અસ્તિત્વનો આયનો


અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ ૨૦૨૧ ફેબ્રુઆરી ૧૩ શનિવાર ૮૬૯૬ સપ્તર્ષિ ભાદ્રપદ શુક્લ બીજ

લવ.
એ જ ગૌરવર્ણ.
એવું જ હિરણ્મય લલાટ.
એ જ પ્રગલ્ભ સ્મિત.
આહા, એવી જ મુખલાલિમા.
એવું જ ખિલખિલાટ હાસ્ય.
એવું જ સુરિલું રુદન.
એવો જ ભવ્ય દેખાવ.
શું, સ્વરાંજલિ લવ પથિક મહેતા સ્વરુપે અવતરિત થઇ છે?

ઘણાં બધાંનો એવો જ અભિપ્રાય હતો. સુરિલી પુત્રસ્વરુપે પોતાની અંશદાતાને ભાળીને જાણે એને નિહાળવામા તલ્લિન થઇ ગઈ.

દેવપ્રયાગનો દશરથાનંદ પર્વત ઉચ્ચતમ સાધનાને પોતાના ગૌરવાંવિત શિખર વડે હું ઉચ્ચતર બનાવતો હતો. અહર્નિશ ચાલતા મારા ભક્તિ-યજ્ઞ વડે પુલકિત થતા પ્રેમીજનો મારા અવશેષને પણ શૂન્યતા અર્પતા હતા. આજે લવ, પથિક, સુરિલી મને મળવા આવ્યાં હતાં. તેમને મારા સાન્નિધ્યમા આનંદ આવતો.

શુધ્ધ-સ્વનો સ્વામિ એવો હું હવે તેમને સાક્ષીભાવે નિહાળી શકતો હતો. હવે તો સાધનાની કક્ષા એવી હતી કે, હું ઈચ્છું ત્યારે અને ઈચ્છું એ સ્વરુપે મહત-તત્વ અનુભવી શકતો હતો. શું આ જ મારા અસ્તિત્વનો અંતિમ પડાવ હતો? જેની જાણ હવે થવાની હતી એની આછેરી-શી ઝલક તો મને વર્ષો પહેલાં ૧૮ ફેબ્રુઆરીના દિવસે મળી ચૂકી જ હતીને?


ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા વિખેરતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધૂમકેતુઓની ધૂમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહિયા કરતાં કૃષ્ણ-વિવરો.
શક્તિનો મહાવિસ્ફોટ કરતાં શ્વેત-વિવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બંધાયેલું વિશ્વ.
શૂન્યમા અનુભવાતી સૂક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્ત્વ.
અફાટ અને વિરાન એકલતામાં અસ્તિત્વનો આભાસ.
દૂર-સુદૂર સમ્ભળાતો ચિર-પરીચિત શાશ્વત શાંતિનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મિઓનું દોલન.
મન વગર દેખાતો અસ્તિત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
સમજણ અને સંગાથ વગર કપાતો પંથ.

એકાએક આવેશની આવૃત્તિ અને સમય થંભી ગયો! પક્ષીઓના પરોઢીયે ગવાતા પ્રભાતિયાં મારા કલ્પના-વિશ્વને હચમચાવતા નવી ઉચાઇઓ સર કરતા જાય છે. આજની તારીખ શું થઈ એ વિચારતો હું ઉંઘમાથી મારા આત્માને ખેંચીને બેઠો થઈ ગયો. અરે, આજે તો ૧૮ ફેબ્રુઆરી! આજના દિવસે જ ઇ.પૂ. ૩૨૫૧માં સહુનો વહાલો કાનુડો આ પૃથ્વી છોડીને ઈહલોકમા પ્રવૃત્ત થયો હતો! એને યાદ કરતો અને “વસુદેવ સૂતમ દેવમ” ગાતો હું આ શરીરને સ્નાનાદિ કર્મથી સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરી રહ્યો. વાળને સમારતી વખતે એકાએક મને અરીસામા પ્રકાશનો ગાઢ પૂંજ રેલાતો દેખાયો.

શું હશે એ?
કોઇ પરલૌકિક અનુભવ?
કોઇ સિધ્ધ આત્માની ઝાંખી?
કે પછી મારુ પોતાનુ અસ્તિત્વ જ બોલતું હતું?
જો એવું જ હોય તો એ શું કહેવા માંગતુ હતું?
ઇશ્વરનું એ સંકેતથી શું પ્રયોજન હતું?
શું હું સ્વત્વના સાક્ષાત્કારને બદલે સ્વત્વના અસ્તિત્વનું પ્રયોજન સમજી શકીશ?

ગમે તેમ હું પરવારીને નાસ્તો કરવા બેઠો. ફટાફટ બધું પતાવીને હું ઓફિસ જવા નીકળ્યો.

ઓફિસમા પ્રવેશ કરતાં જ પ્રફુલ્લિત વાતાવરણની લહેરખી મને વીંટળાઇ વળી. શાશ્વત- જીવનસંગીતનું મીઠું ગાન સ્વરાંજલિ રુપે ખળ-ખળ વહી રહ્યું હતું. પ્યારી અને મીઠડી સ્વરાંજલિ, દુન્યવી પ્રયાસોનો, મારા અસ્તિત્વનો અલગારી અને પ્રગલ્ભ સેતુ! હા, તે મારો પ્યાર હતી અને મારા પ્રેમાંકુરોને પ્રજ્વલિત કરતી આરાધ્ય!

“અનિક! રાજાની સવારી ક્યાં ચાલી?”
”નવી રાણી આણવા, મારી સુરુરાણી”
”રાજા કેટ-કેટલી રાણીઓને સાચવશે? સુરુરાણીને તો આ ઓફિસ સાચવે છે!”
”એ જ તો રાજાની સમજદારી છે. બધા વ્યવસ્થાપકો બહુ કાબેલ છે ને?”
”અનિક, ચાલ મજાક છોડ. જો, તારા ડેસ્ક પર આજના કામની યાદી મૂકી છે.”
”આભાર, સુરુરાણી.”
”અત્યારે તો સુરુ રાણી નથી પણ દાસી છે.”

પાછું એ જ મર્માળુ સ્મિત!

”આવુ સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાનલેવા છે; પણ શું કરું, મારા દર્દેદિલની એ જ તો એક દવા છે.”
”આઇ લવ યુ, વ્હાલા અનિક. તારા શેર પર તો જાન કુરબાન.”
”કેમ? મારા પર જાન કુરબાન નહિ?”
”લુચ્ચા, જા હવે. કામ કર.”

હું સ્વરાંજલિ ની રાગિણીઓમાંથી ભાગીને પાછો કાર્ય-સમાધિમા પરોવાયો. કામની યાદીમા ખાસ કાઇ ન હતુ. કમ્પ્યુટર તરફ વળીને હું ઇ-મેલ તપાસવા બેઠો. Space.com ના ન્યુઝલેટરમાં એક આકાશી ઘટનાનો નિર્દેશ હતો. આજે રેવતી નક્ષત્રમાં સાત ગ્રહોની યુતિ હતી. રેવતી એટલે Zeta Piscium નક્ષત્ર કે જેમાં સાત ગ્રહોની યુતિ વર્ષો પહેલાં થઇ હતી, ત્યારે કૃષ્ણ ભગવાને દેહત્યાગ કર્યો હતો. વાહ, ફરી એ જ ખગોળીય ઘટના આજે હતી, અને એ પણ યોગાનુયોગ ૧૮ ફેબ્રુઆરીના દિવસે જ! શું આજે કોઇ આધ્યાત્મિક ઘટના થઈ કે થવાની? મેં સ્વને ઓમકારના સમુદ્રમા ભેળવ્યો અને દેહને કામમા પરોવ્યો.


“દાદારાજા. મને ચાંદો લાવી આપો.”
”લવ બેટા. હું કેવી રીતે લાવુ. એ તો કેટલો દૂર છે, અને હું ત્યાં પહોંચું તો પણ એને કેવી રીતે લાવી શકું? મારામા એટલી શક્તિ નથી.”
”દાદારાજા, તમે જ કહેતા હતા કે આપણે ધારીએ તે કરી શકીએ.”
“બેટા, મારામા તો એ ધારવાની પણ શક્તિ નથી.”
”જુઓ હું એને લાવી બતાવુ.”

લવ એનુ ટેલિસ્કોપ લઇ આવ્યો અને મને ચાંદો બતાવ્યો.

”જોયું દાદારાજા. ચાંદો આપણી પાસે આવી ગયો!”
“હા બેટા, હા. હવે કહે. મા ક્યાં છે?”
”કઈ મા?”
”તારી મમ્મી.”
”મારી મમ્મી આ રહી. અને બધાની મમ્મી પણ આ રહી.”
”બધાની મમ્મી?”
”દાદારાજા. કેમ ભૂલી જાવ છો? અંબામા એટલે બધાની મા. એ પણ આ રહી!”

હું, સુરિલી અને પથિક આજુબાજુ જોવા લાગ્યા. લવ ખડખડાટ હસી પડ્યો! મને એનું હાસ્ય માર્મિક લાગ્યુ. મને ત્યારેજ એક શેર યાદ આવ્યો. કોની પંક્તિ છે એ તો હવે સ્મરણ નથી. પણ, મે લલકાર્યુ, ”જ્યાં-જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.”

અને લવ ફરી મર્માળુ બોલ્યો,”દાદારાજાની સવારી ક્યાં જશે?”

મને ૧૮ ફેબ્રુઆરીનો દિવસ યાદ આવી ગયો. મારી સુરુરાણી સાથેનો સંવાદ યાદ આવી ગયો. જાણે, હવે જ પ્રકાશનો આવિર્ભાવ થયો, અને શાશ્વત શાંતિની શોધનો અભ્યુદય થયો!


ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા વિખેરતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધૂમકેતુઓની ધૂમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહિયા કરતાં કૃષ્ણ-વિવરો.
શક્તિનો મહાવિસ્ફોટ કરતાં શ્વેત-વિવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બંધાયેલું વિશ્વ.
શૂન્યમા અનુભવાતી સૂક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્ત્વ.
અફાટ અને વિરાન એકલતામાં અસ્તિત્વનો આભાસ.
દૂર-સુદૂર સમ્ભળાતો ચિર-પરીચિત શાશ્વત શાંતિનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મિઓનું દોલન.
મન વગર દેખાતો અસ્તિત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વિશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નિશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનિનુ શમન.
“અનિક” નામના એક સિધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ!
સ્વગ્રુહે આગમન…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s