ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૩ – ચિરાગ પટેલ – ૨૦૨૨ મે ૧૧
उ. १३.४.१ (१४६०) जनीयन्तो न्वग्रवः पुत्रीयन्तः सुदानवः। सरस्वन्तँहवामहे ॥ (वसिष्ठ मैत्रावरुणि)
સ્ત્રી પુત્ર વગેરેની ઈચ્છા કરતાં કરતાં યજ્ઞ, દાન વગેરે શ્રેષ્ઠ કર્મોમાં અગ્રણી અમે યાજકગણ સરસ્વતીનું આવાહન અમે કરીએ છીએ.
ઋષિ વસિષ્ઠનો આ મંત્ર સરસ્વતી દેવી કે નદીના આવાહન માટેનો છે. આ મંત્રમાં જ એનો હેતુ – સ્ત્રી, પુત્રની ઈચ્છા રાખવી, અને એ મંત્ર પ્રયોગ કરવા માટેની યોગ્યતા – યજ્ઞ અને દાન જેવા શુભ કર્મો કરવા, દર્શાવે છે. સામવેદના આ ખંડનો આ પહેલો શ્લોક છે, એવું જણાય છે કે, સામવેદ કાળમાં સરસ્વતીનું આવાહન સહુપ્રથમ કરવામાં આવતું હશે અને પછી બીજા દેવોનું. કાળક્રમે સરસ્વતી સામાજિક, કૌટુંબિક સુખોની દાતામાંથી વિદ્યા આપનાર દેવી બની ગઈ હશે.
उ. १३.४.२ (१४६१) उत नः प्रिया प्रियासु सप्तस्वसा सुजुष्टा । सरस्वती स्तोम्या भूत् ॥ (भारद्वाज बार्हस्पत्य)
પરમ મિત્ર સાત છંદ અને નદીઓ જેની બહેનો છે તે સરસ્વતી અમારે માટે સ્તુતિ યોગ્ય છે.
આ શ્લોકમાં ઋષિ ભારદ્વાજ સ્પષ્ટરૂપે સરસ્વતી નદી કે દેવી હોવા અંગે જણાવતાં નથી. પરંતુ, જેની સાત નદીઓ રૂપી બહેનો કે સાત છંદો રૂપી બહેનો છે, એવી સરસ્વતી સ્તુતિ યોગ્ય છે એમ જણાવે છે. પૌરાણિક સપ્તસિંધુ સંસ્કૃતિ વિષે આપણે જાણીએ છીએ. એ સંસ્કૃતિના પુરાતત્વવિદોએ અવશેષો ચકાસેલાં છે. આ શ્લોક એવો નિર્દેશ કરે છે કે, સપ્તસિંધુની ૫ થી ૧૦ હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિ જ વેદોના રચયિતાઓની સંસ્કૃતિ છે.
વળી, પ્રચલિત સાત છંદોનો અર્થ લઈએ તો સરસ્વતી વાણીની દેવી હોય એવો અર્થ પણ અભિપ્રેત છે.
उ. १३.४.३ (१४६२) तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥ (विश्वामित्र गाथिन)
જે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે છે, એ સવિતા દેવના વરણ કરવા યોગ્ય તેજને અમે ધારણ કરીએ છીએ.
વિશ્વામિત્ર ઋષિ રચિત વેદોનો સહુથી વધુ પ્રચલિત અને સર્વવિદિત આ મંત્ર ગાયત્રી મંત્ર છે. તેના વિષે અઢળક લખાયું છે. સૂર્યપ્રકાશનો આધાર લઈ, તેમાં રહેલા ફોટોનરૂપી સોમ કે ચૈતન્ય કે પ્રાણનો મનની શક્તિઓ વધારવા અંગે ઉપયોગ કરવાનો ઋષિ અહિ નિર્દેશ કરે છે.
उ. १३.४.४ (१४६३) सोमानां स्वरणं कृणुहि ब्रह्मणस्पते । कक्षीवन्तं य औशिजः ॥ (मेधातिथि काण्व)
હે જ્ઞાનપતિ! સોમને ઉત્તમ પ્રકારે સંચારિત કરો. તથા જે વશમાં છે એને સશક્ત બનાવો.
આ મંત્રમાં ઋષિ સોમ એટલે ચૈતન્ય પ્રવાહ કે પ્રાણને ઉત્તમ રીતે શરીર કે વિશ્વમાં સંચારિત કરવા માટે જ્ઞાનના દેવ, દેવગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરે છે. એ સોમનો ઉપયોગ કરી જે કાઈં જ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે છે તેને મેળવવા કે વૃદ્ધિ કરવા અંગે ઋષિ જણાવે છે.
उ. १३.४.९ (१४६८) युञ्जन्ति ब्रध्नमरुषं चरन्तं परि तस्थुषः । रोचन्ते रोचना दिवि ॥ (मधुच्छन्दा वैश्वामित्र)
અગ્નિરૂપ ચલાયમાન જણાતા પરંતુ સ્થિર સૂર્યની અમે આરાધના કરીએ છીએ. સૂર્ય સમાન ઇન્દ્રના પ્રકાશ કિરણો સમસ્ત લોકોમાં પ્રકાશ ફેલાવે છે.
વિશ્વામિત્રના પુત્ર ઋષિ મધુચ્છંદા આ મંત્રમાં ખગોળીય ઘટનાનો ઉલ્લેખ કરે છે જે સામવેદ કાળના સાધનો વડે જાણવી આશ્ચર્યજનક છે. પૃથ્વી નહીં પરંતુ સૂર્ય સ્થિર હોવા અંગે ઋષિ સ્પષ્ટ કહે છે. પાશ્ચાત્ય વિજ્ઞાનમાં આ તથ્ય સામાન્ય યુગ પૂર્વે ચોથી સદીમાં પાયથાગોરસે શોધ્યું એવો ઉલ્લેખ છે. આપણે તો આ તથ્યના શોધક તરીકે ૬-૭ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા ઋષિ મધુચ્છંદા વૈશ્વામિત્રને શ્રેય આપવું રહ્યું. વળી, મંત્રના ઉત્તરાર્ધમાં ઈન્દ્ર પ્રકાશ કિરણો સર્વે લોકોમાં ફેલાવે છે એવું ઋષિ કહે છે. ઈન્દ્ર એટલે સ્થૂળ અર્થમાં મેઘ અર્થાત વાતાવરણ જેને લીધે પ્રકાશ વિખેરણ પામી આકાશને ઉજ્જવળ બનાવે છે. જો ઈન્દ્ર એટલે મન એવો સૂક્ષ્મ અર્થ લઈએ તો મન સમગ્ર શરીરમાં પ્રકાશરૂપી ચૈતન્યનું પ્રેરક છે એવો અર્થ અભિપ્રેત છે.