આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016


આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016

“બીપ… બીપ… બીપ…”
“કૉડ રેડ ઈમરજન્સી રૂમ નંબર 4…”
“અરે, વળી પાછું માજીને… હે, પ્રભુ! હું થોડીવારમાં આવું”, કહીને અહલ્યા હાંફળી-ફાંફળી દોડી.

હું પિતાજીનો જમણો હાથ પકડીને ઉભો અને મોનિટર પર દેખાતું નંબરોનું નર્તન પરાણે જોતો રહ્યો! હૃદયના ધબકારા 165-140-125-140-160… રક્ત ચાપ 190/110… પ્રાણવાયુ 85… શ્વાસની ગતિ 20-30-45-25-35… વેન્ટિલેટર પર પીપ 8… O2 60%… શર્કરા 350… આંખો 12 દિવસથી પ્રૉપોફોલની અસર તળે બંધ… wbc 24000… BUN 145… ક્રિએટિનાઈન 1.85… ઍન્ટિબાયોટિક મૅરોપેનેમ… લેસિક્સના ઈન્જેક્શન… ધીરે-ધીરે નળી વાટે જઠરમાં ઉમેરાતો પ્રવાહી ખોરાક… સાથે સતત ઈન્સ્યુલીનનો પ્રવાહ… વગેરે વગેરે બધું મગજમાં ઘૂમરાયા કરતુ હતું. થોડી-થોડી વારે બધાં મશીનો ચિત્કાર કરતાં હતાં – કંઈક કરો, કંઈક કરો… પણ શું કરવું એની મને તો કોઈ ગતાગમ નહોતી એટલે મનોમન ભુવનેશ્વરીને સ્મરતો બધું શૂન્યમનસ્કપણે જોતો રહ્યો! મનમાં વિચિત્ર ભાવો ઘૂંટાયા કરતાં હતાં.

પિતાજી બાકી બધી રીતે સામાન્ય હતાં – ખાવું, પીવું, બોલવું, ચાલવું, બધાં સાથે હળવું-મળવું, ટીવી જોવું, ફોન પર પાર વિનાની વાતો કરવી, પૌત્રોની વિવિધ માંગણીઓ સંતોષવી, બધું જ! 70 વર્ષે પણ લગભગ અડીખમ, શરીરે સ્વસ્થ કહી શકાય. જાતે ગાડી ચલાવી નેવિગેશન પર કોઈ પૌત્ર દ્વારા સરનામું મુકાવી, ક્યાંય પહોંચી જાય. ડાયાબિટીસ અને બાયપાસ હોવા છતાં ગળ્યુ અને ભરપૂર ઘીવાળી વાનગીઓ સુપેરે ખાતાં. છતાંય લોહીમાં શર્કરા તો 90ની આસપાસ જ ચકરાવો લે! છેલ્લાં 10 વર્ષથી હૃદયની 5 નળીઓ 80% જેવી બંધ હતી અને ડોક્ટરો કોઈ પણ સર્જરીનું જોખમ નહોતા લેવા માંગતા એટલે પિતાજી મસ્તીથી જીવતાં હતાં. 17-18 વર્ષથી સિગારેટ પીવાની આદત પણ કેન્સરે છોડાવી દીધી હતી એટલે વ્યસનથી વ્યથા પણ નહોતી રહી. સ્વભાવે ધાર્મિક અને પ્રમુખસ્વામી બાપા પર અપાર શ્રદ્ધા. બસ એ એક શ્રદ્ધાના જોર પર જીવન કેન્દ્રિત હતું અને ખુશીથી વ્યતીત થતું હતું. ખેતીના સંઘર્ષમય જીવને સ્વભાવ થોડો આળો અને ગરમ કર્યો હતો પરંતુ તેઓ પોતાની ઈચ્છા કોઈ પર ઠોકી નહોતા બેસાડતાં. લીલી વાડી હતી, પુત્રો-પુત્રી પણ પુત્રો-પુત્રીવાળા હતાં અને આર્થિક રીતે સુખી સંપન્ન હતાં. ક્યારેક ભારતની મુલાકાત લેતા ત્યારે કોઈને કોઈ રીતે પોતાને ભૂતકાળના કપરાં કાળમાં સહાય કરનારને કોઈ પણ રીતે સહાય કરી ઋણ ચૂકવી દેતાં. તેમનો એક જ નિયમ – ઘરે આવેલા કોઈને જમાડયા વિના નહિ જવા દેવા અને દાનનું કદી ખાવું નહિ. સર્વે સગાં -સંબંધીઓ, મિત્રો માટે ઘસાઈ છૂટે એવો સ્વભાવ. કેટલાંય લોકોને અમેરિકા સેટ થવા મદદ કરી હશે. પિતાજીએ જતા જીવને યુરોપ, સમગ્ર ભારત, અમેરિકાના અનેક સ્થળો ફરેલાં. કશું જોવા કરવાનું બાકી નહોતું. જે કંઈ જમીન, મકાન વગેરે હતાં એ પુત્રોને વહેંચી આપેલાં અને પુત્રી માટે પણ અલગ રકમ ફાળવેલી. પિતાજી આખાબોલા હોવાથી હૈયે કશું છાનું નહિ અને ખોટું નહિ.

પિતાજીને મેં અહીં લાવી મૃત્યુના મુખમાં ધકેલી દીધાં હતાં ? એમનું કેન્સરમુક્ત રેડિએશનગ્રસ્ત હાડકું સડી રહ્યું હતું. કદાચ 3-4 વર્ષે મગજ સુધી સડો પેઠો તો તાત્કાલિક સર્જરી કરાવવી પડે અને એ વખતે તો એ શારીરિક રીતે વધુ નબળા થયા હોય એટલે મેં પાણી આવે એ પહેલા પાળ બાંધી લેવા સર્જરી કરાવવી નક્કી કરી. નાની-નાની બે સર્જરી દ્વારા પિતાજીને મજબૂત જડબું મળવાનું હતું.

ડોક્ટર યદુવેન્દ્ર પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત અને પ્રખ્યાત હતાં. એટલે મને સર્જરીની સફળતા વિષે કોઈ શંકા નહોતી. પિતાજીનું હૃદય પણ 6-8 કલાકની સર્જરી માટે સક્ષમ હોવાનું હૃદયના નિષ્ણાત ડોક્ટરે સર્ટિફિકેટ આપી દીધું હતું. પરંતુ ધાર્યું ધણીનું જ થાય!

“હે ઈશ્વર, માજી બચે એવું નથી લાગતું! કાશ, હું કંઈક કરી શકું! પણ શું થાય? ભગવાન જેમને પોતાના ઘરે બોલાવે છે એના માટે અમે લાચાર છીએ.” અહલ્યાએ દુઃખદ સ્વરે સમાચાર આપ્યા. શરીરે નમણી અહલ્યા ભારે કામગરી નર્સ હતી. એક સેકન્ડ જંપીને બેસતી નહોતી. પોતાની દેખરેખમાં આવેલાં દર્દીઓ માટે એક મા જેવી લાગણીથી સારવાર કરતી. સમયસર દવા આપવી, સાફસફાઈ કરવી, કમ્પ્યુટરમાં નોંધ કરતા રહેવું, દર્દીના મળમૂત્ર સાફ કરવા, ઘા ચોખ્ખા રાખવા, દર્દી સાથે મારા જેવું કોઈ સગું હોય તો એના અનેક પ્રશ્નોના સમાધાન કરવા, 12 કલાકની પાળીમાં કામ, ખાવા-પીવાનો અંગત સમય પણ કદાચ ના રહે, અને છતાંય મ્હોં પર સ્મિત અને પોતાના બાળકની કાળજી લે એ રીતે દર્દીની સારવાર! શું ભુવનેશ્વરી અહલ્યા સ્વરૂપે પિતાજીની સારવાર કરતી હતી?

“ડોક્ટર કૃપલાણી, જલ્દી રૂમ 5માં આવો.” અહલ્યાનું પેજ સાંભળી મને ધ્રાસ્કો પડ્યો. કૃપલાણી હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર હતાં.મને લાગ્યું કદાચ મારા હૃદયના તીવ્ર ધબકારા અહલ્યાને સંભળાઈ ગયા લાગે છે.

“ચિરાગ, તમારા પિતાજીને ઇલેક્ટ્રિક શૉક આપવો પડશે.” ડોક્ટર કૃપલાણીના આ શબ્દો સાંભળી મને શૉક લાગી ગયો. પિતાજીનું હૃદય અટપટા ચકરાવા લઇ રહ્યું હતું.

ડોક્ટર શૉક આપવાનું મશીન લઇ આવ્યા. સાથે અહલ્યા અમુક પ્રિન્ટ કરેલા કાગળો લઇ આવી. સાથે સહાયમાં બીજી બે નર્સ હતી.

“ચિરાગ, શૉક આપવાથી હૃદય સારું થવાની શક્યતા 83% છે. પણ ચિંતા ના કરો. ભાગ્યે જ અમે નિષ્ફળ જઈએ છીએ. વિશ્વાસ રાખો.” ડોક્ટર મારો વિશ્વાસ ડગમગાવી રહ્યા હતાં કે વધારી રહ્યાં હતાં એ જ મને ખબર ના પડી. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ પણ ક્યાં હતો? મેં કાગળો પર સહી કરી. કૃપલાણીએ મને બહાર જવા કહ્યું.

પ્રતીક્ષાખંડમાં જઈને હું બેઠો. અને મારુ મન ડોક્ટર કૃપલાણીના શૉકના પરિણામ વિષે શોકમાં હતું. આ સમયે તો ભુવનેશ્વરી પણ યાદ ના આવી. માત્ર ઘડિયાળને અવઢવપણે હું જોતો રહ્યો. એકાએક મને લાગ્યું કે દશેક મિનિટ થઇ ગઈ. હું ગભરાતો-ગભરાતો રૂમ નંબર 5માં ગયો. પિતાજી શાંતિથી સૂતાં હતાં. મોનિટર પર હૃદયના નિયંત્રિત તાલ 60-62 જોઈ હું એની મધુરી તાનમાં ખોવાઈ ગયો. એકાદ મિનિટમાં ડોક્ટર કૃપલાણીના શબ્દો મને અથડાયા અને હું જાગ્યો, “ચિરાગ, આપણે સફળ રહ્યાં.” મેં ડોક્ટર હચમચી જાય એટલા જોરથી તેમનો હાથ પકડી લીધો અને આભાર માન્યો.

“પણ, પિતાજી સ્વસ્થ નથી. હું ખોટી આશા આપવા નથી માંગતો. તમારે વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ.” ડોક્ટર કૃપલાણીએ શબ્દોના ઘા કરી મને તમ્મર લાવી દીધાં.
“હું હૃદયરોગનો નિષ્ણાત છું. પરંતુ ICUમાં અનેક દર્દીઓને જોયા છે અને મારા અનુભવે કહું છું કે પિતાજી બેઠા નહિ થાય!”
(ડોક્ટર કૃપલાણી તમે પિતાજીને શૉક આપી બેઠા કર્યા પણ હવે આવો શૉક આપી મને પાડી દેવો છે?) મેં મનમાં વિચાર્યું.
મેં કહ્યું, “ઠીક છે, જોઈએ.” અને પાછો મનોમન ભુવનેશ્વરીને યાદ કરવા લાગ્યો. થોડીક હિમ્મત આવી અને મનમાં વિચાર્યું – ડોક્ટર તમે તમારું કામ સારી રીતે કરી દીધું, હવે બાકીનું અમે જોઈ લઈશું.

એક હળવાશ અનુભવી હું બેઠો.

ત્યારબાદના પ્રસંગો ઝડપથી વીત્યાં. પિતાજીને 4 વખત ડાયાલીસીસ કરાવ્યું ત્યારે મૂત્રપિંડ આપમેળે કામ કરતાં થયાં. 3 વખત લોહી આપ્યું ત્યારે હિમોગ્લોબીન ઠેકાણે આવ્યું. અનેક ચઢાવ-ઉતાર પછી વેન્ટિલેટર ગયું. પિતાજીને પ્રૉપોફોલ બંધ કાર્યના છેક ચાર દિવસે પૂરું ભાન આવ્યું અને બધાંને ઓળખતા થયા. તેમને હાથ-પગ હલાવતા બીજા 3-4 દિવસ નીકળી ગયા. આ ત્રીસ દિવસમાં હું પણ અહલ્યાને સહાય કરી શકું એટલો જાણકાર બની ગયો. મનમાં બે જ શબ્દો ઘુમરાયા કરતા હતા – શ્રદ્ધા અને સબૂરી! બીજી સર્જરી તો બાકી જ હતી પણ હવે મારી અંદર નવી આશાનો સંચાર હતો.

આ પ્રસંગ તમને કહેવાનું તાત્પર્ય એક જ કે, ક્યારેય હિમ્મત ના હારી જશો અને લઢતા રહો તો ચોક્કસપણે જીતી જશો. મારી હિમ્મત ICU છે. મારી ભુવનેશ્વરી મને કહી રહી છે – I see you! ફિર કાહે કા ડર ?

Advertisements

navo cheelo – Bansidhar Patel


નવો ચીલો – બંસીધર પટેલ

હિરાપુર ગામ એ આમ તો ખીજલપુર શહેરથી આઠેક ગાઉના અંતરે વસેલ હતું. વસ્તી લગભગ ત્રણેક હજારની ખરી. આમાં મુખ્યત્વે પટેલ, ક્ષત્રિય અને થોડાંક ઘર વાણિયા તથા ઇતર કોમનાં હશે. વડીલોની હાજરી સમા પાંચ-પાંચ ઘેઘૂર વડલાં ગામની ભાગોળે આવેલા સુંદર સરોવરને કિનારે સેંકડો વરસથી સાક્ષીભૂત બની વિરાજમાન છે. એક તરફ ધોરણ 7 સુધીની પ્રાથમિક શાળા, તેની બાજુમાં પંચાયતનો ચોરો અને પડોશમાં સરકારી દવાખાનું – આ ગામની મુખ્ય સગવડો હતી.

નિશાળેથી પરત આવતાં બાળકો તળાવના આરે પોતાનાં દફતરો મુકી, તળાવમાં ન્હાવાનો નિર્દોષ આનંદ
લૂટતાં. તો બીજી તરફ વગડાંમાં ચરાવા લઇ જવાયેલ ઢોર પોતાના ગભાણમાં જવાની ઉતાવળે આવતાં હોય. કેટલો નિર્દોષ આનંદ અને કેવું સમંવિત વાતાવરણ!

હિરાપુર ગામ સંવત 1200ની આસપાસ હિરા રબારીએ વસાવેલું, જેની સાક્ષી રૂપે આજે પણ વિશળમાતાનું સ્થાનક મૂક સાક્ષી બની ઉભેલું હતું. તેની પૂજા આજે પણ ઘણાં લોકો પુરી આસ્થાથી કરે છે.
નિરંજન આજ ગામની ગોધુલીમાં ઉછરી મોટો થયો હતો. બાળપણ ખૂબ જ સાહજિક્તાથી વીતેલું. માથે મા-બાપની છત્રછાયા, પિતા ખેતી કરે અને તેમાંથી સુખેથી રોટલો ખાતું આ નાનું પણ સંતોષી કુટુમ્બ ખૂબ જ સંસ્કારી. પણ મા-બાપની એક મહેચ્છા કે એકનો એક નિરૂ ભણીગણીને કંઇક બને એટલે સાતમા ધોરણની ફાઇનલ પરીક્ષા પાસ કર્યા બાદ નજીકના ખીજલપુર શહેરમાં માધ્યમિક શાળાના ભણતર માટે દાખલ કરાવેલ. સદનસીબે નિરૂના મામા ખીજલપુરની શેઠ પિતાંબરદાસ હાઇસ્કુલમાં શિક્ષક. એટલે ભાણાના અભ્યાસમાં પુરતી કાળજી રાખતાં. નિરૂએ સુખેદુ:ખે મેટ્રીકની પરીક્ષા 64% ગુણ સાથે પસાર કરી ખીજલપુર કેન્દ્રમાં સર્વપ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. મા-બાપે ગોળ-ધાણાં વહેંચી ખુશી મનાવી નિરંજનને ખૂબ જ હોંશથી કોલેજમાં દાખલ કર્યો. કોલેજમાં ભણતાં વિદ્યાર્થી માટે તે જમાનામાં કેટલું માન-પાન હતું તેની આજે કલ્પના જ કરવી રહી. કેટ-કેટલાં માગાં આવે. પણ નિરૂના મા-બાપ દિકરો ભણીગણીને તૈયાર ના થઇ જાય ત્યાં સુધી લગ્ન બાબતે કાંઇપણ વિચાર કરવો નહિ એવું નક્કી કરીને બેઠાં હતાં.

સમય પસાર થતો ગયો. નિરંજન બી.એ.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. હવે તેના લગ્ન સંબંધે વિચાર કરવો એમ મા-બાપ વિચારતાં હતાં. એટલામાં બાજુના વાસનપુર ગામનાં શામળભાઇ આવ્યા. બન્ને બચપણના મિત્રો એટલે જીવાભાઇ (નિરૂના પપ્પા), અને શામળભાઇ ખૂબ જ હેતભાવથી ભૂતકાળની વાતો વાગોળતાં, પરસ્પર ખબર અંતર પૂછતાં, ચા-પાણી કર્યા બાદ, હૂકો લઇને બેઠાં. ગામડામાં હૂકા-પાણીનું ખૂબ જ મહત્વ – ખાવાનું ના હોય તો ચાલે પણ મહેમાનોના સ્વાગતમાં હૂકારાજાનું પ્રથમ સ્થાન હોય. વાતોવાતોમાં શામળભાઇએ નિરૂના લગ્ન સંબંધી પૂછપરછ કરી અને પોતાની એકલ દિકરી આનંદી અંગે વાતનો અણસાર કરી દીધો.

આનંદી આમ તો સાત ધોરણ સુધી જ ભણેલી અને ગામડાની છોકરી એટલે વાતચીત, વ્યવહારકુશળ અને ખૂબ જ મહેનતુ, પણ પગે સહેજ ખોડ. એટલે ઘણી જગ્યાએ વેવિશાળ માટે પૃચ્છા કરવા છતાં શામળભાઇને કોઇ જગ્યાએ મેળ બેસતો નહોતો. એકવડા બાંધાની, દેખાવે સુંદર, સ્વભાવે ચતુર અને ઘઉંવર્ણો દેહ, પણ પગે થોડી ખોડ. એટલે તેનું નસીબે બે ડગલાં પાછળ ચાલે અને આમને આમ દિકરીની જાત રાત્રે ના વધે એટલી દિવસે વધે. એમ ખરેખર ઉંમર વીસની હોવા છતાં દેખાવમાં ત્રીસી વટાવી ચુકી હોય તેવું લાગે. આમતો પહેલાં ગામડાંમાં રિવાજ હતો કે ચૌદ વર્ષની કન્યા અને સોળ વર્ષના પુત્રનો વિવાહ થઇ જવો જોઇએ. પણ આ કિસ્સામાં ખોડીલી કન્યા અને ભણતરમાં રચ્યો-પચ્યો રહેતો યુવાન મુરતિયો. એટલે ઉંમર વધવા છતાં વિવાહ નહિ કરવાના સબળ કારણોને લીધે સમાજ ચુપ રહેતો. પણ હવે સમાજ જીવાભાઇ અને ડાહીબેન (નિરૂની મા)ની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો.

વાતવાતમાં થયેલી વાતથી ડઘાઇ ગયેલા જીવાભાઇ હૂકાનો લાંબો લચક કશ લઇને ધીમેથી હુંકાર કરતા હોય તેમ બોલ્યા, “કંઇ વાંધો નહિ.” આ શબ્દોએ શામળભાઇના કાનમાંથી સોંસરવા હ્રદયના તાર ઝણઝણાવી મૂક્યા. ખુશીની એક લકીર તેમના વદન ઉપર અંકિત થઇ ગઇ. અને પોતાનું 50% કામ થઇ ગયું હોય તેમ વાત આગળ વધારતાં બોલ્યાં, “શુકનના શ્રીફળ અને રૂપિયો ક્યારે આપવા આવું?” ત્યારે જીવાભાઇ ઘરના ઓરડામાં નજર કરી ડાહીબેન તરફ ડોકું ખેંચવા લાગ્યા, “અરે, સાંભળો છો? આ શામળભાઇ કંઇ કહેવા બોલાવે છે.” એટલે ડાહીબેન દાળ હલાવતાં – હલાવતાં હાથમાં પકડેલા ડોયાને લઇ સીધાં જ બહાર આવ્યાં, “કેમ? મને કંઇ કહ્યું?” એટલે શામળભાઇએ પોતાની દિકરી આનંદીના, નિરૂ સાથેના વેવિશાળ અંગે સઘળી વાત કરી. પણ ડાહીબાએ સુંદર જવાબ આપ્યો, “ભાઇ, મારે નિરૂને પુછવું પડે.” એટલામાં જ ખેતરે ડાંગરના નિંદામણ માટે રાખેલા મજુરો ઉપર દેખરેખ રાખવા ગયેલો નિરંજન પરત ઘરે આવી પાટ ઉપર બેઠેલા શામળકાકાને નમન કરી પાટના ખૂણે એકતરફ પગ લટકાવી બેઠો. કેટલો શાંત, ધીર, ગંભીર અને મહેનતુ છોકરો મારી કોડીલી કન્યા માટે આજે ઉત્તમ મુરતિયો બન્યો છે, એવું મનોમન વિચારતા શામળભાઇ, જીવાભાઇએ ધરેલ હૂકાને પોતાના તરફ ખેંચતા વિચારવા લાગ્યા. એટલામાં રસોડામાંથી ડાહીબેનની બૂમ પડી, “એ… ચાલો. જમવાનું તૈયાર થઇ ગયું છે. હાથ-પગ ધોઇ લ્યો.” દાળ, ભાત, શાક, કંસાર (શુકનનો?) પીરસાયો. ત્રણેય જમવા બેઠા. શામળકાકાનો ચહેરો વાંચતો હોય તેમ નિરંજન ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો, “કાકા, શાંતિથી જમજો. આ તમારું જ ઘર છે.” શામળભાઇ મનમાં વિચારવા લાગ્યા કે, “આ મારી દિકરીનું ઘર છે. એટલે પરોક્ષ રીતે મારું જ કહેવાય. પણ… તું જો હા પાડે તો…” જમી-પરવારી બધાં થોડી વાર આડે પડખે થયા. ધીમેથી ડાહીબેને નિરંજનને અંદર બોલાવી સઘળી વાત કરી. એટલે નિરંજન મૂક સંમતિ આપતો હોય તેમ “જેવી તમારી ઇચ્છા” કહી બહાર નીકળી આવ્યો.
બપોર પછી વિદાય લેતાં શામળભાઇએ જીવાભાઇને “રામ, રામ” કરતાં, ફરીથી મમરો મૂક્યો “વાત પાકીને?” જીવાભાઇ થોડું હસી અર્ધસંમતિ આપી “પછીથી કહેવડાવીશું” કહી શામળભાઇને વિદાય આપી. સાંજે ત્રણેય જણ વાળું કરવા બેઠાં એટલે ડાહીબેને કહ્યું કે, “આમ તો આનંદી આપણા માટે અજાણી નથી. તેમ છતાંય છોકરો-છોકરી પરસ્પર નજર તળે કાઢીએ તો સારૂં. જીવન એમને સાથે વિતાવવાનું છે.” ત્યારે રૂઢિચુસ્ત, પણ સુધારાવાદી જીવાભાઇએ જાણે ડાહીબેનના સ્વરમાં સંમતિ આપતા હોય તેમ જોવા-મુકવાનું નક્કી કરતા પહેલા “જોવું જરૂરી છે” એમ જણાવી, એના માટે “દહાડોવાર નક્કી કરી શામળભાઇને જાણ કરીશું” એવું કહી, હૂકાની ચલમ ભરવા વરંડામાં આવેલ ભરસાળ તરફ જતા રહ્યા. સારા દિવસે નિરંજનના મામાને ત્યાં ખીજલપુર છોકરીને જોવાનું નક્કી થયું તે મુજબ બન્ને તરફનાં નજીકનાં સગાં-વ્હાલાં ભેગાં મળ્યાં. કેટલાકે છોકરીની તરફેણમાં કહ્યું, તો કેટલાકે તેના પગની ખોડ બાબતે અણછાજતો ઉલ્લેખ કર્યો. પણ સારાંશમાં અંતે બધો નિર્ણય નિરંજન ઉપર છોડવામાં આવ્યો.

નિરંજન ભણેલો-ગણેલો અને સંસ્કારી છોકરો એટલે બાહ્ય કરતાં આંતરિક ગુણ-સંસ્કારને વધુ પ્રાધાન્ય આપતો. આનંદીના ગુણ-સંસ્કાર ઉત્તમ, એટલે પગની ખોડ એના માટે ગૌણ બાબત હતી. એટલે લગ્ન માટે સહમતિ આપી “હા” ભણી દીધી. સારા મુહુર્તમાં લગ્ન નક્કી થયું. લગ્ન લેવાઇ ગયું. બન્નેના મા-બાપ પોતાના બાળકો ખૂબ જ સુખી થાય એવા આશીર્વાદ આપી જીંદગીની મુખ્ય જવાબદારીમાંથી જાણે મુક્ત થયા હોય તેમ સંતોષની લાગણી અનુભવતા સ્વગૃહે વિદાય થયા.

નિરંજને જે દાખલો આપણી સમક્ષ મૂક્યો છે એ આજની 21મી સદીમાં પણ કેટલો ક્રાંતિકારી છે, એ આપ સમજી જ શક્યા હશો. આજથી 30 વર્ષ પહેલાંની આ વાત તો કેટલી અનોખી રહી હશે? જીવાભાઇ અને ડાહીબેન પણ શત શત ધન્યવાદને પાત્ર છે. એમણે પોતાના પુત્રને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી તો જ આ વાર્તા આપણને મળી. નિરંજન અને આનંદી અત્યારે એમનું જીવન પ્રસન્નતાથી પસાર કરી રહ્યાં છે. સંજય, નિરુપમા અને દિપક એમના પ્રસન્ન દાંપત્યજીવનને વધુ ખુશી બક્ષી રહ્યાં છે.

અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ


મારી પહેલી ટૂંકી વાર્તા જે મે રિડગુજરાતી.કોમ પર સ્પર્ધા માટે મોકલી astitvanoaayano.pdf

પહેલો દુશ્મન પડોશી – બંસીભાઇ પટેલ


પહેલો દુશ્મન પડોશી – બંસીભાઇ પટેલ Aug 27, 1986

સામાન્ય રીતે બાળકોના નાના-નાના ઝઘડાઓમાંથી પ્રથમ આડોશ-પાડોશમાં રહ્તી સ્ત્રીઓ લડતી હોય છે. અને પછી પોતપોતાના પતિદેવોને ઉશ્કેરણી કરી કેટલીક સ્ત્રીઓ પુરુષોની અનિચ્છા હોવા છતાં વેરનાં વાવતર કરાવી દે છે. આપણે જેમની વાત કરવી છે તે ભગવાન ઇશુખ્રિસ્તના અવતાર જેવા સુમનભાઇ આમતો પોસ્ટ ઓફિસમાં મુખ્ય સોર્ટરની જગ્યા ઉપર નોકરી કરે છે. પણ શાંત અને શરમાળ એવા કે ભાગ્યે જ કોઇની સાથે ઉંચા અવાજે વાત કરે.
પણ બન્યું એવું કે, બાજુવાળા ભાઇનો વચેટ વિહારી ભમરડાંની રમતમાં સુમનભાઇના શ્રીકાંત સાથે ઝગડી પડ્યો. અને બન્ને બથમબથ્થી આવી ગયા. આ દ્રષ્ય જોઇ સુમનભાઇનાં ઘરવાળાંથી રહેવાયુ નહિ. એટલે બન્ને સ્ત્રીઓ ઝગડવા લાગી. ઝગડાની શરુઆત સવારના નવ વાગ્યાથી ચાલી તે બપોરે અઢી વાગ્યા. પણ એકેય પક્ષ નમતું જોખે નહિ. ફળિયાના બીજા માણસો વિચારવા લાગ્યા કે બન્ને જણ સગી બહેન જેવી હોવા છતાં આજે ના કહેવાનું એકબીજાને કહેવા લાગી છે.
સાંજે સુમનભાઇ ઘરે આવ્યા. એટલે સુમતિબેને તેમની રેકર્ડ શરુ કરી. સુમનભાઇ ને લડવા માટે તૈયાર કરી દીધા, અને બાજુવાળા શંકરભાઇ સાથે પેટભરીને લડી લીધું. આ પછી બન્ને ઘર વચ્ચે અબોલા થયા. અને કોઇ વખત કચરો વાળવામાંથી તો કોઇવાર પાણીના નળમાંથી અવારનવાર ઝઘડો થવા લાગ્યો.

થોડા સમય પછી શંકરભાઇના મેડા ઉપર ભગતસિંહ નામના દરબાર રહેવા આવ્યા. શરૂઆતમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે પ્રેમના પ્રતિક સમી વાડકીઓનો વહેવાર જામ્યો. ટૂંક સમયમાં ઉપરનીચેવાળાં એકબીજાથી ખૂબ નજીક આવી ગયાં. હવે સુમનભાઇના ઘરની ખોદણી ખોદવાનું શરૂ થયું. અને એકબીજાની બળાપાવાળી હરિફાઇ શરૂ થઇ. સુમનભાઇ જ્યુસમિક્ષર લાવે, એટલે શંકરભાઇનાં ઘરે પણ મીક્ષર માટે માંગણી થાય. અને શંકરભાઇ ગમેતેમ કરીને પત્નિનું મન રાખવા દેખાદેખીથી (ઠંડાયુધ્ધને કારણે) નવું મીક્ષર લઇ આવે, અને તેનો ચેપ ભગતસિંહ દરબારના ઘરે પણ ચાલુ થાય. આમ, છ-એક મહિનામાં ઠંડુ યુધ્ધ એવું ફાલ્યું કે લોકો રશિયા-અમેરિકા ને પણ ભુલી ગયા. આ બધાની વચ્ચે ખૂબીની વાતતો એ બની કે ત્રણેય ઘરનાં બાળકો જાણે કંઇ જ બન્યું નથી તેમ પૂર્વવત પોતાની રમતો રમવામાં મશગુલ બની જતાં.
આ બધાની વચ્ચે ભગતસિંહ ત્રિપાંખીયા જંગમાં કરોળીયાના જાળને જેમ એવા ફસાયાં કે ન છુટકે એકવાર શંકરભાઇના ઘરવાળાંને કહી દેવું પડ્યું કે, જગદંબા- કાલીકા અમને માફ કરો અને અમને મહેરબાને કરીને છોડો. બસ, આટલી વાતમાં શંકરભાઇનાં ઘરવાળાંને એટલું તો માઠું લાગ્યું કે ભગતસિંહ જ્યારે-જ્યારે ઘરની બહાર જાય કે ઘરે પરત આવે ત્યારે-ત્યારે શ્રીમતિ શંકરભાઇ (બેન) કૂતરાં કે છોકરી પર છણકો કરી તણખાં કાઢે. અને આ જોઇ સુમતિબેન મનમાંને મનમાં મરક-મરક હસતાં કે, જો થઇ છે! મારા બેટાં, ખૂબ વહાલ કરતાં હતાં એકબીજાને!

આખરે સુમનભાઇની બદલી થઇ અને સામાન લઇને જવાની વિરહની પળ આવી પહોંચી. એટલે ફળિયાના બધાને મળવા જવાનો જૂનો રિવાજ મુજબ, સુમતિબેન તૈયાર થઇ સુમનભાઇ અને બન્ને છોકરાઓ મળવા જવા નિકળ્યાં. તેમના મનમાં એમ કે શંકરભાઇને ત્યાંથી કોઇ આવજો એટલું બોલે તો જુની દુશ્મની ભુલી જવી. પણ કોઇ ટસમાંથી મસ થયું નહી, એટલે અબોલા ચાલુ રહ્યા. પણ નાનો મુન્નો શંકરભાઇના ટાલિયાને ખૂબ પ્રેમથી આવજો કરી ભાવભીની વિદાય માંગવા લાગ્યો. અને આ તક જતી નથી કરવી એમ વિચારી સુમનભાઇ તથા સુમતિબેન અનિચ્છાએ પણ બાજુવાળાંના ઘરે મળવા ગયા. અને વરસ આખાનો દબાવી રાખેલો ઉભરો ઠાલવતાં બોલ્યા કે, “ભાઇ, આપણે અહીં શું વહેંચવાનું હતું? આ તો તમે ના બોલો એટલે અમે પણ મૂંગા રહીએ. બાકી, પડોશમાં રહીએ એટલે એકબીજાના પગ તો અથડાય. પણ હશે. ગઇ ગુજરી વાત ભૂલી જાવ.” એમ કહી, આંખો ભીની કરી, વિદાય લીધી.

સામાન સાથેની ટ્રકમાં ગોઠવાયેલાં બે ટાબરિયાં , અને સુમતિબેન બેઠાં, સુમનભાઇ પણ સાથે જ હતાં. અને ટ્રક પુરપાટ ચાલવા લાગી. અને સુમતિબેને વળી પાછું સુમનભાઇને પૂછ્યું કે, “જ્યાં આપણે જઇએ છીએ તે નવાનગરનાં મકાનની બાજુમાં કોણ રહે છે? માણસો તો સારા છે કે ખરાબ?” એટલે સુમનભાઇએ શીખામણનાં ગંભીર સ્વરોમાં ઉપદેશાત્મક ઢબે કહ્યું કે, “ આપ ભલા તો જગ ભલા. લવ ધાય નેઇબર એઝ યુ લવ યોરસેલ્ફ્.” અને સુમતિબેને મનમાં આ શબ્દોની ગાંઠ વાળી, એટલામાં ટ્રક અટકી ગઇ.

બોલો, દુનિયા આખીમાં કેટલાં પાડોશી પહેલા દુશ્મન હશે? અને કયા પહેલા સગાંનાં દુશ્મનવાળી કતારમાં તમારો નંબર નથી તેની ખાત્રી કરી લેજો.