મંદિર


#mandir #temple #vedic #religion #hindu #મંદિર

મંદિર – ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત 8696 જ્યેષ્ઠ કૃષ્ણ તૃતીયા શનિવાર

મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પલપલ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે

નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે
-જયંતીલાલ આચાર્ય

મંદિરની આ સુંદર મજાની ભજનરૂપી કવિતામાં રચયિતા શ્રીજ્યંતીલાલે મંદિરની વિભાવના પાછળ રહેલ તત્વજ્ઞાનને સરળ રીતે ગૂંથી લીધું છે.

ભારતના પ્રત્યેક નાના-મોટાં નગરો કે ગામોમાં એકથી વધુ મંદિરો હશે, કે જ્યાં રહેવાસીઓ જે-તે પ્રસંગ કે ઉત્સવની ઉજવણી કરી શકે, અથવા તો માત્ર સવાર-સાંજ દર્શન કરવા જઈ શકે. મંદિરોમાં પણ પ્રસંગાનુરૂપ ભવ્ય ઉજવણીઓ થતી હોય છે. હજારોથી માંડીને લાખોની સંખ્યામાં ભક્તજનોને સમાવી શકતા મંદિરો હોય છે. મંદિરોની અવાક કરી દે તેવી આવક હોય છે.અનેક પ્રકારના દેવ-દેવીઓ અને સંતોના મંદિરોની વળી રચના પણ અનેક પ્રકારની હોય છે. મૂર્તિઓના પણ અનેક પ્રકાર અને અવનવાં શણગાર હોય છે. ભક્તો પોતાના આસ્થારૂપકે નિષ્ઠારૂપ મંદિરને બીજાં મંદિરોથી વિશેષ સ્થાન આપતાં હોય છે. મંદિરોની પોતાની જ સ્થાનિક અર્થવ્યવસ્થા હોય છે; જેમાંથી રુગ્ણાલયો, વિવિધ પ્રકારના દાન, ભોજનાલય, ધર્મશાળાઓ, કચેરીઓ વગેરે ચાલતાં હોય છે. એવું કહેવાય છે કે, અમુક રાજ્યસરકારો મંદિરોની આવક પર નભતી હોય છે.

મંદિરનિર્માણ એક અદ્ભૂત વાસ્તુકલા છે. મધ્યયુગીનથી માંડીને આધુનિક મંદિરોમાં ભવ્યતા ઉડીને આંખે વળગે છે. આ મંદિરોમાં પ્રવેશ કરતાં જ ભક્તજન એ ભવ્યતાને શરણે થઈ જતો હોય છે. આ મંદિરોની અપાર સંપત્તિની કીર્તિ દેશ-વિદેશમાં પહોંચતી હોય છે. ભારતના છેલ્લાં હજાર વર્ષના ઇતિહાસમાં નોંધાયા પ્રમાણે, મુસ્લિમ આક્રમણકારો આ કીર્તિથી ખેંચાઈને લૂંટફાટ મચાવવા આવતાં હતાં. મુસ્લિમ આક્રમણખોરો મંદિરની સંપત્તિ પોતાની સાથે લઇ જતાં અને મંદિરના પ્રતિષ્ઠિત દેવની મૂર્તિ પણ તોડી-ફોડી નાંખતા.

લાખો -કરોડોની આસ્થા અને આશાનું કેન્દ્ર એવું મંદિર અને એના દેવ કે દેવીની આવી જીર્ણશીર્ણ સ્થિતિ જોઈને આપણને નવાઈ લાગે! પ્રશ્ન પણ થાય કે, આ મૂર્તિમાં પ્રતિષ્ઠિત દેવ કે દેવી પોતાનું રક્ષણ પણ નથી કરી શકતાં, તો તેમની આશરે આવેલાં લોકોનું તે વળી કેવી રીતે ભલું કરતાં હશે! તેમના ભકતોજનો ખુલ્લાં શસ્ત્રો સાથે શત્રુ આક્રમણખોરો સામે યુદ્ધમાં ખપી જતાં, અને દેવ/દેવી એ વીરોની પણ રક્ષા નહોતાં કરી શકતાં. શિવલિંગને માથે ફરતા ઉંદરને જોઈને ટંકારાના શ્રીમૂળશંકર અદ્વૈતના ઉપાસક આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા.

મંદિરોની ઐતિહાસિકતા જોઈએ. સરસ્વતિ સંસ્કૃતિના 4500 વર્ષ પુરાણા અવશેષોમાં સાર્વજનિક સ્નાનઘર અને એની બાજુમાં મોટા મહાલય મળી આવ્યાં છે. આપના ઘણાંય મધ્યયુગીન અને આધુનિક મંદિરોમાં સ્નાનગૃહ હોય છે. એટલે, એવું માની શકાય કે, 4500 વર્ષથી ભારતમાં મંદિરો છે. પરંતુ, વેદ અને ઉપનિષદોમાં મંદિરોને બદલે યજ્ઞશાળાનો ઉલ્લેખ છે. ઋષિઓ યજ્ઞશાળામાં હવન કરતાં અને દેવોની સ્તુતિ કરતાં. ઘણાં વૈદિક શ્લોકોમાં વિવિધ દેવતાઓની સ્તુતિનો ઉલ્લેખ છે. વેદકાળમાં ઇન્દ્રની સ્તુતિ પ્રચલિત હતી. ઋષિઓએ ઇન્દ્ર, અગ્નિ, સોમ, મિત્ર, આદિત્ય, વરુણ, મરૂત, અશ્વિનીકુમારો, વિષ્ણુ, રુદ્ર, સરસ્વતીની પ્રશંસા કે સ્તુતિના અનેક શ્લોક રચ્યાં હતાં.ઉપનિષદોમાં બ્રહ્મ અને પ્રાણની ઉપાસના વધુ મહત્વ ધરાવે છે. વળી, ઉપનિષદો શરીરમાં સ્થિત વિવિધ ઇન્દ્રિયો, મન અને પંચ મહાભુતોનું પ્રાણ કે બ્રહ્મના આયામ તરીકે નિરૂપણ કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકે છે. પુરાણોમાં આધુનિક સ્વરૂપમાં પૂજાતાં દેવ, દેવીઓની કથાઓ છે. વળી, આ કથાઓમાં વેદ અને ઉપનિષદના જ્ઞાનને વણી લેવામાં આવ્યું છે. ઇતિહાસ ગ્રંથો મહાભારત અને રામાયણમાં શિવપૂજા, ઇંદ્રપૂજા, આદ્યશક્તિની પૂજા, વિષ્ણુ પૂજાનો ઉલ્લેખ છે.

બૃહદારણ્યક ઉપનિષદના અધ્યાય 3 બ્રાહ્મણ 9માં યાજ્ઞવલ્ક્ય ઋષિ શાકલ્ય વિદગ્ધ ઋષિના પ્રશ્નોના ઉત્તરમાં જણાવે છે કે; અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, દ્યુલોક, ચંદ્ર અને નક્ષત્ર એ આઠ વસુઓ છે. દશ પ્રાણ કે ઇન્દ્રિયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – આ પાંચ વિષયો અને કર્ણ, ત્વચા, ચક્ષુ, જિહવા, નાસિકા એ પાંચ ઇન્દ્રિયો) અને અગિયારમું મન એ અગિયાર રુદ્ર છે. વર્ષના બાર મહિના એ જ બાર આદિત્ય છે. ગર્જના કરતો મેઘ અર્થાત વિદ્યુત એ ઇન્દ્ર છે. અને, પ્રાણી/પક્ષીરૂપી યજ્ઞ એ જ પ્રજાપતિ છે. વળી, વિષ્ણુ એ જ મિત્ર કે આદિત્યરૂપે વેદમાં અભિપ્રેત છે.

ભારતીય દર્શન અને દૈનિક કાર્યસૂચિ આપણા મનિષીઓએ એવી રીતે ગૂંથેલી છે કે, જેમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને કર્મનો ચતુષ્પરિમાણી સમન્વય થઈ માનજીવનના ઉત્કર્ષની કેડી કંડારાય છે. પ્રત્યેક ભારતીય જાણ્યે-અજાણ્યે મનુષ્ય હોવાના ઉચ્ચ ધ્યેયને સિદ્ધ કરી શકે એવા આ સિદ્ધાંતો છે. આજના યુગમાં જો કે મોટાભાગની વૈદિક જીવનપદ્ધતિ ભુલાઈ ગઈ છે.

આ વૈદિક સિદ્ધાંતોના પરિપાકરૂપે મંદિરોનું નિર્માણ કરાતું હતું. મંદિરમાં જઈને બેસનાર વ્યક્તિ આપોઆપ આંતરશોધમાં ઉતરી પડતી. મંદિરની ભૌમિતિક રચના એવી રીતે કરવામાં આવતી કે વ્યક્તિને સહજમાં ધ્યાન લાગી જતું. વળી, દેવ કે દેવીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી જે એ મૂર્તિ સામે બેસનાર વ્યક્તિમાં ભક્તિ જગાવી શકતી. મંદિરમાં પ્રવેશતા પહેલાં સ્નાન કરવું, હળવા ખુલ્લા વસ્ત્રો પહેરવા, આજ્ઞાચક્ર પર અને એની ફરતે ચોક્કસ આકારમાં તિલક કરવું, મંદિરમાં પૂજાની ચોક્કસ વિધિ, હવન, પ્રદક્ષિણા, ભજન, મંત્રોચ્ચાર, આચમન, પ્રસાદ, નમસ્કાર વગેરેની ગૂંથણી એવી હતી કે એ બધાનું પાલન કરનાર વ્યક્તિ પંચ મહાભૂતોનું સ્નાન કરી એ ભૂતોની શુદ્ધિ કરી શકતી.

આપણે સહુ માત્ર જળસ્નાન નિયમિતપણે કરીએ છીએ, પણ મંદિર માટેના શિષ્ટાચારથી જળસ્નાન ઉપરાંત પૃથ્વીસ્નાન, વાયુસ્નાન, અગ્નિસ્નાન અને આકાશસ્નાન થઈ જાય છે. આપણે આ બધી ક્રિયા કરીને આપોઆપ અકર્મક કર્મ કરીએ છીએ જે કર્મબંધનથી મુક્ત કરે છે. વળી, ક્રિયા, ભક્તિ અને કર્મનો આવો ત્રિવેણી સંગમ આપોઆપ જ્ઞાનનો ઉદય કરે છે, અને વ્યક્તિની મુક્તિ અંગેના પ્રવાસમાં ડગલે-ડગલે આગળ વધાય છે.

વૈદિક જીવન પદ્ધતિમાં ગૃહસ્થોને પોતાના જીવન નિર્વાહની પ્રવૃત્તિઓની સાથે-સાથે મુક્તિના ઉચ્ચ આદર્શો સિદ્ધ કરવામાં મંદિરો સહાયરૂપ થતાં. મંદિરો અને દેવ-દેવીની મૂર્તિઓ વૈજ્ઞાનિક પદ્ધતિએ બનેલાં સાધન હતાં. જેવી રીતે ટીવી એક સાધન છે અને એ સાધનની ઉપયોગિતા અસીમ છે. એના ઉપયોગકર્તા પર એની ઉપયોગિતા નિર્ભર હોય છે. અને, એનો સામાન્ય ગુણધર્મ હાલતું-ચાલતું ચિત્ર અને ધ્વનિ પ્રસ્તુત કરવાનો છે, જે સદૈવ રહે છે. ગેસનો સ્ટવ એક સાધન છે. એનો વપરાશ કેવો કરવો અને કેવી રીતે ઉત્તમ વ્યંજન બનાવવા એ અનુભવ પ્રત્યેક વ્યક્તિએ જુદો હોય છે. પરંતુ, એનો એક સામાન્ય ગુણધર્મ છે ઉષ્મા આપવાનો જે કદી બદલાતો નથી. આવા સાધનો પોતે જે હેતુ માટે બન્યાં છે એ સિવાય બીજું કાંઈ કરી ના શકે. એમની રક્ષા એમના અધિપતિએ જ કરવાની હોય. આ જ પ્રમાણે, મંદિરો કે મૂર્તિઓ સાધનો છે જે ચોક્કસ હેતુ પાર પાડવા રચવામાં આવ્યાં છે. આ સાધનો પોતે તો પોતાની રક્ષા ના કરી શકે. એ તેમનો ગુણધર્મ નથી.

તો પછી જે સર્વ વ્યાપક તત્વ બ્રહ્મ છે એ ના કરી શકે? આપણાં શાસ્ત્રો બ્રહ્મને અક્રિય અને દ્રષ્ટા કહે છે. સૃષ્ટિમાં જે સતત ક્રિયાત્મક અને વિધ્વંસક નૃત્ય ચાલે છે, બ્રહ્મ એના માત્ર અને માત્ર દ્રષ્ટા છે! પ્રત્યેક જીવ પોતાના કર્મ માટે સ્વતંત્ર છે. અને, આ સઘળું સૃષ્ટિના નિયમોમાં રહીને જ થાય છે. કોઈ કરતાં કોઈ એમાં દખલ નથી દઈ શકતું! વ્યક્તિએ પોતે જ પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાનું હોય છે. હા, બાહ્ય સાધનો વડે આ ભવિષ્યના નિર્માણ કરવામાં સહાય થતી હોય છે. જેમ કે, વડોદરાથી અમદાવાદ જવું હોય તો પગપાળા જવામાં દિવસો લાગી જાય જયારે ગાડી લઈને જઈએ તો 2 કલાકમાં પહોંચી જઈએ. મંદિરો અને દેવ-દેવીઓને આપણે મુક્તિ માટેના આવા સાધનો જ ગણવા જોઈએ અને તેમનો મહત્તમ સદુપયોગ આપણાં જીવનમાં કરવો જોઈએ! વળી, જેમ પ્રત્યેક વ્યક્તિ બીજાથી અલગ હોય છે તેમ બધાંને માટે સાધનો પણ વ્યક્તિગત હોવા જોઈએ. એટલે મંદિરો અને મૂર્તિઓમાં પણ ભિન્નતા હોય છે. આમાં ઊંચનીચ જોવાને બદલે આપણે ઋષિઓની સૂક્ષ્મદર્શિતાને પ્રણામ કરવાં જોઈએ. પ્રાથમિક શિક્ષણ માટે અને ઉચ્ચતર શિક્ષણ માટે એકસરખાં પાઠ્ય પુસ્તકો ના ચાલે!

આધુનિક મંદિરોના નિર્માણમાં આપણે વૈદિક વિજ્ઞાનને પાછું લાવીએ. જ્ઞાન, ક્રિયા, કર્મ, અને ભક્તિનો સમન્વય સાધી માનવ ઉત્કર્ષ પામે એ હેતુ સિદ્ધ કરીએ.

ૐ તત સત !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s