એપ્રિલ 5, 2008

નવરાત

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 9:26 પી એમ(pm) by Chirag

નવરાત – બંસીધર પટેલ

આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.

રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.

ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.

સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.

ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.

લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.

તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.

અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.

નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.

માર્ચ 25, 2008

નવી ઘટના

Posted in કવિતા, ચિરાગ પટેલ at 7:30 પી એમ(pm) by Chirag

નવી ઘટના – ચીરાગ પટેલ Mar 25, 2008

નવા ગાન ફુટે જો અધર આંગણે;
રચાયે નવલ છોડ હૈયે ફરી.

મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;
રચાયે નવલ આભ જીવને ફરી.

સમાવી બધી લાગણી જો ખુણે;
રચાયે નવલ બંધન તરલ ફરી.

સરકતી લતા થડ ઉપર જો વળે;
રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી.

વધાવે જગત જો વહેંચ્યું સકળ;
રચાયે નવલ સાદ આતમે ફરી.

નર્મદા તટે જો મળે કાનુડો;
રચાયે નવલ રાસ મનસે ફરી.

કલમ છોડું જો તીર સંધાનથી;
રચાયે નવલ જોમ ભોમે ફરી.

માર્ચ 1, 2008

લગની

Posted in કવિતા, ચિરાગ પટેલ at 6:44 પી એમ(pm) by Chirag

લગની – ચીરાગ પટેલ Feb 14, 2008

વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;
પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં.

પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;
રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં.

પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;
પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો.

સખી, જન્માંતરની લગની લાગી મને તારી;
ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી.

જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;
સહીયર તારો પ્રેમ સજાવે છે, હોંશે હોંશે.

નીતરી જાઉં પુરો તારા આ સૌન્દર્યમાં;
ખીલવી દઉં ગુલાબ અને પારીજાત દરીયામાં.

સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.

ફેબ્રુવારી 2, 2008

સાવજ

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:36 પી એમ(pm) by Chirag

સાવજ – બંસીધર પટેલ

નાંખીને ત્રાડ એક, કહે સાવજડો,
રુક જાવ ઓ જુવાનીયા, થયું ઘણું, હવે કરો બસ.

વટાવી રેખા મર્યાદા તણી, થયો લોપ,
સમાજનો મલાજો, ભુલ્યાં સહુ સંસ્કાર.

વારસ તમો, મનુ-શતરુપા તણા, સાચા,
કેમ ભુલ્યા મારગ, આ વીસમી સદીના કાળમાં.

હવે તો કરો બંધ, આ બધાં ચેટક અધીરા,
જાતે મારો કુલ્હાડી પાદ પર બનીને હીંસક.

થશે સર્વનાશ, સહુ રુકજાવનું એલાન!
રુઠશે પણ કુદરત, ક્યાં અટકશે આ વામાચાર?

સુણો, વીચારો, શીખ કસાયેલા કૌવતની,
આ બળાપો બાળશે સહુને, બનીને અગનજાળ.

માન, મર્યાદા, સહુ નેવે મુકી નાસો,
શાને ઓ અંધ, જુવાનીના જોશમાં.

પકડશે ગરદન કાળ, એક દીન જરુર,
થાશે મોડું, ના મળશે વીસામો કોઈ વૃક્ષનો.

મટીને બાળ બન્યા છો જુવાન, કાલે,
બનશો વૃધ્ધ, શું આપશો વારસામાં?

આવનારી પેઢી ના કરશે માફ તમોને,
ચેતવું હોય તો ચેતજો ઓ નરબંકા!

વટવૃક્ષની મીઠડી છાંય

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:35 પી એમ(pm) by Chirag

વટવૃક્ષની મીઠડી છાંય – બંસીધર પટેલ

વટવૃક્ષ સમા આ વૃધ્ધજનો,
આબાલ સહુના ચહીતા સ્નેહીજનો.
અડીખમ ઉભા હીમાલય શા વૃધ્ધજનો,
સમયની થપાટે ના ડોલ્યા પ્રબુધ્ધજનો.

વટાવી મારગ કંટકનો રહ્યા સ્થીર વડીલો,
ના હાર્યા હામ, યાહોમ કરીને કુદ્યા વડીલો.
કીધાં કંઈ કારજ, ના બેઠા ઠરીને કદી વડીલો,
મળ્યો જ્યારે સમો, વીસામાનો વડલો.

પેઢીના પ્રણેતા, પથદર્શક વંશાવલી કેરા,
સરગમ સંવારી સંસારની, બનીને તમો અદકેરા.
પુત્ર, પુત્રી, પ્રપૌત્ર, વધુ સહુ નમતા ફરીને ફેરા,
ઉગમણા સુરજને પુજી, વીદાર્યો આથમણો સારો.

વીદ્વાન, અનુભવી, જાણકાર તમો અનેરા,
સંસારી બનીને, બન્યા તપસ્વી, લીધો ભેખ અનેરો.
હારેલા, થાકેલા સહુને મળતો આશરો તમ કેરો,
રવી, કવીની કલ્પનાથી પણ ઉચ્ચતર તમારો ડાયરો.

વટવૃક્ષની છાયા મીઠડી, ધોમધખતાં તાપણાં,
ખરે જ મળી ઉપમા તમોને, વૃધ્ધ તમારા આલાપમાં.

જાન્યુઆરી 12, 2008

દોસ્તી

Posted in કવિતા, બંસીધર પટેલ at 11:30 પી એમ(pm) by Chirag

દોસ્તી – બંસીધર પટેલ

મળ્યા બે દોસ્ત, કરવા વાતો, વીતેલા વખત તણી,
પુછ્યા છે ખબર, અંતર વીશે ઉમળકો લાવીને અતી;
છૈયાં, છોકરાં, બૈયર તણા, પુછ્યાં અંતર પરસ્પર ફરી.

હતાં જ્યારે શીશુ, રમ્યાં ખુબ સાથે, ભણ્યાં પણ સાથે;
હતી ખોડ ખાટલે એમ કે સ્નેહ અરુ ફરક કૃષ્ણ-સુદામા સમો;
હતો એક અમીર તો અન્ય વળી રંક, ખાધાનાય સાંસાં;
હતી ખબર બેઉને કે, નથી મેળ ભાવીતણો, નથી ઉજાગર દોસ્તી.

થયા બેઉ અલગ, પરણી, ભણીને સીધાવ્યા સહુ સ્વરસ્તે;
કરે એક ધંધો તો અન્ય કરે ખેતી, બન્યો એક અમીર તો રંક છે બીજો;
માબાપ બન્ને તણાં સીધાવ્યાં સ્વર્ગમાં, ભાઈ-ભાંડું પણ પોતાના રસ્તે.

ભરાઈ આવ્યું છે હૈયું, બનીને સાગર અશ્રુતણો ઉભરાઈ રહ્યો;
મળ્યાનો હરખ સમાતો નથી હ્રદયમાં, ગયા ત્યાં નજીક વૃક્ષતણો વીસામો.
પરખ અહીં ખરી છે દોસ્તી નીભાવની, કરીને ગોષ્ટી કીધું હૈયું હળવું;
ભાંગ્યાના ભેરુ બનીને પરસ્પર, એક મનનો રોગી અન્ય છે સંપદાનો.

નીભાવી મૈત્રી અતી પ્રેમે કરી, આજ તો સર્જનહારની અસીમ લીલા છે.

સમજણ

Posted in કવિતા, બંસીધર પટેલ at 11:29 પી એમ(pm) by Chirag

સમજણ – બંસીધર પટેલ

વરસી રહ્યું છે અમરત મનવા, પી લે મન ભરી ભરી;
તલસી રહ્યું છે મન તારું, પામવા અમરત કટોરો વળી વળી.

ભર્યો પડ્યો છે સમંદર પુરો, મંથન કરતાં ના વાર ઘડીની;
મચી પડ, ઢળી પડ, ઉન્નત મસ્તકે ઉભો થઈની.

ફુંકાઈ રહ્યો છે પવન સમીરો, ત્રીગુણ તણી નાંખતો લહેરખી;
ભરવો હોય તો ભરી ભરી લેજે, લાંબો વીસામો લઈ લહેરથી.

વાગી રહ્યો છે રણભંભેરી, શંખનો ધ્વની શ્રુણાય અતી સમીપથી;
નસીબ હોય તો પામે નર જગમાં, સતવાણી વદે સંતસમાજથી.

કરમ લખ્યા નવ થાય મીથ્યા કદી, છોને પછાડે મસ્તક પાષાણ થકી;
પરમ પ્રકાશે મુકી દોડને, થઈ જા માલામાલ આ ધરતી મહીં.

પસ્તાશે પછી પેટભરીને, ના ઉગરવાનો મળશે વારો કદી;
ધરતીને તુ અગર સમજીને, ઈશ્વરનો પહાડ માની રાખજે ગરીમા.

જાન્યુઆરી 11, 2008

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો

Posted in કવિતા, પાયલ at 7:21 પી એમ(pm) by Chirag

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો – પાયલ ગુપ્તા Jan 11, 2008

દુ:ખને દુઃખ ના જાણ્યું, હસીને હસાવી ગયા;
જીવન એવું જીવી ગયા, ચીરંજીવ સંભારણાં મુકી ગયા.

દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં;
એવી લીધી વીદાય અચાનક, રડતાં અમ સહુને મુકીને.

તમે તો પોઢી ગયા સદાકાળ, દીર્ઘ અંધાર પછેડી ઓઢીને;
આપ તો હતા પરમાનંદ, સ્વીકારજો અમ અંજલી.

લીલી વાડી સમો સંસાર ત્યજી, તમે ગયા સ્વર્ગધામ;
લાડકોડ મુકી અધુરાં, કોડ સહુના પુરા કરી ગયા.

હર પળે, હર કાર્યમાં ‘ને હર સ્થળે આવે સ્મરણ;
જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;
આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની.

આપના દીવ્યાત્માને પરમકૃપાળુ પરમાત્મા,
ચીર શાંતી અર્પે એ જ હ્રદયની પ્રાર્થના;
ચરણોમાં અર્પણ અમી છીએ.

ડિસેમ્બર 24, 2007

લાજો મનુષ્ય

Posted in કવિતા, બંસીધર પટેલ at 8:59 પી એમ(pm) by Chirag

લાજો મનુષ્ય – બંસીધર પટેલ Apr 02, 1994

કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા.
વળી રહ્યું છે મીંડું કે સંસ્કાર સઘળા ધીમેથી લોપાઈ રહ્યા.
દુર-દર્શન હોય કે રેડીયો, સીનેમા; અશ્લીલતા ખુલ્લી નાચી રહી.
કુમળા બાળ-માનસ મુરઝાઈ રહ્યા, વડીલોના વાંકે શોષાઈ રહ્યા.

ભણતર બન્યું છે બદતર કે દફતરનું વહન વધી રહ્યું.
ગણતર વીનાનું ચણતર, પાયો કાચોકચ પડી રહ્યો.
થાશે શું આ સૃષ્ટીનું, મન મારું વીહ્વળ થઈ રહ્યું.
ના સુણે કોઈ કોઈનું, પ્રેમ-સ્નેહ-સગાઈ ફેંકાઈ રહી.

નારીના દેહતણું થાય છે લીલામ ખુલ્લા બજારમાં.
નીચી મુંડીએ નીરખી રહ્યા સહુ બનીને ભીષ્મ પીતામહ.
ખેંચાય છે વસ્ત્ર સચ્ચાઈના, નથી પડી કોઈ કોઈની સ્વાર્થમાં.
ભ્રષ્ટાચાર પથરાઈ ગયો, આચાર-વીચાર ગયા મહાસાગરમાં.

વીશ્વની જનેતા નાખે નીઃસાસા, નથી કોઈ તારણહાર.
કુદકે ને ભુસકે વધતી વસતી, ભાર ભોમનો અતી મારણહાર.
ભણેલા-અભણ સહુ વરતી રહ્યા, ગળાકાપ હરીફાઈ થકી.
ના રહેશે કોઈ કોઈનું ભલા, પ્રલય પણ થરથર કંપી રહ્યો.

બનીને રાંક ઓ મનુના વંશજ, શાને હરખાઈ રહ્યો?
રાંડ્યા પછીનું ડહાપણ તારું, ના લાગશે લગીરે કામ અહી.
ચેતી જા ભલા, પામર, દુષ્ટ માનવી, શરમાઈ રહી તારી ભોમકા.
પ્રભુ પણ પછતાઈ રહ્યો તારા થકી, ઓ વાનરના વંશજ આદી.

ઉગે છે સુર્ય પુર્વમાં, લઈને નવી ક્ષીતીજ પ્રકાશની.
લઈને કંઈક શીખ, ઓ મુરખ મનવા, મુક તમા જગતની.
રાત્રી-દીન, સવાર-સાંજ બસ ધારણા એક ઈશ્વરની.
ઉગારજો આ મનખ જનાવરને, કરીને માફ સર્વે થાયે ભલો.

કાળ

Posted in કવિતા, બંસીધર પટેલ at 8:58 પી એમ(pm) by Chirag

કાળ – બંસીધર પટેલ Apr 02, 1994

કદીક વાગોળું હું મારા ભુતકાળને,
આંખો મીચાઈ જાય છે અતીતનાં ઉંડાણમાં.

નાંખીને દીર્ઘ નીઃસાસો નીશ્વાસનો,
મથી રહ્યો છું પ્રાસ લેવા જીંદગી તણો.

નીર્દોષ, નીષ્કપટ, નીર્વ્યાજ પ્રેમ શીશુ તણો,
વીસરાઈ ગયો, વહી ગયો વખતની થપાટમાં.

જીંદગીના ઝંઝાવાતમાં જુવાની ઝંખવાઈ ગઈ,
આધેડ વયનો વયસ્ક બની વયની થપાટ લાગી રહી.

શું શું સપનોનો સાંકળો તાણી રચી હતી જાળ,
પીંખાઈ ગયો માળો, પીંછાં બધાં તીતર-બીતર બની.

વીતેલો વસમો કાળ, હજી નથી કપાઈ રહ્યો,
ત્યાં તો સામે આવી ઉભું જરા-વ્યાધી તણું લંગર સહુ.

સંસારના વમળમાં વીંટળાઈ રહ્યો ખુબ,
શોધમાં સુખ-સગવડ તણી, ભટકી રહ્યો ભવસાગર મહીં.

અતીત સારો કે વર્તમાન, મન ચગડોળે ચઢ્યું,
ત્યાં આવ્યો વીચાર ભાવી-તણો, આપી અણસાર અતીતનો.

વીધીએ લખ્યું જેહ ના મીથ્યા થાયે કદી,
ચાલશે એમ જ ગાડી, મનમાં હું આ વીચારી રહ્યો.

ડિસેમ્બર 8, 2007

ધૈર્ય

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:38 પી એમ(pm) by Chirag

ધૈર્ય – બંસીધર પટેલ Nov 16, 1994

ધૈર્ય ધરો ઓ મનવા,
કાળની થાપટ ખાઈને.

ઉડતાં પંખેરું નીલ ગગનમાં,
એ જ ધૈર્યનાં વીશ્વાસે.

તૃષા હોય બેહદ જીવન જળની,
ભમતું એ વીહગ સ્વબળે.

ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
વીશ્વાસ સ્વ તણો કરે પાર.

જીવનપુષ્પ

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:37 પી એમ(pm) by Chirag

જીવનપુષ્પ – બંસીધર પટેલ Nov 16, 1994

ખીલેલું એ પુષ્પ ઉપવનની શી શોભા ન્યારી,
ભરીને અરમાનો તણા આભ, ઉમંગે કુદે બલીહારી.
વીવીધ રંગો, ભાત-જાત ઘણી, કરામત પ્રભુની પ્યારી;
તાજગીથી તરબોળ સ્મીત, કેટલી ઉર્મીઓ ઉછાળા મારતી.

ભલે હોય અલ્પાયુ, છતાં દેવશીરે પ્યારું;
કરમાય છતાં એ ના વીસરે સ્મીત અતી રુપાળું.
મર્યાદા જીવનતણી, રાખે એ સદાય તરવરતું;
આપે રુડી શીખ, ઉર્મીઓના ઉદધી પ્રસરાવતું.

સુવાસ તણો સહારો એ કદીય ના વીસરતું;
જડેલી જન્મ-જીવન-મૃત્યુ લગી, પરસ્પર સંવારતું.
છોને થાય નાશ જીવનનો, રહેતી સુવાસ નીખારતું;
બાળ સહજ એ હાસ્ય, સદાય ઉપવનને શોભાવતું.

વહેવાર

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:37 પી એમ(pm) by Chirag

વહેવાર – બંસીધર પટેલ Nov 16, 1994

વહેવાર બન્યાં છે શુષ્ક,
દુકાળ પડ્યો છે કાળનો.

આથમે ઉગે નીત્ય સુરજ,
એ નીત્યક્રમ કદી ના ચુકતો.

મોંઘવારીનો ભોરીંગ ફુંફાડા મારતો,
સસ્તો બન્યો છે એક મનુષ્ય.

મારી-તારી ને કાપા-કાપી,
એક વહેવાર એ જ જગતનો.

નવલું પ્રભાતનું નજરાણું,
કે આથમતો એ ક્ષીતીજમાં.

રહે સદાયે અડગ નીજ પથમાં,
ના ચુકતો એ કદીયે વહેવાર.

કેવી ઘંટી

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:36 પી એમ(pm) by Chirag

કેવી ઘંટી – બંસીધર પટેલ Nov 16, 1994

કહેવું શું આજની આ જંજાળને,
ભમે છે બનીને વાનરસેના.

ભણતર ગણતરનું નામો નથી નીશાન,
ટીવી, ટેપ વ્યસન તણાં અનીષ્ટ.

વહે છે ઉલટી ગંગા, લઈ ડુબાડશે સંસ્કૃતી,
વાંસ-વાંસળીની ઉક્તી કહે સહી.

દલીલબાજીની વીંઝી તલવાર કરે અપમાન,
વડીલ-ગુરુ-મા-બાપનું બેહદ.

પહેરવેશનું પણ નથી લગારે ભાન,
મુખતણું તેજ સહુ શુષ્ક ભાસે.

નરમાંથી બને નારી, સ્ત્રી પણ બને પુરુષ,
બહુરુપીના ખેલ બધાં ન્યારા.

વર્તુળની વ્યાખ્યા ઘણી પ્યારી દેતી શીખ,
જ્યાંથી કરેલ શરું ત્યાં જ પુનઃ પધારતાં.

સમયની સરગમ સાધે અકળ ભવીષ્યનું,
કરશે કોળીયો, લગીરે ના વાર ક્ષણની.

ચેતવું હોય તો ચેતજો, ઓ નર-નાર જગતનાં,
પીસે ઘંટીમાં બારીક, દેખે ખેલ સહુ ઉપરવાળો.

સમય સાથી

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:35 પી એમ(pm) by Chirag

સમય સાથી – બંસીધર પટેલ

પળ, દીવસને રાત વહી, વરસોનાં વાયા વહાણાં;
બાળક, જુવાનને પ્રૌઢ મટી, વીતાવ્યાં વરસ અતીઘણાં.
દાઢી, મુછ ને માથે સફેદી, શ્વેત રંગ તે ધર્યો બહુધારી;
અંગ, બંગ સહુ બન્યાં છે વેરી, ઢીંચણમાં વા ગયો છે પ્રસરી;
કર્ણ, નયન, મુખ બન્યા અબુધ, દેતા હોંકારો બેવાર તડુકી.

છોને બન્યા વહુ, સુત સહુ વેરી, સાથ સમાગમ આતમનો;
ભણતર, ગણતર ના બન્યાં કોઈ પ્રેમી, મીલકત, માલ તમામનો.
હેલાં, હલેસાં, ખાતા, માતા છીએ કેદી, ધાન ગરજની આપ્તજનોની;
મેણાં, ટોણાં મળે મફતમાં, કાળને પાછો ઠેલી, મળે ના પ્રેમ સકળજનોના.

હાથવગાં છે સ્નેહી મારા, ટોપી, તીલક ને લાકડી;
સવાર પડે કે સાંજે મળતાં, સમદુઃખીયા સહુ લાડથી.
ચોતરો બન્યો છે આધાર અમારો, ચર્ચા, વાર્તા કરતાં સહુ વ્હાલથી;
શ્વાસ – પ્રશ્વાસ છે ભેરુ અમારા, પડી ના કોઈ પથવારની.

નવેમ્બર 28, 2007

ગીતા મારી માત

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 6:25 પી એમ(pm) by Chirag

ગીતા મારી માત – બંસીધર પટેલ

સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન;
ના-મરદને પણ મરદ બનાવે, એ દીવ્ય ગીતાકેરું જ્ઞાન.

વીજ્ઞાન પણ અસમર્થ છે, ગીતાજ્ઞાન સનાતન સત્યદ્યોતક;
મીઠાની પુતળી નીસરી માપવા ગહેરાઈ સમંદરની, સમાણી સદેહે.

સોળે કળાએ સંપન્ન જ્ઞાન, જીવનકળાની ખરે જ પ્રયોગશાળા;
નથી ઉણપ કોઈ વીષયની, ઉભા કર્યા કંઈ પાર્થને ધનુષબાણ લઈ.

નથી સગા સાચા કોઈ, દુનીયા દોરંગી, કપટી સ્વાર્થનું ભાન કરાવી;
આપ્યો ઉપદેશ યોગેશ્વરે અતીગહન, પામવા મથતા ગુરુજન ઋષીઓ.

કર્મ, ધર્મ, જ્ઞાન તણો સંગમ અનેરો પાવન, મન મેલ ધોઈ દેનારો;
અભડાયેલા, અટવાયેલા, સંસારદાહથી દઝાયેલા બહુજન.

મળે છે શાતા, ચીર શાંતી વીપુલ, જ્ઞાનનો ભંડાર ધરખમ ખરો;
ભાંગ્યા જનોની ભેરુ સાચી, માત ગીતા દુઃખ વીદારનારી.

બનીને કર્મઠ યોધ્ધા, થાઓ ઉભા ઓ દુનીયાના પાર્થ સર્વે;
લડો સામી છાતીએ, કર્મ-જ્ઞાનરુપી ધનુષબાણના સથવારે.

સોડલા તાણીને ઉંઘ્યા ખુબ, ના જોયું કદી કલ્પવૃક્ષ ગીતા ભણી;
સંસ્કૃતીના આધારસ્થંભ ચાર, ગીતા, ગાય, ગંગા, ગાયત્રી.

મજબુત હોય જો ચારેય સ્થંભ, ઈમારત ટકે ચીરકાળ લગી;
ગીતા એવો આધારસ્થંભ, ના ખરે કાંકરી, અડીખમ ઉભી.

મલેચ્છોએ કર્યા વાર, ના થયો ઘા, એવી દીવ્યશક્તી;
ધર્મ, અર્થ, કામ અરુ મોક્ષ, ચતુર્વીધ ફળપ્રદાયીની.

માંગો જે બધું મળશે મહીં, ખોલી જુઓ ગીતામાતને;
ધરતી પરનું સાચું સ્વર્ગ, કલ્પવૃક્ષ જનની ગીતાભારતી.

ઓક્ટોબર 27, 2007

અનંતની સફરે

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 5:38 પી એમ(pm) by Chirag

અનંતની સફરે – બંસીધર પટેલ

પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.

જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે જોવો અદભુત રંગ;
ચુંદરડી ઓઢેલી નવોઢાની જેમ, આસમાની ચુંદડી સોહાય નવરંગ.
નીરાકારમાં આકાર ભાસે, નીતાંતમાં અંત, અંધકારમાં ઉજાસ ઘણો;
નક્ષત્ર, અરુ તારલાઓના સંગે, સુરાવલી મનભાવન સુણાય જાણે.
મોતીઓના આભલે મઢેલું અવકાશ, શી સુંદરતા મનમોહક.

નથી વીસામાનું નામ-નીશાન, બસ ઉડતો જાઉં મન અશ્વારુઢ;
કેમે કરીને ના ફરું હું પાછો, લાલચ રોકી ના રોકાય ભલી.
ભલે હું નાચું મન-તોખારના સંગે, લગામ ઢીલી ખેંચી કોણે?
આવ્યો હું ભાનમાં, છતાં અભાનમાં, હોંશકોંશ ઉડી ગયા, બની આભો;
સ્થુળતામાં ના આવું કદી, પણ કરું શું લાચાર બની નીરખી રહ્યો.

આ એ જ ધરણી, એ જ સૃષ્ટી, એ જ સંસાર, સરગમ બધી;
નથી ગમતું સહેજે અહીં, ભુલી ભુલાય ના એ દીવ્યસૃષ્ટી.
બની રહ્યું એ સંભારણું, સાચવી રાખું હું પ્રેમ પટારે;
વીસર્યું ના વીસરાયે કદી, દીવ્ય અનંત, રાહના સથવારે.

પર્યાવરણની પાંખે

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 5:37 પી એમ(pm) by Chirag

પર્યાવરણની પાંખે – બંસીધર પટેલ

પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.

ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.

ઝાડ પાન વનસ્પતી ઘટી, વેરાન ઉજ્જડ થયાં વનો;
જળ સમીર માટી મહીં, સમાણું વીષ ઓ અંધજનો!
સૃષ્ટી સંસાર બન્યો પ્રદુષીત, ઈશ્વર પણ ક્યાં બાકી રહ્યો;
ભરમ ભાંગ્યો ધરમ કરમનો, ભેળસેળનો દૈત્ય દોડી રહ્યો.

મુક્યા નેવે સર્વ નીયમ કુદરત તણાં, હેવાન બન્યાં નર-નાર;
પશુ પક્ષી પણ બાકી નથી, થોભી ઘડીક કરે વીચાર ઘડનાર.
અટકશે ક્યાં જઈને સઘળું, વીનાશની ઘડી ગણાતી;
નથી સર્યો સમય હજી, ચેતે જો નર સ્વને ભણાવી.

કૃત્રીમતાએ હદ કરી, નથી કુદરતી રહી કોઈ ચીજ;
તન મન ધન કૃત્રીમ બન્યા, દેવો કોને દોષ ફરીયાદી નીજ.
સંસ્કૃતીમાં ભાસતી વીકૃતી, અવની ભાસે નીરાધારી;
ભાવી પેઢી ના કરશે માફ, પુનઃ આવશે શું ગીરીધારી?

કકળતા હૈયે કરે સહુ વીનતી, કરો બંધ તાંડવ વીનાશનું;
નહીંતર પછી યાદ છે ને, સો સાસુના તો એક દી’ વહુવારુનો.

ઓક્ટોબર 20, 2007

નયનની પલકોમાંથી

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:56 પી એમ(pm) by Chirag

નયનની પલકોમાંથી – બંસીધર પટેલ

દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.

ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.

સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.

અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.

સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યારે,
સૃષ્ટીના સૌંદર્યને પામવાની દ્રષ્ટી શુન્ય બની જાય છે.

અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મુર્તી દેખાય છે જ્યારે,
બસ કરો હવે નથી ખોલવા નયન બીડાઈ જાય છે.

સાચી શ્રધ્ધા – બંસીધર પટેલ

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:55 પી એમ(pm) by Chirag

સાચી શ્રધ્ધા – બંસીધર પટેલ

હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.

નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.

માળા ફેરવી કેટલાય માનવે, છતાં નથી મળ્યા ઈશ્વર એ વાત ભુલીશ નહી;
મન હોય તો જવાય માળવે, તાળવે હોય પ્રીતી ખરી એક ધ્યાનથી.

કહ્યું છે ઘણું અનુભવી રાહબરોએ, સાંભળી બન્યા હશે કર્ણ નીષ્ક્રીય;
બસ થયું હવે ઘણું, ના ભરમાઈશ, ના દોરવાઈશ અન્યથી કદી.

અવાજ ઓળખ આતમ તણો, એ જ ખરો ભગવાન બીરાજેલો મહીં;
ઓળખી એને ચાલીશ સદા, તો પામીશ અમુલખ પદારથ ખુબ જ.

બાંધીને ભાથું શ્રધ્ધા તણું, બની અર્જુન થાજે ઉભો ખરી હામથી;
કરી લે મન સાબુત ભલેરું, ગાંડીવની પણછ ખેંચી તૈયાર બની.

ઘુમાવીશ ના કાળ અધીક, થાશે ના થયો કોઈનો સગો કામ કદી;
બનીને ભડવીર ભુલોકનો, કાળમુખા કાળનો કરી જા કોળીયો.

અલપ ઝલપ મુકી માયા તણી, બની જા નીર્લેપ, નીષ્કામ, નીડર તું;
કર્યે જા કર્મ સોંપેલું ઈશ્વરનું નીર્માણ માની, કરીશ ના ઉચ્ચાટ કશો.
ભાંગશે ભ્રમ ભુતકાળનો, સુધારી વર્તમાન, ઉજ્જ્વળ ભાવી થાશે.

———————————————-

ગમે છે સૃષ્ટી સીતારાની, આભલે ચીતરેલા ચમકતા તારલાની;
કેવો છે ઈજનેર એનો, મન મારું અહોભાવયુક્ત બને.

ઓક્ટોબર 13, 2007

સમયના સથવારે

Posted in કવિતા, બંસીધર પટેલ at 4:03 પી એમ(pm) by Chirag

સમયના સથવારે – બંસીધર પટેલ

સમયના સથવારે, લોહીયાળ મચ્યું છે યુધ્ધ ટોળાશાહીનું;
સફેદ ઝભ્ભામાં સજ્જ બની, ઉભેલાં ચાડીયા એ નેતા બધાં.

ઉપરની સફેદીમાં, હ્રદય કાળું ડીબાંગ છે, હાથીદાંતનો ઘાટ બધો;
જનતા બીચારી શું કરે? અહીંતો વીણવા ઘઉં કંકરમાંથી હવે.

સાચો કોણ? ખોટો કોણ? પારખવાની ભ્રમીત થઈ છે મતી;
પક્ષાપક્ષીનો ગજગ્રાહ મચ્યો ત્યાં, નીષ્પક્ષતાનું નીશાન નથી.

દુધ પાઈને ઉછેર્યાં ભુજંગ, ઓકશે વખ એ વાત નીર્વીવાદ છે;
કરતા આજે પ્રણામ તમોને, પાંચ વરસ સુધી કરજો તમે પ્રણામ.

નથી દેખાવાના ફરી આ, શયતાનોના સોદાગર, જનતાને;
છેતરી, છાવરી ભોળી જનતાને, ચુસી ચુસી ખતમ કરવાના જ.

ભગવાન પણ બચાવે આવા માટીપગા, હરામી નેતાઓથી;
જાગશે જનતા હીરાપારખુ બની, ભાગી જશે ભુગર્ભમાં નેતા બધાં;
ઉગશે સોનાવર્ણો સુરજ અહીં, લીલાલહેર અને અમન તણો.

——————————————

અજવાળી આઠમની રાતે, ગયા અમે નીરખવા નવલાં નોરતાં;
દેખી ગોરી ઘુમતી ગરબે, સજી સોળે શણગાર ભાવનીર્ઝરથી.
ઉમટ્યું માનવ મહેરામણ બેસુમાર, નથી પગ મુકવાની ભોંય કશી;
જામી છે રમઝટ ગરબાની વીશાળ ગગનમંડપમાં.

ઉત્સવ

Posted in કવિતા, બંસીધર પટેલ at 4:02 પી એમ(pm) by Chirag

ઉત્સવ – બંસીધર પટેલ

અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?

આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.

પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.

નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું કર્યું જ બધું;
સાત જનમનાં પસ્તાવાથી પણ નથી ઉધ્ધાર થવાનો કદી.

હજી પણ નથી ગયો વીતી કાળ, નથી પડ્યો માંડો માનવ;
સુધરી જા નહીંતર પડશે કોરડા, વીંઝાશે ઉપરવાળાતણાં.

ઓઢી લે પ્રેમની કંથા, ભુલી ભેદભરમ વેરઝેરનાં;
થશે માફ પાપ કર્યા જાણ-અજાણથી, આ પુરા જીવન મહીં.

ઉઠી’તી આંધી એક સમીરની, થાશે શાંત ઈશના આશીષથી;
ભાંડું મારો માનવ બધો, ચાહતની ચરમસીમા થકી.

મળશે શાશ્વત સુખ જ એમાં, થાશે ઉજવળ જીવન તારું;
તે દી’ પાછો આવજે, ઉજવવા ઉત્સવ અસ્તીત્વનો;
ઉજવીશું રંગેચંગે ભેગાં મળી, ગર્વ લેવાની વાતો ઘણી.

ઓક્ટોબર 10, 2007

Blogadda.com

Posted in ચિરાગ પટેલ at 7:19 પી એમ(pm) by Chirag

Visit blogadda.com to discover Indian blogs

ઓક્ટોબર 6, 2007

વૈદિક માનવ ધર્મ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 4:34 પી એમ(pm) by Chirag

વૈદિક માનવ ધર્મ – બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ – વેદ – ઉપનિષદ અમર રહો.

સપ્ટેમ્બર 30, 2007

મારી મસ્તી – બંસીધર પટેલ

Posted in કવિતા, બંસીધર પટેલ at 8:23 પી એમ(pm) by Chirag

મારી મસ્તી – બંસીધર પટેલ

પાગલ ગણે છો મુજને, હું મસ્ત બનીને ઘૂમી રહ્યો;
આકાશ, પાતાળ કે અવની, છે મારો મુકામ જાણી રહ્યો.
ઉતારીને અભિમાનના વાઘા, નિર્મળ, નિતાંત બની રહ્યો;
અંધકાર ભેદીને અજ્ઞાનનો, ઉજાસ સર્વત્ર નિરખી રહ્યો.

મસ્ત, વ્યસ્ત અને ત્રસ્ત, જીવન વ્યતીત કરી રહ્યો;
પ્રજ્ઞાના પ્રકાશને સથવારે, કાળ કઠણ કાઢી રહ્યો.
બીજને સિંચીને જ્ઞાનના, વટવૃક્ષ હું બનાવી રહ્યો;
તોડીને બંધન માયાના, નિર્લેપ બની હું ભમી રહ્યો.

કરી છે ભુલો હું ગણી રહ્યો, ભૂતકાળ બનીને ભૂત ભમી રહ્યો;
નજર ના લાગે કોઈની, હું સર્વથી ઘણો જ છુપાઈ રહ્યો.
નથી કલાકાર છતાં, કલાનો દેખાવ, ડોળ કરી રહ્યો;
નાયક નથી, નાયીકા નથી, છતાં નાટક લાંબું હું ભજવી રહ્યો.

વિફરેલી વાઘણ સમો, રઘવાયો હું ભટકી રહ્યો;
લલનાના વિખરાયેલા કેશ જેવું, જીવનમંથન કરી રહ્યો.
નથી છાશ, દહીં કે માખણ, ઘીની મજા હું માણી રહ્યો;
ઉરમાં નથી કોઈ આશ, હું પાગલ બનીને ઘૂમી રહ્યો.

જે નથી તે દેખાવાનો, નકામો ડોળ હું કરી રહ્યો

પહેલાનું પેજ · આગળનું પેજ