ઓક્ટોબર 6, 2007

વૈદિક માનવ ધર્મ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 4:34 પી એમ(pm) by Chirag

વૈદિક માનવ ધર્મ – બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ – વેદ – ઉપનિષદ અમર રહો.

જુલાઇ 29, 2007

aachaar sanhitaa – Bansidhar Patel

Posted in નિબંધ, બંસીધર પટેલ at 4:27 પી એમ(pm) by Chirag

આચાર સંહીતા – બંસીધર પટેલ

આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ ‘ભગવદ ગીતા’ દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર સંહીતા પાયાનો સીધ્ધાંત રહેલો છે. ભગવાન શ્રીમહાવીરે આચાર પ્રથમો ધર્મ ગણી જૈન વીચારધારામાં આચાર સંહીતાને પ્રમુખ સ્થાન આપેલું છે. ભગવાન બુધ્ધે પણ આચાર અથવા કર્મયોગના સીધ્ધાંતને મુખ્ય ગણ્યો છે.

ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે, કે જેમણે આચાર-વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે. જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ. રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે. અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય, સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય, સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે. એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે. એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે. કોમી હુલ્લડો, સાંપ્રદાયીક અસામાંજસ્ય, વેરભાવ, દુષીત રાજકારણ, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે. પરંતુ પાટલે મોટી ખોડ છે. આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે.

દેશ આખામાં સદીઓથી મહાનપુરુષો, કથા, વાર્તા, સત્સંગ દ્વારા મનુષ્યનું આચરણ સુધારણા બાબત પર ભાર મુક્તા આવ્યા છે. સાહીત્યના વીદ્વાનોએ પણ તેમની મૌલીક રચનાઓ દ્વારા લોકશીક્ષણમાં આચાર સંહીતા ઉપર સેંકડો પુસ્તક પ્રજા સમક્ષ મુક્યા છે. છતાં કળીયુગ તેનો પ્રભાવ વધારતો જ જાય છે. આવું કેમ? એ સૌના મનનો વીકટ સવાલ છે. તો આના માટે પાયાની વાત આપણે વીચારીએ.

આપણામાં કહેવત છે કે અન્ન તેવું મન અને જળ એટલા પ્રમાણમાં પ્રદુષીત છે કે ખાતર અને રસાયણના ઝેરથી અન્ન જળ સાત્વીક મટીને તામસી બની ગયાં છે. બીજું પૈસા પાછળની આંધળી દોટ, સ્વાર્થવૃત્તી પણ આચાર સંહીતાના સીધ્ધાંત પર કુઠારાઘાત સમાન છે. ત્રીજું ધર્મથી વીમુખ થવું , દુર જવું અથવા કોઈ પણ ધર્મ કે મઝહબના પાયાના સીધ્ધાંતોને તોડી મરોડી સગવડભર્યા આધુનીક ધર્મમાં પરાવર્તન કરવું.

આચાર સંહીતા એ વ્યક્તીગત બાબત છે. છતાં પણ તેમાં ઉપરોક્ત પરીબળો ભાગ ભજવી શકે છે. અને મનુષ્ય સારા આચાર-વીચારો દ્વારા સમાજ તથા દેશને એક સારા નાગરીક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. વ્યક્તી, સમાજ અને રાષ્ટ્ર એક સુત્રમાં બંધાઈને ધરતી પરનું સ્વર્ગ બની શકે.

એપ્રિલ 18, 2007

Indian Music – Chirag Patel

Posted in ચિરાગ પટેલ, નિબંધ at 6:02 પી એમ(pm) by Chirag

ભારતીય સંગીત – ચિરાગ પટેલ Apr 18, 2007

પ્રાચીન – આર્વાચીન ભારતીય જીવનમાં સંગીતનું ઘણું જ મહત્વ રહ્યું છે. આપણાં દરેકના જીવન સાથે આધ્યાત્મિક, શાસ્ત્રીય, ફિલ્મી કે આધુનિક – દરેક પ્રકારનું સંગીત વણાઇ ગયું છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા સમાધિ પણ પ્રાપ્ત કરી છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા ચમત્કાર પણ કરી બતાવ્યાં છે. સંગીત જુદાં-જુદાં વાદ્યો દ્વારા કે જીવોના અવાજ દ્વારા પ્રગટ થતું રહ્યું છે. બ્રહ્માંડના દરેક કિરણોત્સર્ગ અને ધ્વનિમોજાંઓમાં સંગીતનો નાદ ઉત્પન્ન થાય છે. એને અલગ પ્રકારનાં માધ્યમોથી ઝીલી શકાય છે. દરેક પદાર્થ – જીવંત કે નિર્જીવ, તારાઓ જેવો મોટો કે પરમાણુ જેટલો નાનો, પોતાનું સંગીત રેલાવતો રહ્યો છે, જેને ચોક્કસ ઉપકરણો દ્વારા સાબિત કરી શકાય છે. આ સંગીત કે લય એ જ જીવંતતાનો કે પ્રાણશક્તિનો પુરાવો છે.
આ નિબંધ – An Autobiography of a Yogi – Swami Yoganand, પર આધારિત છે.

ભારતમાં સંગીત, ચિત્ર અને નાટકો કે નૃત્ય ને દિવ્યકળાનો દરજ્જો મળેલો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ – એ ત્રિમૂર્તિને પહેલાં સંગીતકારો તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય નૃત્યકાર શિવ એમનાં નૃત્યની સાથે સાથે નાદનાં અનંત ભાવસાગરનાં ઉત્પન્નકર્તા મનાયા છે. એમનાં ડમરૂંના નાદ પરર્થી શિવસૂત્રજાળની રચના થઇ છે, જેના પરથી શબ્દ-ધ્વનિની અને સંસ્કૃતના શબ્દોની રચના થઇ છે. બ્રહ્માએ સમયમાં સ્પન્દન જગાવ્યું હતું. વિષ્ણુએ મૃદંગ કે ઢોલ વડે અવાજ ઉત્પન્ન કર્યો. આમ, સૃષ્ટિની રચના અને લાલન-પાલન થયું. સરસ્વતી હંમેશા વીણા સાથે જોવા મળે છે જે તંતુવાદ્યોની જનક છે. સામવેદમાં સહુથી પહેલા સંગીતવિજ્ઞાનની છણાવટ થયેલી જોવા મળે છે.

ભારતીય સંગીતનો પાયો ‘રાગ’ કે સ્કેલ તરીકે ઓળખાય છે. મુખ્ય 6 રાગ એ 126 શાખાઓમાં કે જે રાગિણી અને પુત્ર તરીકે ઓળખાય છે, વિભાજીત થાય છે. દરેક રાગમાં ઓછામાં ઓછા 5 સ્વર કે નોટ હોય છે: એક વાદી અથવા પ્રમુખ, એક સંવાદી અથવા પ્રધાન, ઘણાં અનુવાદી અથવા સંત્રી, અને એક વિવાદી અથવા શત્રુ.

દરેક મુખ્ય રાગ ચોક્કસ સમયગાળા સાથે સંબંધિત છે. રાગ ઋતુઓ સાથે અને ચોક્કસ દેવ સાથે પણ સંકળાયેલાં હોય છે.

હિંડોળા રાગ – વસંતના પરોઢિયા સમયે ગવાય છે, શાશ્વત પ્રેમની અનુભૂતિ આપે છે.
દિપક રાગ – ઉનાળાની સાંજે ગવાય છે, તીવ્ર આવેગ સાથે સંકળાય છે.
મેઘ રાગ – ચોમાસાની બપોરે ગવાય છે, વીરત્વ કે હિમ્મતનો વર્ધક છે.
ભૈરવી રાગ – ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરની સવારે ગવાય છે, શાંતિની અનુભૂતિ આપે છે.
શ્રી રાગ – પાનખરની સાંજ માટે છે, પૂર્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
માલકૌંસ રાગ – શિયાળાની મધ્યરાત્રિએ ગવાય છે, બહાદુરી કે વીરતાનો વર્ધક છે.

પ્રાચીન ઋષિઓએ પ્રકૃતિ અને જીવ વચ્ચેનું સંગીતમય જોડાણ શોધી કાઢ્યું હતું. બ્રહ્માંડની રચના ઓમથી જ થઇ હતી જે પ્રાથમિક સ્પંદ કે ધ્વનિ છે. મનુષ્ય ચોક્કસ મંત્ર કે જે ધ્વનિનું ચોક્કસ બંધારણ છે, એના દ્વારા પ્રકૃતિનાં તત્વો પર કાબૂ મેળવી શકાય છે.

ભારતીય સંગીત ઓક્ટેવ કે ધ્વનિ શૃંખલાંને 22 શ્રૂતિઓમાં વિભાજીત કરે છે. પાશ્ચાત્ય સંગીત માત્ર 12 શ્રૂતિઓ જ ધરાવે છે. ઓક્ટેવના સાત સ્વર છે. દરેક સ્વર ચોક્કસ રંગ અને પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

સા – ડો – લીલો – મોર
રે – રે – લાલ – ચંડોળ (skylark)
ગ – મી – સુવર્ણ – બકરી
મ – ફા – પીળાશ પડતો સફેદ – બગલો (heron)
પ – સો – કાળો – બુલબુલ
ધ – લા – પીળો – ઘોડો
નિ – ટિ – બધાં રંગોનો મેળ – હાથી

પાશ્ચાત્ય સંગીતમાં માત્ર 3 સ્કેલ છે – મેજર, હાર્મોનિક માઇનર, મેલોડીક માઇનર. જ્યારે ભારતીય સંગીતમાં કુલ 72 થાટ કે સ્કેલ છે. મુખ્ય રાગ-રાગીણી અને થાટમાં સંગીતકાર પોતાની કલ્પના અને ભાવનું અનોખું સંમિશ્રણ કરીને અવનવો રાગ રજૂ કરી શકે છે. સંગીતકાર દરેક સમયે મુખ્ય બંધારણમાં નવી શ્રેણી, ભાર અને પુનરાવૃત્તિ ઉમેરીને રજૂ કરી શકે છે.

સંસ્કૃત સાહિત્ય 120 તાલ કે ટાઇમ-મેઝરનું પણ વર્ણન કરે છે. એવું કહેવાય છે કે, પ્રાચીન ભારતીય સંગીતના પ્રણેતા, ભરત છે જેમણે ચંડોળ પક્ષીના ગાનમાંથી 32 તાલ રચ્યાં હતાં. તાલને રિધમ પણ કહે છે. તાલ મનુષ્યના હાલચાલ પર આધાર રાખે છે – ઝડપી ચાલ, દ્રૂત ચાલ, શ્વાસોચ્છવાસનો ઊંઘમાં ત્રણગણો સમય, વગેરે. ભારત હંમેશા મનુષ્યના અવાજને સંગીતની રચના માટે ઉત્તમ વાદ્ય ગણતું આવ્યું છે. એટલે જ, ભારતીય સંગીતમાં સૂરમેળાપ (harmony – relation of simultaneous notes) કરતાં સ્વરમાધુર્ય (melody – relation of successive notes)ને મહત્વ આપે છે.

પ્રાચીન ઋષિઓ ગાયક કે વાદકને બ્રહ્માંડિય ગાન સાથે એકરૂપ કરવાં માંગતાં હતાં. આ બ્રહ્માંડિય ગાન કે લય કે સ્પંદ કે પ્રાણશક્તિના પ્રવાહને કુંડલિની શક્તિના પ્રવાહને ઉર્ધગામી કરવાથી સાંભળી શકાય છે – જે કાનમાં સતત રણકાર સ્વરૂપે અનુભવી શકાય છે.

ભારતીય સંગીત આત્મલક્ષી, આદ્યાત્મિક અને વ્યક્તિગત કળા છે, જે માત્ર ઉત્તમ સંગીત રચના જ નહિ પરંતુ દિવ્યાત્મા સાથેના સાક્ષાત્કારનું લક્ષ ધરાવે છે. સંસ્કૃતમાં સંગીતકારને “ભગવતાર” કહે છે, અર્થાત “જે પ્રભુની પ્રશસ્તિનું ગાન કરે છે”. સંકિર્તન કે સંગીતમય ભક્તિ એ યોગ કે આદ્યાત્મિક શિસ્તનું અસરકારક માધ્યમ છે, જેમાં ઉત્તમ ધ્યાન અને વિચારોની ગાઢ સમજ અને ધ્વનિ જરૂરી છે. મનુષ્ય પોતે સર્જક શબ્દ (ઓમ)ની નીપજ છે, તેથી જ ધ્વનિ એના પર સહુથી શક્તિપૂર્વક અને ત્વરિત અસર કરે છે, અને એને પોતાના દિવ્ય મૂળતત્વની અનુભૂતિ કરાવે છે.

ડિસેમ્બર 26, 2006

પાયાનું ઘડતર – ચિરાગ પટેલ

Posted in ચિરાગ પટેલ, નિબંધ at 12:37 એ એમ (am) by Chirag

પાયાનું ઘડતર – ચિરાગ પટેલ Dec 25, 2006

થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું – The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા છે.

મૂળ પુસ્તક ખૂબ જ રસપ્રદ શૈલીમાં એક વાર્તા સ્વરૂપે રજુ થયું છે. એમાં એક ખૂબ જ નામાંકિત વકીલ, સફળ વકીલ તેના જીવનમાં આવેલ રોચક વળાંક વિશે એક મિત્ર વકીલને સમજાવે છે. એ પોતાના અનુભાવો અને સમજણોને એક નવી દ્રષ્ટિએ મૂલવે છે અને નવા સિધ્ધાંતો જીવનમાં પ્રસ્થાપિત કેવી રીતે કરવા તેનું વિસ્તૃત વર્ણન કરે છે. લેખક શર્માએ ભારતીય સંસ્કાર અને જીવનમૂલ્યોને આ વાર્તા દ્વારા સમજાવવા કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ આ સિધ્ધાંતો આપણે દરેક જાણીએ છીએ. આપણી પાસે ઘણો મોટો આધ્યાત્મિક અને તત્વ/સત્વ ચિંતનનો ખજાનો છે. પરંતુ, ખેદની વાત એ છે કે આપણે એ બધું ભૂલી ગયા છે. ભારતની આર્થિક પ્રગતિમાં એ બધાં મૂલ્યોનું સતત ધોવાણ થતું ચાલ્યું છે. યુવાવર્ગ સવાયો અમેરિકન થઇ રહ્યો છે, અને એમાં ગૌરવ અનુભવે છે. આવું થવાના ઘણાં બધાં કારણો છે, પરંતુ એ બધી ચર્ચા ફરી ક્યારેક કોઇ લેખમાં કરીશું.

પુસ્તકમાં વર્ણવેલાં સાત પાયાનાં સિધ્ધાંતો:

1. મનને કેળવો

મનનો સ્વભાવ છે, એને મળતી માહિતીનું પૃથક્કરણ. અને મનને નિરંતર કોઇને કોઇ માહિતી મળ્યા જ કરતી હોય છે. આપણી બધી ઇંદ્રિયો, અવયવો હરહંમેશ એમનું કાર્ય બજાવતી હોય છે. હર એક પળ આપણે આપણી જાણ બહાર કે આપણી જાણમાં કોઇને કોઇ કાર્ય કરતાં જ હોઇએ છીએ. મન મર્કટ એમાં જ અટવાયા કરતું હોય છે. જો મન આ બધામાં અટવાયા કરવાને બદલે કોઇ નક્કર ધ્યેયમાં પરોવાયેલું રહે તો આપણે ઘણાં અણધાર્યાં પરિણામો ધારીને મેળવી શકીએ.

મનને યોગ્ય કુદરતી ખાતર/પાણી આપો. એનું બાળકોને ઉછેરતાં હો એવી રીતે લાલન-પાલન કરો. તમે મનને કાબુમાં રાખો, નહિ કે મન તમને કાબુમાં રાખે.

જ્યારે તમે કોઇ અયોગ્ય વિચાર કરો કે તરત જ એનાથી વિરુધ્ધ વિચાર કરો. જેમ કે, મન કોઇની નિંદા કરતું હોય તો તરત જ તમે મન પર કાબુ કરીને એ વ્યક્તિની સારી બાબતો વિચારવાનું શરૂં કરો.

સફળ અને સંતુલિત જીવન એ સફળ અને સંતુલિત વિચારોનું પરિણામ હોય છે.

નિષ્ફળતાઓને એક શિખામણ તરીકે જુઓ. એકની એક ભુલ ફરી ના થાય એનો પ્રયત્ન કરો. નિષ્ફળતાઓને વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રગતિના સોપાન ગણો.

2. ધ્યેયને અનુસરો

સમજો કે, ધ્યેય પ્રેરિત જીવન એ જ જીવનનો ધ્યેય છે. જીવનમાં કરવા લાયક કાર્યોને શોધવા, જાણવા અને માણવાં એ શાશ્વત સંતોષનાં સાધન છે. એટલે જ, એક કાગળ ઉપર તમારાં વ્યક્તિગત, સામાજીક, આર્થિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક ધ્યેય નક્કી કરીને લખો. આ ધ્યેયનું રોજ પઠન કરો અને તમારી જાતને એ ધ્યેય પામ્યા પછીની સ્થિતીમાં જુઓ. આ બધાં ધ્યેય મેળવવા કામ કરવાની હિમ્મત કેળવો.

તમારા ધ્યેયના પરિણામો વિશે સ્પષ્ટતા કેળવો. તમે ધ્યેયને જેટલો વધુ બારીકાઇથી વર્ણવી શકો એટલો એ વધુ નજીક. દા. ત., ગાડી ધરાવવી અને ડાર્ક બ્લ્યુ રંગની બી.એમ. ડબ્લ્યુ. 760 એલ આઇ લેવી એ બેમાં બહુ મોટો ફેર છે.

ધ્યેય પામવા પોતાના પર હકારાત્મક દબાણ ઉભું કરો.

દરેક ધ્યેયને પામવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો.

કોઇ પણ પ્રવૃત્તિ સતત 21 દિવસ સુધી કરો. આમ કરવાથી કોઇ પણ પ્રવૃત્તિ એક આદત બની જશે. અને આદત એ આપણી રોજિંદી ક્રિયાનો એક ભાગ બની જાય છે.

જીવનને માણો.

3. સતત અવિરત સુધારો કરો

રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે મન તાંબાના લોટા જેવું છે. જો એને રોજ ઘસીને સાફ ના કરીએ તો એ કાળું પડી જાય. મનની વૃત્તિ જ હોય છે ખરાબ આદતોને જલ્દી અપનાવવાની. સારી આદતો એ જલ્દી ભુલી જાય છે. એટલે આપણે મનને સતત કાબુમાં રાખવું પડે છે.

જે કામ કરતાં મન પાછું પડે એ પહેલાં કરો. સહેલું કામ તો તમે ગમે ત્યારે કરી શકો એમ છો.

રોજ થોડો સમય એકાંતવાસ ગાળો. જાતને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો.

નિયમિત યોગ/પ્રાણાયામ/કસરત કરો. એના માટે રોજ સ્નાન કરતાં પહેલા 15 મિનિટ ફાળવો. શરીરની શુધ્ધિ સાથે મનની શુધ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહો.

શુધ્ધ સાત્વિક ખોરાક લો. ભગવાન ગીતામાં કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફ્ળ અથવા પાણી પ્રસાદ તરીકે પ્રેમથી આપો. સાત્વિક ખોરાક પણ આ જ હોવો જોઇએ.

જે સારી બાબત શીખો એને અમલમાં મૂકો.

નિયમિત વાંચન કરો. હકારાત્મક અને સકારાત્મક વાંચન બહુ અગત્યનું છે.

રોજ રાત્રે ઉંઘતા પહેલાં દિવસમાં કરેલાં કામનું પૃથક્કરણ કરો અને શેમાં સુધારો થઇ શકતો હતો એ વિચારો.

રોજ 6 કલાકની ઉંઘ લો. સુર્ય ઉગે એ સાથે તમે જાગો. દરેકને સ્વસ્થ રહેવા માટે 6કલાકની ગાઢ ઉંઘ પૂરતી હોય છે.

હળવું સંગીત સાંભળો. હસો. નાનું બાળક રોજ 300 વખત હસતું હોય છે, જ્યારે વયસ્ક 15 વખત! આપણે હસવાનું જાણે ભૂલી જ જઇએ છીએ.

નિયમિત મંત્રજાપ કરો. મંત્ર એટલે મનને મુક્ત કરવું. નિયમિત જાપના સંસ્કાર બહુ ગાઢ હોય છે.

ચારિત્ર્યનું ઘડતર કરો. દરેક બાબત સંયમિત અને સંતુલિતપણે કરો. કાર્ય, વિચારની નીપજ છે. આદત, કાર્યની નીપજ છે. ચારિત્ર્ય, આદતનીનીપજ છે. ભવિષ્ય, ચારિત્ર્યની નીપજ છે. એટલે જ, સારા વિચાર કરો. જીવનમાં ઉદ્યમ, કરૂણા, દયા, ધીરજ, પ્રમાણિક્તા, હિંમત જેવાં સદગુણો વિકસાવો.

સરળ/સાદું જીવન જીવો.

4. શિસ્ત કેળવો

શિસ્ત એટલે જ યોગ્ય કેળવણીનું લક્ષણ. શિસ્ત સમયનો અયોગ્ય બગાડ પણ અટકાવશે.
મનોબળ કેળવો. શિસ્ત આપોઆપ આવશે.

મંત્રજાપ મનોબળ કેળવશે.

એકાંતને પિછાણો.

5. સમયને માન આપો

પળે પળે તમે એક બહુ અમૂલ્ય ભેંટ ગુમાવી રહ્યા છો એ જાણો. આપણને ગમતી પ્રવૃત્તિમાં તલ્લીન થતાં આપણે સમયને ભૂલી જઇએ છીએ. અણગમતી પ્રવૃત્તિ આપણને એક પળ કેટલી મોટી છે એ સમજાવે છે. કોઇ પણ પરિસ્થિતિ મનને વિચલિત ના કરે એનું ધ્યાન રાખો. સભાનપણે સમયને અનુસરવું બહુ જરૂરી છે.
જીવનમાં અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંતુલન જાળવો. જીવનમા બનતી ઘટનાઓની પ્રતિક્રિયા આપતાં જીવવા કરતાં અગત્યની બાબતોને કેન્દ્રિત રાખી જીવન વ્યતિત કરો.

જીવનને સરળ બનાવો.

‘ના’ કહેતાં શીખો. જીવનમાં ઘણી અણગમતી પ્રવૃત્તિ અને સમયનો બગાડ અટકી જશે:)

મૃત્યુશૈયા પર છો એવી ભાવના કેળવો. જ્યારે માણસ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે જે સહુથી અગત્યની બાબત છે એ કરશે. અને એ પણ સમયનો સહેજ પણ બિનજરૂરી બગાડ કર્યા સિવાય. આપણે જો આ ભાવના હંમેશ માટે રાખીએ તો સમયનો બગાડ અટકી જશે.

એક બહુ સામાન્ય હકીકત છે કે, જીવનના 80% પરિણામો 20% કાર્યોની નીપજ હોય છે. બાકીના 80% કાર્યોમા ઘણો વધારે સમય વ્યતિત થતો હોય છે.

સમયની ચોરી કરતાં શીખો. આજનાં ધમાલિયાં જીવન માટે આ બહુ અગત્યતા ધરાવે છે. જે લોકો સમય ન હોવાની ફરિયાદ કરતાં હોય છે એ જ સહુથી વધુ સમયનો બગાડ કરતાં હોય છે. જે લોકો વ્યસ્ત જીવન ગાળે છે,એ લોકો સમયની ચોરી કરીને પણ મહત્વનાં કાર્યોને અગત્યતા આપવાનું ભૂલતાં નથી.

6. નિઃસ્વાર્થ ભાવે સેવા કરો

જ્યારે માણસ સેવામાં નિઃસ્વાર્થ ભાવના કેળવે છે, ત્યારે એ આધ્યાત્મિક પંથ પર ઘણી મોટી પ્રગતિ સાધે છે. ગીતામાં ભગવાને ઠેર ઠેર આવી ભાવના કેળવવાની ભલામણ કરી છે. ભગવાન એવું પણ કહે છે કે દરેક કાર્ય મને અર્પણ કરીને કર, એનું ફળ પણ મને જ અર્પણ કરો. હું તને પાપમુક્ત કરવાનું વચન આપું છું. હું તને મુક્તિ આપી મારા સાન્નિધ્યમાં રાખવાનું વચન આપું છું.

સારું જીવન સારા યોગદાનથી મેળવાય છે.

જે મદદ માંગે છે એને અવશ્ય કરો.

બીજાને જીવનને ઉન્નત બનાવવાથી આપણે જીવનનાં એક સર્વોચ્ચ પરિમાણને પામી શકીએ છીએ.

7. વર્તમાનને અપનાવો

વ્યક્તિનો મોટા ભાગનો સમય ભવિષ્યના આયોજનમાં, એનાં સપનાં જોવામાં અને ભૂતકાળને વાગોળવામાં જ વ્યતિત થઇ જાય છે. માણસ વર્તમાનને માણવાનું તો જાણે ભૂલી જ જાય છે.

“આ પળ”માં જીવો.

તમારા બાળકનું બાળપણ જીવો. બાળકમાં જીવનને જોવાને આગવી, સરળ અને નિઃસ્વાર્થ દ્રષ્ટિ હોય છે. એને જે સીધું છે એ દેખાય છે. એ કોઇ બીજો દ્રષ્ટિકોણ નહિ કેળવે. એ કોઇ બીજો ખોટો વિચાર નહિ કરે.

દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એવું ગણીને જીવો. જો આવું માનીને જીવી શકાય તો જીવનમાં બહુ મોટો પલટો આવી જાય.

ભવિષ્યનું ઘડતર કરો. આપણું ભવિષ્ય કોઇ બીજું ઘડતું નથી, ઘડી શકે નહિ.

આ સાત સુત્રો જીવન ઘડતરમાં બહુ મોટા સહાયક થઇ શકે એમ છે. આપણા આઇ.ક્યુ. કરતાં “હું કરી શકીશ” એવી ભાવના વધુ અગત્યની છે. આ ભાવના જીવન સાર્થક કરવા માટેનું મોટું પ્રેરણાસ્તોત્ર બની શકે એમ છે. શરીર, મન અને આત્માની શક્તિ/ક્ષમતામાં વધારો કરો. એને મુક્ત થવા દેવું જરૂરી છે. વિચારોને વિસ્તૃત કરો. બહુ વાસ્તવવાદી કે ગણતરીબાજ બનવા કરતાં જીવનમાં જે કરવું છે એ કરો. જ્ઞાન મેળવવા કરતાં વિચારશીલતાં કેળવવી વધુ અગત્યની છે.

આપના પ્રતિભાવ જણાવશો. આ સિધ્ધાંતો અમલમાં મુકવાની હિંમત કેળવીને એના પ્રયોગોનું પરિણામ શું આવે છે એ મને જરૂરથી જણાવશો. હું પણ આ અને આના જેવા બીજાં સારાં સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

સપ્ટેમ્બર 10, 2006

ગુરુ શિષ્ય સમાલોચના – બંસીધર પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 6:07 પી એમ(pm) by Chirag

ગુરુ શિષ્ય સમાલોચના – બંસીધર પટેલ

જીવનની નૌકાને પાર ઉતારવા સમર્થ ગુરુની આવશ્યક્તા છે. નુગરા જીવનનો કોઇ અર્થ નથી. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે, સાચા ગુરૂ કોને કહેવાય? આ માટે શાસ્ત્રોએ ગુરુ તથા શિષ્યની અનેક લાયકાત દર્શાવેલ છે. તેમ છતાં સારરૂપે એમ કહી શકાય કે સાચા ગુરુ એને કહેવાય જે નિઃસ્પૃહી. નિઃસ્વાર્થ અને આધ્યાત્મિક્તાની ઉચ્ચ ભુમિકાએ બીરાજેલ હોય. સાચો શિષ્ય એટલે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવામાં સદાય તત્પર, આધ્યાત્મિક જીવનના પથ ઉપર ચાલવામાં સદાય અગ્રેસર અને જ્ઞાન મેળવવાની સદાય અભિપ્સા ધરાવતો હોય. આવા સાચા ગુરુ અને શિષ્યનો સુભગ સમંવય હોય પછી આધ્યાત્મિક પ્રગતિ થવામાં વાર શી? આપણે નદી પાર કરવી હોય અને જો તરાપો સારો ના હોય તો નૌકા ડૂબે, નાવિક ડૂબે અને સાથે બેઠેલા સહુ કોઇને ડૂબાડે. આમ માયાના સંસારને તરવા માટે ગુરુ, શિષ્ય અને આધ્યાત્મિક પથ (સાધન, સાધ્ય અને સાધના) ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જોઇએ.

ભારતીય આર્ય સંસ્કૃતિમાં ભૂતકાળમાં નજર કરીએ તો એવા અનેક સમર્થ યોગીઓ, ગુરુઓ થઇ ગયેલા નજરે પડશે. એટલું જ નહિ, હાલમાં પણ ભારતવર્ષમાં કેટલાય સમર્થ યોગીઓ આધ્યાત્મિક ઉચ્ચદશામાં નિહીત છે. સાચા ગુરુને શોધવા નથી પડતા. પરંતુ જ્યારે ફળ પાકવાનું હોય ત્યારે ખૂદ શિષ્યને શોધતાં આવી મળે છે. આવું અનેક વખત કહેવાયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ જો સાચા ગુરુ મેળવવા હોય તો આપણે જરૂર અભિપ્સા કેળવવી પડે. કારણ કે, કળિયુગમાં ઢોંગી ગુરુઓ ભટકાવાની પૂરી શક્યતા સહેલી છે. એટલું જ નહિ, લોભી ગુરુ અને લાલચી ચેલાની ઠેલમઠેલ ઘણી જગ્યાએ જોવામાં મળતી હોય છે. માટે સાવધાન રહી આગળ વધવું ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક વારસાના જતન માટે ગુરુ પરંપરા અતિ આવશ્યક છે. એટલું જ નહિ, ધાર્મિક વારસાનું આધારભૂત અંગ પણ છે. પરંતુ કેટલીક વખત શિષ્યોના છીછરાપણાંનો ગેરલાભ ઢોંગી-ધૂતારાં લોકો ઉઠાવતા હોય છે. અને તેમાંથી અંધશ્રધ્ધાનો જન્મ થાય છે અને ધર્મ બદનામ થાય છે.

ગુરુ જીવીત હોવા જ જોઇએ એવું જરૂરી નથી. ગુરુની હયાતી ના હોય તો પણ તેમનાં દિવ્ય આંદોલનો વાતાવરણમાં ઘૂમતાં હોય છે, જે શિષ્યને પરા ચેતના સાથે સંપર્ક કરાવી આપે છે. તેમ છતાં જો સાચા ગુરુ ભૌતિક દેહથી હયાત હોય તો સોનામાં સુગંધ ભળે છે. પરમાત્મ શક્તિની દિવ્ય અનુભૂતિ માટે ભોમિયા – માર્ગદર્શક ગુરુ શિષ્યની નિમ્નસ્તરની દૈહિક ચેતના હઠાવી, ઉચ્ચતર ભૂમિકાએ લઇ જાય છે, અને કેટલીક વખત હઠીલા દર્દને દૂર કરવા ડોક્ટર પેલા દર્દીને કડવી દવા પીવડાવે છે. એ ન્યાયે ગુરુ પણ શિષ્યને ભવોભવના કુસંસ્કારો હઠાવવા આકરી કસોટીઓ દ્વારા પાર ઉતારે છે.

પ્રવર્તમાન સમય ઘણો જ વિસંવાદિતા ભરેલો છે. એમાં માનવીને ભૌતિક સુખોની ઘેલછાંએ અધઃપતનની કક્ષાએ લાવી દીધો છે. સાચા જીવનનું અજ્ઞાન એને અંધારામાં બાચકાં ભરાવે છે. કારણ કે ઇન્દ્રિય સુખ ક્ષણજીવી હોય છે. તેનાથી તેને મંઝીલ કદાપિ મળતી નથી અને જીવનભર સાંસારિક, ભૌતિક સુખોની પાછળ ઝાંઝવાના જળની જેમ ભટક્યાં કરે છે. આવા સમયમાં સંસ્કૃતિના સાચા વારસદાર એવા સદ્ગુરુની આવશ્યક્તા ખૂબ જ હોય છે. જે માળ્યાથી સંતોષ માન્યા કરતાં તેમણે બતાવેલ પથ ઉપર આગળ વધી આત્માનું કલ્યાણ કરવાનો એકમાત્ર ઉદ્દેશ મનુષ્યને દિવ્ય મનુષ્ય બનાવશે.

સપ્ટેમ્બર 3, 2006

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ – બંસીધર પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 7:51 પી એમ(pm) by Chirag

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ – બંસીધર પટેલ

ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન ચાલતું હતું ત્યારે ભારતવર્ષના પૂર્વના સિમાડે બંગાળના સિમળા નામના પરગણામાં ભારતના ભાવિ – સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બાળપણથી જ નરેન્દ્રમાં વિચક્ષણ બુધ્ધિની આભા દ્રશ્યમાન થતી. ભણવામાં હંમેશા અગ્રેસર. તોફાનમાં પણ ખરાં. સાધુ સંતો પ્રત્યે દયાભાવ પણ ખરો. ઉંમર વધવાની સાથે થોડી પરિપક્વતા આવી અને ધર્મના ગૂઢ રહસ્યોથી ઇશ્વર દર્શન પામવા સુધીની ઉત્કંઠા જાગૃત બની. મિત્રો, સહાધ્યાયી સાથે કંઇ કેટલાંય સાધુસંતોના સંપર્કમાં આવ્યાં. પરંતુ બધું જ મિથ્યા, કારણ કે કોઇપણ સાધુ-યોગીને તેઓ ઇશ્વર અનુભવ અંગે પુછતાં એટલે પેલાં સાધુ-યોગી લાચાર બની નિરુત્તર રહેતા. આખરે વિધિએ નિર્માણ કરેલ ઘડી આવી પહોંચી અને મિત્ર સાથે દક્ષિણેશ્વર કાલી મંદિરના સીધા સાદાં સંત શ્રીરામકૃષ્ણદેવના દર્શને ગયા. મનનું સમાધાન થયું. જે જોઇએ છીએ તે તમામ વાતો આ અભણ છતાં દિવ્યજ્ઞાની સંતમાં જોઇ અને કાયમી ધોરણે શિષ્ય બની ગયા. અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો આવિર્ભાવ થયો કે જેણે પોતાના જ્ઞાનથી દુનિયા આખીને પાયામાંથી હચમચાવી મુકી.

સ્વામીજીના અલ્પ જીવનકાળમાં આપણને એક વાત ઉડીને આંખે વળગે એવી સ્પષ્ટ દેખાય છે કે, મહાન કાર્યો કરવા લાંબી ઉંમરની જરૂર નથી પડતી કે કાળ તેઓના દિવ્ય કાર્યને અટકાવી શકતો નથી. એ તો મરઘી જેમ ઇંડાને સેવે તેમ સમય આવે બધું ગોઠવાયેલું હોય છે જ. સ્વામીજીએ શિકાગો સર્વધર્મ પરિષદમાં પોતાના સર્વ પ્રથમ ભાષણમાં જ્યારે લોકોના દિલ જીતી પોતાની જ્ઞાનગંગા વહાવી ત્યારે ખરે જ લોકો સ્વામીજીને સાંભળવા, જોવા પાગલ બની ગયા હતાં એ વાત નિર્વિવાદ છે. સ્વામીજીનો પ્રભાવ જ એવો અદ્ભૂત હતો કે વાણી મરેલાં મડદાંને બેઠું કરી શકે એવી અદભૂત હતી. વૈદિક ધર્મ અને માનવજીવન વિશે તાત્વિક, તલસ્પર્શી અભ્યાસ અને તે દ્વારા કંઇ કેટલાંયનું હ્રદય પરિવર્તન એ કાંઇ ઓછી સિધ્ધિ ના લેખાય.

સ્વામીજીને હંમેશા ગરીબ – દરિદ્ર ખૂબ જ ગમતાં. ભારતની ગરીબી અને દરિદ્રતા જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠતું અને તેમના ભલા માટે પ્રયત્નો કરતાં. તેમણે દરિદ્રને નારાયણ કહી સમાજસેવાનું ધર્મ દ્વારા કર્મનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું અને ખરો ધર્મ દરિદ્રની સેવામાં છે એનું સમાજને ભાન કરાવેલું.

સ્વામીજીના વિવિધ વિષયોના ભાષણો દ્વારા જાણવા મળે છે કે તેમના માટે ધર્મ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મુખ્ય હતો. વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયા આ એમની કર્મની સીડી હતી. દેશપ્રેમ એ જીવનની સૌથી પહેલી આવશ્યક્તા છે એમ તેઓ માનતાં. અને જુદા જુદા સમાજના, જ્ઞાતિના લોકોને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા.

સ્વામીજી ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનને પણ ખૂબ જ મહત્વ આપતા. બલ્કે, ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે એમ તેઓ માનતા. ધર્મમાંથી અંધશ્રધ્ધાને દૂર કરી માનવ ઉત્કર્ષ માટે વિજ્ઞાનની ખૂબ જ આવશ્યકતા છે અને ધર્મ પણ વૈજ્ઞાનિક (અંધશ્રધ્ધા સિવાયનો) હોવો જોઇએ તથા ધર્મ અને વિજ્ઞાન એ પરસ્પર વિરોધી નહિ પરંતુ એકબીજાના પૂરક છે એમ તેઓ કહેતાં. તેમના જીવનકાળ દરમ્યાનના સંજોગો જોતાં ખરેખર આવા મહાન રાષ્ટ્રપ્રેમી, પ્રખર સંત, સાચા વૈરાગી મહાત્મા ભારતભૂમિને પાવન કરી ગયા એ ભારતવાસીનું સદભાગ્ય છે. તેમણે આપેલો સંદેશ આપણને આજે પણ જીવનની હરેક સમસ્યા સામે લડવાની પ્રેરણા આપી સમાધાનકારક ભૂમિકા પ્રદાન કરે છે.

સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ગીતા ઉપદેશ અનુસાર સૃષ્ટિ ઉપર જન્મ લેતા ઇશ્વરી અવતાર પૈકીનો એક અવતાર હતા એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી.

ભગવાન શ્રીરામકૃષ્ણ – બંસીધર પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 7:50 પી એમ(pm) by Chirag

ભગવાન શ્રીરામકૃષ્ણ – બંસીધર પટેલ

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલ અભયવચન અનુસાર ભારતની પવિત્ર ભૂમિ ઉપર અઢારમી સદીમાં કલકત્તા, બંગાળના એક નાનાશા ગામમાં રામ અને કૃષ્ણના સમંવય સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો. બાળપણ ખૂબ જ સામાન્ય વીતેલું. પરંતુ આધ્યાત્મિક્તા તરફ ખૂબ જ અભિરૂચી અને સાધુસંતોનો સહવાસ કાયમ આકર્ષતો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં કદાપિ કોઇ પણ ભૌતિક વસ્તુની લાલસા તેમને સતાવતી નહિ. ઉંમર વધવા સાથે ઇશ્વર પ્રત્યેનો પ્રેમ અને અલૌકિક ભક્તિ તરફનો અભિગમ દિન-પ્રતિદિન વધવા માંડ્યો. મોટાભાઇ રામકુમાર સાથે કલકત્તા કાલી મંદિરમાં પૂજારી તરીકે જવાની તક મળી. કહોકે માએ જ નિર્માણ કરેલું હતું તે મુજબ એક પછી એક પ્રક્રિયાઓમાંથી ભાવિ રામકૃષ્ણનું ઉત્થાન થવા લાગ્યું. યુવાનીના નાજુક દોરમાં ભવેભવના સહધર્મચારિણી , જગદંબાનો અવતાર શ્રી શારદામણિ સાથે લગ્ન થયું. દિવ્યભક્તિ, દિવ્યજીવન અને દિવ્યદંપતિનો ત્રિવેણી સંગમ એટલે રામકૃષ્ણ-શારદામણિદેવીનું લગ્નજીવન. પરણ્યાની પ્રથમ રાત્રિએ પત્નીમાં જગદંબાને નિરખી તેનું ષોડષોપચાર પૂજન-અર્ચન કરવું એ ઇશ્વરકક્ષાના મનુષ્ય સિવાય કોણ કરી શકે?

મા કાલીની ભક્તિ અને માના પ્રત્યેનું ખેંચાણ એટલું તિવ્ર બનવા લાગ્યું કે કેટલીક વખત દેહભાન ભૂલી, માના પોકાર પાડી, આજે પણ માનું દર્શન ના થયું – કરી, ઉદાસિનતા વ્યક્ત કરનાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનની એ અણમોલ ઘડી આવી પહોંચી. અને મા જગદંબાએ સાક્ષાત દર્શન આપી તૃપ્ત કર્યાં. સાથેસાથે માને હરહંમેશ સાથે રહેવા માટે તથા અવારનવાર દર્શન દઇ, માર્ગદર્શન આપવા સારૂં વિનવણી કરી. આધ્યાત્મિક બાબતમાં જ્યારે પણ શ્રીરામકૃષ્ણદેવને મુંઝવણ થતી ત્યારે મા અચૂક હાજર થઇ માર્ગદર્શન આપતાં. તેમના આધ્યાત્મિક જીવનમાં શ્રીશારદામ્બા હંમેશા તેમની સારસંભાળ રાખી તેમની બાહ્યાવશ્યક્તાઓની કાળજી લેતાં.

ઉપરોક્ત પૂર્વભૂમિકા બાદ હવે તેમના જીવનના અન્યપાસાનો વિચાર કરીએ અને તાત્વિક દ્રષ્ટિએ ભારતીય અધ્યાત્મ વિચારધારાને તેમણે આપેલ અમૂલ્ય ફાળા વિશે ચર્ચા કરીએ. આમતો તેમનું જીવન એક સામાન્ય માણસ જેવું જ હતું, પરંતુ અંદર જે તત્વ હતું તે દિવ્ય ઇશ્વરીય તત્વ હતું. જે આધ્યાત્મિક મૂડી તેમની પાસે જમા હતી, તેમાથી તેમણે તેમની સમક્ષ આવતાં જિજ્ઞાસુ-જ્ઞાનપિપાસુ લોકો વચ્ચે વહેંચીને દરેકની કક્ષા અનુસાર તૃપ્ત કર્યાં હતાં. આમાંથી જ સ્વામિ વિવેકાનંદ જેવા પ્રખર રાષ્ટ્રવાદી સન્યાસીનો ઉદ્ભવ થયો હતો. આપણા શાસ્ત્રોનું કથન છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતાર લે છે, ત્યારે તેમનાં સહચરો પણ એજ કાળમાં અન્યત્ર જન્મ લે છે; અને જ્યારે સમય પાકે ત્યારે એક જ આધ્યાત્મિક વૃક્ષ નીચે એકત્ર થઇ, તેમનું જીવન કવન પૂર્ણ કરે છે.

યોગિક દ્રષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ એક પરમોચ્ચ પદે પહોંચેલા યોગી હતાં, સાચા ગુરુ હતાં. શક્તિપાત દ્વારા આધ્યાત્મિક ચેતના ફેલાવનાર સક્ષમ દિવ્યયોગી હતાં. કંઇકના જીવનપરિવર્તન કરવા તેમણે આ શક્તિનો ઉપયોગ કરેલો. બલ્કે જીવનના ઉંધા પાટે ચઢેલા કેટલાય મનુષ્યોને આધ્યાત્મિક પથ ઉપર ચઢાવી સન્માર્ગે વાળેલાં. ખૂદ સ્વામિ વિવેકાનંદ એટલે કે પૂર્વાર્ધના નરેન્દ્રદત્ત એક દ્વિધામાં ફસાયેલો યુવાન, કે જેનું જીવન નાવ હાલક ડોલક થયું ત્યારે બરાબર તે જ વખતે ઇશ્વરનો પ્રત્યક્ષ પુરાવો આપી ભવિષ્યના વિવેકાનંદને આધ્યાત્મિક જીવન તરફ યથાયોગ્ય બીબાંમાં ઢાળનાર પરમગુરુદેવ રામકૃષ્ણ જ હતાં. વિવેકાનંદ એટલે હાલતું ચાલતું ઉચ્ચતમ શક્તિનું જનરેટર, કે જે મરેલાં મડદામાં પ્રાણસંચાર કરાવી શકે તેવા મેઘાવી, પ્રખર રાષ્ટ્રભક્ત, ઉચ્ચ કક્ષાનાં યોગી અને સંસ્કૃતિનાં સાચા રક્ષક. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં કદાપિ કોઇની પાસે કોઇ પણ વસ્તુની યાચના કરેલ નહોતી. કામિની અને કંચનથી સદાય અસ્પૃશ્ય.

ભગવદગીતામાં વર્ણવેલ તમામ યોગો, જેવા કે, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગનો સમંવય અને તે દ્વારા કેટલાંય મનુષ્યોના જીવનમાં આમૂલ પરિવર્તન , આ સઘળું એક જ જીવનમાં કરવું કેટલું દુર્લભ! રામાયણમાં એક ચોપાઇ છે કે, “જનમ જનમ મુનિ કરાહી, રામનામ મુખ આવત નાહિ.” ભગવાનની અનુભૂતિ , બલ્કે પ્રત્યક્ષ દર્શન એ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

જીવનના અલગ અલગ તબક્કે, વિભિન્ન સાધનાઓ દ્વારા અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે ઇશ્વરનાં નામ અલગ હોઇ શકે, રૂપ અલગ હોઇ શકે. પરંતુ પરમાત્મા એક જ છે. ઇશ્વર, અલ્લાહ, ઇશુખ્રિસ્ત, રામ, કૃષ્ણ, કાલી, અંબા, લક્ષ્મી, તમામ ઇશ્વરીય સ્વરૂપ એક જ ઉચ્ચ શક્તિના ધ્યોતક છે. ભક્તની રુચિ અનુસાર અલગ અલગ અનુભૂતિ તથા રૂપો ધરે છે.

પોતાના સાધનાકાળ દરમ્યાન સગુણ તથા નિર્ગુણ બન્ને પ્રકારની ઉપાસનાઓ દ્વારા સકામ તથા નિર્વિકલ્પ બન્ને પ્રકારની સમાધિની અનુભૂતિ , અરે તંત્ર ઉપાસના દ્વારા ઇશ્વરને પ્રાપ્ત કરવાનો સુભગ સમંવય સાધનાર પણ એ જ પ્રભુશ્રી રામકૃષ્ણદેવ પરમહંસ હતાં. શું કાળ હતો એ દિવ્ય અનુભૂતિઓની પરંપરાનો? કેટલાં બડભાગી હશે એ કાળનાં સ્ત્રી-પુરુષો? કેટલો ભાગ્યવાન ભારત દેશ? કેટલી ગહન અને દિવ્ય ભારતીય પુરાતન સંસ્કૃતિ? પંચમહાભૂતમાં પડેલો બ્રહ્મ સુધ્ધાં રડે, એ ઉક્તિને યથોચિત ઠરાવવાં પ્રભુશ્રી રામકૃષ્ણદેવે સને 1886ના વર્ષમાં આ ભૌતિક દેહ ત્યાગી સ્વધામમાં પધાર્યાં. પરંતુ પાછળ પોતાના આધ્યાત્મિક વારસદાર એવા પ્રખરયોગી સ્વામિ વિવેકાનંદને તૈયાર કરીને મૂકતાં ગયા. શૂન્યમાંથી સર્જન કરનાર સ્વામી વિવેકાનંદ ની સાથે ગુરુમાતા શારદામણિદેવી સદાય માર્ગદર્શક બની જરૂરી દોરવણી આપાતાં રહેતાં. આખરે શ્રીરામકૃષ્ણદેવની પરમ કૃપાથી બેલૂરમઠની સ્થાપના થઇ અને ભારતના લાખો નરનારીઓના આધ્યાત્મિક ઉત્થાનનું સ્થાયી સ્થળ બન્યું જે હાલમાં દુનિયાભરમાં એક વટવૃક્ષની જેમ ફેલાઇને આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહાવી રહેલ છે.

શ્રીરામકૃષ્ણદેવના સ્વધામ પછી પણ એવા કેટલાંય દાખલાં બન્યા છે કે જેમાં તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મુંઝવણનો ઉકેલ અથવા તો માર્ગદર્શન આપેલું જણાય છે, જેની ચર્ચા અત્રે અસ્થાને લેખાય. કારણ કે ઇશ્વરીય અવતારો પોતાની લીલા સંવરણ સમેટી સ્વધામમાં પધારે છતાં પણ તેમની દિવ્ય ચેતના આ સૃષ્ટિમંડળમાં અહર્નિશ વ્યાપ્ત હોય છે.

બેલુરમઠની સ્થાપના સાથે શ્રીરામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં આવ્યું, જેનું મુખ્ય કાર્ય સમાજોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રની સેવા તથા જ્ઞાન-ભક્તિ-કર્મના ત્રિવેણી સંગમ દ્વારા વ્યક્તિનું આધ્યાત્મિક ઉત્થાન અને તે દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રની અમર સંસ્કૃતિનું રક્ષણ. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી સ્વદેશ પરત આવ્યા ત્યારે આપણાં દેશની હાલત જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને ગરીબી અને ભૂખમરાથી સબડતાં લાખો દેશવાસીઓ પ્રત્યે અનુકંપા જાગી અને દરિદ્રને નારાયણના સંબોધનથી “દરિદ્રનારાયણ” શબ્દને યથાર્થ કરતી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું જીવન કર્મ, યોગ, ભક્તિ આપણને પ્રખર રાષ્ટ્રવાદી બનાવી; ન્યાત, જાત, ધર્મ, સંપ્રદાયોના વાડાઓમાંથી બહાર કાઢવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કોઇ સંપ્રદાય નથી; સ્વધર્મમાં રહી આધ્યાત્મિક દિવ્યચેતનાને જીવનમાં ઉતારી દરિદ્રોની, સમાજની, દેશની, દુનિયાની સેવા કરી વસુધૈવ કુટુમ્બની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની સદાય પ્રેરણા આપતી એક જીવંત સંસ્થા છે કે જેમાં દરેકને આધ્યાત્મિક જલસાગરમાંથી પિવાય તેટલું અમૃત પીવાની છૂટ આપે છે.

અંતમાં, જ્ઞાન-કર્મ-ભક્તિનો સુભગ ત્રિવેણી સંગમ એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ.
જયશ્રી રામકૃષ્ણ – સ્વામી વિવેકાનંદ! પુનઃ ભારતની દિવ્યભૂમિને પાવન કરવા ક્યારે પધારશો?

ઓગસ્ટ 26, 2006

ધર્મ – બંસીધર પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 5:14 પી એમ(pm) by Chirag

ધર્મ – બંસીધર પટેલ

ધર્મના નામે સંસારીઓને છેતરતાં, ઢોંગી, ધુતારાં સન્યાસીઓ સંસ્કૃતિના રક્ષક નહિ બક્ષક છે. ઉપરથી વેશ સાધુનો પણ અંદરથી મન સંસારીનું; બાહ્ય દેખાવ, ડોળ, વિતરાગીનો પણ ભીતરથી હ્રદય કાચા માટલા જેવું; ક્યારે શું કરી બેસે તેનું કોઇ ઠેકાણું નહિ. બેચાર સ્તોત્ર, સંસ્કૃતના શ્લોકો અને થોડાક ધર્મના પુસ્તકોનું પોપટીયું જ્ઞાન, ભલાભોળા લોકોને છેતરવાનું હાથવગું સાધન બની જાય છે. હજી આજે પણ એવા કેટલાય લોકો આવા માટીપગા સાધુઓની ચુંગાલમાં ફસાયેલા – અટવાયેલા હશે. તેમને માનસિક રીતે ત્રસ્ત કરતાં આ નરાધમો, કંઇ કેટલાયે ગેરલાભ ઉઠાવતા ફરતા હશે જેની ગણના કરાવી શકાય તેમ નથી.

“સંસારી એ જ સાચો યોગી” એવી શાસ્ત્રોક્ત ઉક્તિ ફરી એકવાર સાચી ઠેરવવા નીકળેલા બાવાઓ તમારા વાંકે જ કંઇ કેટલાયે ધર્મયુધ્ધો ખેલાઇ ગયાં. કંઇ કેટલાય લોકોનું રૂધિર રેડાયું અને છતાં ધર્મ ઉપર ઉઠવાને બદલે ઊંડી ખાઇમાં વધારે ગબડતો ગયો. ધર્મને નુકશાન કરનાર કોણ? એ એક પેચીદો અને વણઉકેલ્યો પ્રશ્ન છે. તેમ છતાં પ્રવર્તમાન સંયોગો એ વાતની સાક્ષી પુરે છે કે ધર્મને સંસારીઓ નુકશાન કરતા નથી. પરંતુ તેમનાથી વિશેષતો કહેવાતા ધર્મરક્ષકો, ધર્મઝનુનીઓને હાથા બનાવી સમગ્ર પ્રજાને નચાવે છે.
આધુનિક મનુષ્યના અધઃપતન માટે જેટલો વિજ્ઞાન કે સમાજને દોષ દેવાય છે, એટલો જ બલ્કે એનાથી વિશેષ ધર્મના રક્ષકોનો છે. કારણ કે, સમાજે તેમને સોંપેલું સુકાન દિશાહીન બનાવી, ધર્મની આખી નૌકાને અગર-ડગર કરી નાંખી છે.

ઓગસ્ટ 13, 2006

પ્રેમ પદારથ – બંસીભાઇ પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 1:12 એ એમ (am) by Chirag

પ્રેમ પદારથ – બંસીભાઇ પટેલ

પ્રેમ શબ્દ એટલો તો ચલણી બની ગયો છે કે એની કિંમત ચવાણું ખાઇને ફેંકી દીધેલા ચીકણા પસ્તીના કાગળ જેટલી પણ નથી રહી. અર્થશાસ્ત્રની ભાષામાં જેનો ઉપયોગ વધે તેની કિંમત પણ વધતી જાય. પણ પ્રેમ જેવા ભાવનાના જળમાં નહાઇને આવતા શબ્દ માટે એથી સાવ ઉલટું છે. હાલતાં-ચાલતાં ને સહેજ આંખ મળતાં પ્રેમ થઇ જાય ને તરત જ યુવાન ફિલ્મી જબાનમાં એકરાર કરી દે “આઇ લવ યુ”. આવું થાય ત્યારે ખુદ પ્રેમનો અઢી અક્ષરી શબ્દ પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડતો હશે. ભાવનાનો પાકો રંગ જામતાં ખૂબ વાર લાગે છે. સમય એને ઊંડાણ આપે છે. પ્રેમ તાત્કાલીક જવાબ આપતો નથી. દૂરના ભવિષ્યમાં તેની અસર પડે છે, તે ખૂબ ગાઢ અને ઊંડી હોય છે. ફિલમીયો પ્રેમ માત્ર સંવાદનો એક નાનકડો ટૂકડો જ છે. તારીખીયા તો ફાટતા પતાકડાની જેમ તેનું આયુષ્ય કલાકો કે મિનીટોમાં ગણાય છે. ફલાણી યુવતી સાથે મારે પ્રેમ થઇ ગયો છે, એવી જાહેરાત જ્યારે યુવાન કરે ત્યારે એ કાંઇ ભયંકર છેતરપિંડી કરી રહ્યો છે. એવી બૂમ સાંભળનારને આવ્યા વગર રહેતી નથી. અને એકાદ એવી મનચલી યુવતી એનો સ્વીકાર કરે તો પણ વચ્ચેનું પ્રેમ-સંધાન કશાક કાવતરાની દહેશત સાથે જુએ છે.

આવો પ્રેમ એક આકસ્મિક ગોઠવણ હોય છે. અમરતાનું વરદાન પામેલું ચિરંજીવ અમૃત નહિ. ગીતોની કડીના ગુંજનમાં છીછરા પાત્રોની શબ્દજાળમાં , દેહસ્પર્શના સુંવાળા ગલગલિયામાં કે રસ્તે ચાલતાં વાગતી સીટીઓમાં થોડી વાર માટે ખોવાઇ જઇને જીંદગીનું છીછરાપણું છતું કરે છે.

“નહિ પરણું, નહિ પરણું, નહિ પરણું. પપ્પા કહેશે એને કદી નહિ પરણું. મારા પ્રેમ પર તને વિશ્વાસ નથી? આપઘાત કરીશ, ઝેર ઘોળીશ, કૂવો-હવાડો પૂરીશ. પણ તારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન નહિ કરું.” એક યુવતિ પોતાના યુવાન પ્રેમી સમક્ષ ઘુઘવાટા મારતા શબ્દોમાં ખાતરી આપે છે ને ફરી થી કહે છે, “ચાલ નાસ્તો કરાવી દે. કેંટીનના એકાદ છાનાં ખૂણામાં કે થિયેટરનાં અંધારામાં પ્રેમનો નકાબી ચહેરો મીઠું-મીઠું મલકે છે ને મૂંછમાં હસે છે. નાસ્તાના બિલમાં કે સિનેમાની ટીકીટોમાં પ્રેમ મરકલડાં લે છે , ને પછી ટિકીટ ફાટી જાય છે, બિલ કચરાની ટોપલીમાં ફેંકાઇ જાય છે. પ્રેમ પણ ફાટીને ટૂકડે-ટૂકડાં થઇ જાય છે.

જો કોઇ યુવક યુવતિને પ્રશંશાભરી આંખોથી જોઇ લે તો બીજા જ દિવસથી પેલી યુવતિના બદલાવા લાગી જાય છે. તેનામાં ગજબનું પરિવર્તન આવી જાય છે. પોશાક અને પ્રસાધનોમાં નવીનતાની તેને આવશ્યક્તા લાગે છે. તેના અવાજમાં પણ પરિવર્તન આવે છે. તેના બોલવામાં ને ચાલવામાં ને યુવકો તરફ નજર નાંખવામાં પણ નવી ગરિમા ઉત્પન્ન થાય છે. આવું યુવકની બાબતમાં પણ બને છે. રૂપાળી યુવતિની અહોભાવભરી નજર તેને બદલી નાંખે છે. તેનામાં એકાએક કવિતા ગુંજી ઉઠે છે. રૂપસૌંદર્યની સહજ તૃષ્ણા તેને અરીસા સુધી ખેંચી જાય છે.

આયના સામે ઉભીને વારંવાર કાંસકા વડે સ્ટાઇલ બદલતા, ધીમું ધીમું ગીત ગુંજતા એક યુવાનને અચાનક આવી ચઢેલો તેનો મિત્ર પૂછે છે, “કેમ આજે આટલો બધો થનગનાટ આવી ગયો છે? કોઇને વાયદો તો નથી આપ્યો ને?” પ્રેમ વાયદાના બજારમાં જીવે ત્યારે તેને તેજી-મંદીનો આંચકો લાગ્યા વગર પણ ન રહે! વેપારીના ચોપડાની જેમ એક ખાતું ખતવાઇ જાય, એટલે ચોપડો અભરાઇએ ચઢાવી દેવાનો. પણ ઇંકમટેક્ષ અધિકારીનો દરોડો પડે એટલે આ બે નંબરનો ચોપડો ફાડી નાંખવાનો, સંતાડી દેવાનો કે સળગતા આગબંબામાં એને બાળી મુકવાનો! આવો પ્રેમ સંતાઇ, સંતાઇને ફરે છે. ને વડીલોની નજર પડતાં છુપાઇ, છુપાઇને ફફડે છે.

સસ્તો અને ચલણી પ્રેમ ચાંદીની આખડીઓ ઉપર ચઢીને ચાલે છે. રૂપિયાની પોટલી માથે મુકીને મોંઘીદાટ હોટલોમાં છરી કાંટા વડે ઉતારાય છે. પણ બહાર નીકળતાં ખાલી ખિસ્સામાં પડેલા કાણામાં થઇને ફર્શ ઉપર ઢોળાઇ જાય છે. ચલણી સિક્કો ઉછળે તેમ ઉછળે છે, ને પછી સિક્કો ખોટો છે, તેની ખાતરી થતાં પોક મુકીને રડે છે. આવો પ્રેમ સોહાગરાતની સફેદ ચાદર ઉપર ડાઘા પાડે છે. ને ફૂલ ઢાંક્યા ચંદન ઢોળિયાના ઓશિકા ઉપર આંસું સારે છે!

ઉછળતી યુવતિને ત્વચાની સુંદરતા લોલુપ લાલસાનો જ્વાળામુખી જગાવી આગની પથારીમાં , આળોટવા મજબૂર બનાવે છે. સ્પર્શ માટે વલખાં મારતી ખાઉધરી ભૂખ એની આંખો ઉપર અંધારાના ડાબલાં પહેરાવી દે છે. માત્ર થોડોક પરિચય, નાનકડાં સ્મિત, બોલકણી નગરીમાં ખેંચી જાય છે. ને તે ખૂબ સહેલાઇ થી પશુતાનો પાડોશી બની જાય છે. જે માણસ પશુતાથી જેટલો દૂર છે, તે કામના સૂક્ષ્મ સુખોનો એટલો વધારે આનંદ માણે છે.

એક યુવાન જુવાનીને જાળવીને બેઠેલી એક પ્રૌઢ મહિલાના પ્રેમમાં પડ્યો. ખરેખરતો એ પ્રેમમાં પડ્યો નહોતો; તેની કામુક આંખો, પેલી મહિલાએ ફેંકેલી જાળમાં નિર્દોષ સસલાની જેમ ફસાઇ ગઇ હતી. અખબારોને મસાલો મળી ગયો, ગરમાગરમ મસાલો. પત્રકારો સાથેની મુલાકાતમાં બન્ને એ જાહેર કર્યું હતું , “અમારો પ્રેમ ઉંમરની દિવાલોને ઓળંગી ગયો છે. અમે પ્રેમમાં પડ્યાં છીએ, કારણકે અમારા દિલમાં પ્રેમ જાગ્યો છે. અમારા પ્રેમે, જન્મતારીખની લાંબી ખીણને પુરી દીધી છે, ને પ્રેમનો પાતાળકૂવો ખોદ્યો છે. ઉંમરને ઓગાળી નાંખીને અમે અમર પ્રેમનું વરદાન પામ્યા છીએ!” એમની જાહેરાત વાસ્તવમાં તો શબ્દછળ હતું. કારણકે બીજે જ વરસે પેલી મહિલાએ તેના ડ્રાઇવરની બરછટ છાતીમાં પ્રેમનો પતાળકૂવો ખોદી નાંખ્યો હતો, ને પેલો યુવાન એની ઉંમરના પ્રમાણપત્રને છાતીએ વળગાડીને વાસનાભુખી વીંછણના વાગેલા ડંખની વેદનાને કારણે ચીસાચીસ કરતો હતો.

જીવનમાં સૂક્ષ્મ આનંદ અને નિરૂદ્દેશ્ય સુખનાં જેટલા ઝરણાં છે, તે ક્યાંકને ક્યાંક કામના પર્વતમાંથી ફૂટી નીકળે છે. ક્યાંક રૂપિયાની સીડી ઉપર ચઢીને માનવીની આ ભૂખ પ્રેમનું ચામડું ઓઢીને પડેલી નાગણને અડકી જાય છે. ને રગરગમાં કાતિલ ઝેરનું પ્રવાહી ભરીને “હું આનંદમાં છું” એવા ચલણી શબ્દોને જાહેરાતના બીબામાં રમતાં મુકે છે. ખરેખરતો તે આત્મવંચનામાં જીવે છે. ને ધોખાબાજીના જગતમાં શ્વાસ લે છે. વાસનાની લહેર કે રૂધિરના ઉત્તાક્ષ સિવાય ત્યાં કશું જ નથી! યાદ રાખો કે જીવનની મોંઘી ક્ષણો જુગારમાં ખોઇ નાંખવા માટે હરગીઝ મળી નથી. એ પણ બરાબર સમજી લો કે હ્રદયના ઉંડાણમાંથી પ્રગટતો પ્રેમ શબ્દ અર્થ, કામ કે ઇન્દ્રિયસુખોની લોલુપતાના હુંફાળા ધાબળા નીચે લપકીને ચંચળતાના રાગ કદી આલાપતો નથી. પ્રેમમાં ડૂબકી લગાવતા પહેલાં જરા એ સવાલનો જવાબ તો આપતા જાવ કે તમારે મન પ્રેમ ટાઢ ઉડાવવાની સગડી છે કે એકમેકમાં જાતને ખોઇ નાખવાની કુરબાનીની કવિતા?

ઢાઇ અક્ષર પ્રેમકા…

જુલાઇ 31, 2006

કર્મયોગી – બંસીભાઇ પટેલ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 1:29 એ એમ (am) by Chirag

તીખા તોખાર જેવા રાતા રતુંબડા મુખારવિંદ ઉપર તાજાં તરબતર ખિલેલા ગુલાબના પુષ્પ જેવું હાસ્ય વેરતા ચાલ્યા ક્યાં ઓ સુજન તમે?
ભક્તો કરે ભજન, અમારે જાવું સો જોજન દૂર. નથી વિસામો લેવો લગાર. ધડકતા હૈયામાં નવી પરણેલી નવોઢા જેવી ઉર્મિઓથી કરવું ચણતર પ્રભુશ્રી રામના ધામનું. વાટ લીધી મનમાં એક આશ ભરી. માથે લાલ રુમાલ બાંધી ભીષ્મ પ્રતિજ્ઞા કરી. જાવું અયોધ્યા ધામ પ્રભુશ્રી રામના દરબારમાં. પડી હાકલ ઝીલી ઉરમાં નિઃસંદેહ થકી.
વેરાયેલા ઘઉંના દાણા જેવા હિંદુઓ આજે મઘમઘતાં શિરા જેવો એક જૂથ બની, ચાલ્યા સંસારના દુર્ગમ દુર્ગને ભેદવા. દેવી-દેવતાઓ એ લીધેલાં શસ્ત્રો આજ માંગી લીધાં પહેલી વાર. છે કોઇની તાકાત રોકવા મચ્છુ ડેમના પુરસમાં દિલમાં ઉમટેલાં ઘોડાપૂરને નાથવા?
વાણીવિલાસ કીધો ઘણો. હવે કર્મઠ બનવાની આવી ઘડી. ગીતાજ્ઞાનનો ખરો સાર પામવા શરીર રૂપી રથને મનોરથો વડે શણગારી, દશે ઇન્દ્રીયો રૂપી ઘોડાઓ પલાણ્યા. મનને કરી સારથી, અર્જુન બનીને ઉભો ભારતી. હાથમાં ધનુષ્ય અને બણ ખેંચી, જેમ દિસે રણયોધ્ધો ખડગ સમો.
ચણોઠીના દાણા જેવી ટગર ટગર થતી આંખોએ લીધો નજારો, ચારેકોર ચકોર દ્રષ્ટિ વડે. એક-બે નહિ, અહીંતો હજારો-લાખો અર્જુન ઉભા કતારમાં, જેમ મરજીવા કુદી પડે મહાસાગરમાં. મળશે મોતી કે છીપ, જુએ રાહ અધ્ધરશ્વાસે જનમેદની બધી. બાજ નજરે મારી ઝડપ, સ્વપ્ન થયું સાકાર. હતી વાત આટલી તેમાં કાં વિતાવ્યાં સેંકડો વરસો તમે?
ફૂંકીને રણભંભેરી, છેડ્યું યુધ્ધ અનોખું, ધર્મ અને સંસ્ક્રુતિના રક્ષક બન્યા સાચા કર્મયોગી તમે. બન્યું ધન્ય આ નશ્વર જીવન પ્રભું.
કરૂં નમન શતશત વાર પુનઃપુનઃ નમીને, ધર્મવીરોને. અસ્તુ.

જુલાઇ 27, 2006

મારો ગુજરાતી બ્લોગ – ચિરાગ પટેલ

Posted in નિબંધ at 1:55 એ એમ (am) by Chirag

જ્યારે જ્યારે હું કોઇ ગુજરાતી વેબ-સાઇટ વિશે વાંચુ છુ ત્યારે ત્યારે મને પણ જાણે મારી પોતાની એક ગુજરાતી સાઇટ તૈયાર કરવાની ઇછ્છા થઇ આવી છે. મારો સહુથી મોટો અંતરાય ગુજરાતી ટાઇપીંગ હતું. પણ જ્યારે મને માઇક્રોસોફ્ટ્ની www.bhashaindia.com વેબ્સાઇટની જાણકારી મળી ત્યારે થોડો હાશકારો થયો. ત્યાર બાદ ઘણા દિવસો એમને એમ વીતી ગયા. (અલબત્ત, મારી રોજીંદી જીવંચર્યાઓ તો બંધ થવાનો સવાળ નથીJ). આ પ્રોજેક્ટ પર અમલ કરવાની પ્રેરણા મળી www.readgujarati.com પર મારા જેવા ઘણા ગુજરાતી આશિકોની વેબ્સાઇટો જોઇને. તો હવે હાજર છે મારો પોતાનો ગુજરાતી બ્લોગ! હું નિયમિતતાથી આના પર અવનવી રચનાઓ અને સમાચાર મુકવાની ઇછ્છા ધરાવુ છુ. આપ સર્વેનો સહકાર જરુરી છે, આ ચળવળને જીવંત બનાવવા માટે. શબ્દોની અંજલિ ગુજરાતીને સ્વરાંજલિ રુપે. અસ્તુ!