી, બન્ને પક્ષે નક્કી કર્યું કે લડવાને બદલે વૉલીબૉલ રમીએ. અને બધાં આરામથી રમવા લાગ્યાં. રમવાનું પુરું થયા બાદ, હું મન્દીરમાં જઈને કૃષ્ણની પુજા કરવા લાગ્યો અને “રંગીલા શ્રીનાથજી” ગાવા લાગ્યો. હ્રદય આનન્દથી ભરાઈ આવ્યું.
12)
સપ્ટેમ્બર 09, 2008. આજે સ્વપ્નમાં એક અમેરીકન કુટુમ્બ દેખાયું – પતી, પત્ની અને બાળક. પત્નીએ બૉલીવુડ ફીલ્મી ગીતો પર યોગના આસનો કર્યાં અને શીખવાડ્યાં. પતી લગભગ બૅડમીંટનના ખેલાડી – પ્રકાશ પદુકોણ- જેવો દેખાતો હતો.
13)
સપ્ટેમ્બર 13, 2008. દીલ્હીના બોમ્બધડાકાના સમાચાર સામ્ભળ્યાં એના અડધા કલાક પહેલાં જ અર્ધજાગ્રતાવસ્થામાં પ્રલયનું સ્વપ્ન આવ્યું. અગ્ની એશીયામાં ભયંકર ધરતીકમ્પથી બધું હલવા માંડ્યું અને આકાશમાંથી શીલાઓ પડવા લાગી. ભારતમાં મોટા પુરની સ્થીતી ઉભી થઈ. અરેબીયામાં જ્વાળામુખી પર્વત ઉભો થઈ ગયો અને લાવા ઓકવા માંડ્યો. અને સ્વપ્ન પુરું. સાથે હું પણ જાગી ગયો.
ભવીષ્યમાં જ્યારે સ્વપ્ના આવશે ત્યારે ફરી ક્યારેક એ વીશે લખીશ. આપની ટીપ્પણી આવકાર્ય છે.