ભગવાન છે? – ચિરાગ પટેલ ૮૬૯૭ ફાલ્ગુન ૧૨ શુક્લ ૨૦૨૨ માર્ચ ૧૫
ભગવાન છે? નથી? છે તો કેવા છે? કોઈ પુરાવો? કોઈ અનુભવ? અનુભવ છે તો એ ભ્રમ માત્ર નથી ને? નથી તો આ બધુ કેમનું ચાલી રહ્યું છે? નથી તો જીવન કેવી રીતે સમજાવી શકાય? આ સર્વે પ્રશ્નો મનુષ્ય પોતાનું અસ્તિત્વ જાણતો થયો ત્યારથી કરતો રહ્યો છે. ઋષિઓ, વૈજ્ઞાનિકો, દાર્શનિકો તો ઠીક સામાન્ય વ્યક્તિ પોતે પણ આ પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે સમજતો/આપતો રહ્યો છે.
વૈદિક માન્યતા પ્રમાણે નીચે પ્રમાણે ચાર વર્ગમાં સર્વેને વહેંચી શકાય:
આસ્તિક – વેદમાં માનનાર અને ઈશ્વરના સ્વરૂપને નકારનાર
નાસ્તિક – વેદથી અજ્ઞાત અને ઈશ્વરના સ્વરૂપને માનનાર
શૈશ્વર – વેદ અને ઈશ્વરના સ્વરૂપમાં માનનાર
નિરીશ્વર – વેદ અને ઈશ્વરને નકારનાર
આ વર્ગીકરણ પ્રમાણે મોટાભાગના લોકોને નાસ્તિક કહી શકાય. અમુક સર્વેક્ષણ પ્રમાણે નિરીશ્વર વર્ગે હવે સારું એવું કાઠું કાઢ્યું છે.
બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૩ બ્રાહ્મણ ૯માં ઋષિ યાજ્ઞવલ્ક્ય અને શાકલ્ય વિદગ્ધની દેવતાઓ અંગે ચર્ચા છે. એ પ્રમાણે, દેવતાઓ કુલ ૩૩ છે: ૮ વસુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ઈન્દ્ર, પ્રજાપતિ. સંપૂર્ણ જગત જેમાં સમાયું છે એ વસુઓ. ૮ વસુઓ: અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય (સૂર્ય), દ્યુલોક, ચંદ્ર અને નક્ષત્રો. જેના જતાં રહેવાથી સર્વે રડે એ રુદ્ર. ૧૧ રુદ્ર: શરીરમાં રહેલ દશ પ્રાણ (૧૦ ઇન્દ્રિયોમાં રહેલા), અને આત્મા. બધાંને ધારણ કરનાર આદિત્ય કહેવાય. ૧૨ આદિત્ય: વર્ષના બાર માસ. ગર્જના કરતો મેઘ અર્થાત વિદ્યુત એ ઈન્દ્ર. યજ્ઞ અર્થાત સર્વે પશુ એ પ્રજાપતિ. આ સર્વે દેવતાઓ વેદના દેવતાઓ છે. હું ઉપનિષદની આ ચર્ચા સાથે સંપૂર્ણ સહમત નથી. સોમ, ત્વષ્ટા, ત્રિવિક્રમ વિષ્ણુ, દેવમાતા અદિતી, અશ્વિનીકુમારો વગેરે દેવતાઓ પણ વેદોમાં છે. વળી, વેદોમાં બ્રહ્મ પણ છે. આ વિષે ચર્ચા આપણે અન્ય કોઈ વાર કરીશું. હાલ પૂરતું એટલું કહીશ કે પ્રકૃતિના આ સર્વે તત્વો ઈશ્વરની અભિવ્યક્તિ છે, જેમ કોઈ અભિનેતા એક જ ચિત્રપટમાં એકથી વધુ ચરિત્રો એકસાથે નિભાવતો હોય!
મોટે ભાગે યોગકુંડલયુપનિષદમાં કે યોગરાજ ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે કે, ઈશ્વરના વિવિધ સ્વરૂપો જન સામાન્યની સગવડ માટે કરાયેલી કલ્પનાઓ છે. મૂળ તત્વને કોઈ જાણી શકતું નથી એટલે ત્યાં સુધી પહોંચવામાં સહાયરૂપ થાય એવા એ સાધનો છે. આ જગતમાં રહેલ પ્રત્યેક વ્યક્તિનો પોતાનો ઈશ્વર પોતે કરેલી કલ્પના પ્રમાણેનો હોય છે. કોઈ બે વ્યક્તિ ભલે કૃષ્ણના ભક્ત હોય, તેમની કલ્પનાના કૃષ્ણ અલગ જ રહે છે. ભલે આ ઈશ્વરની કલ્પના માત્ર હોય, એ એવું બળૂકું સાધન છે જે છેવટે તો અંતિમ શાશ્વત સત્યની અનુભૂતિ કરાવીને જ જંપે છે. શબ્દો કે અનુભવો એ સત્યને જાણવામાં ટૂંકા પડે! આંધળા વ્યક્તિઓ કોઈ હાથીને સ્પર્શ કરે તો એ પ્રત્યેકના હાથી અંગેના વર્ણનો અલગ જ રહે! વળી, આ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે એમ લવણની પૂતળી મહાસાગરની ઊંડાઈ માપવા નીકળી જેવો ઘાટ છે!
યોગ વાસિષ્ઠ કહે છે કે, ઈશ્વર કેવા છે એ આપણે જાણી ના શકીએ કારણ કે આપણે એના કલ્પના વિશ્વમાં અસ્તિત્વ ધરાવીએ છીએ! આપણે સ્વપ્ન જોઈએ અને એમા જે પાત્રો અસ્તિત્વ ધરાવે એવું. પાત્ર માત્ર અભિનય કરી શકે, એ પોતે જેના સ્વપ્નનો ભાગ છે એને જાણી ના શકે! તો આપણે પ્રાર્થના, પૂજા, યજ્ઞ વગેરે કરીએ છીએ એનું શું? આપણે એ બધા કર્મોના શુભ પરિણામ જોઈ અનુભવી શકીએ છીએને. હા, એ બધાં શુભ કર્મોની અસર આપણે અનુભવીએ છીએ અને આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બનાવીએ છીએ. આ બધું પ્રાકૃતિક નિયમો પ્રમાણે થાય છે. આધુનિક વિજ્ઞાન કે ક્વોન્ટમ વિજ્ઞાન આ નિયમો સમજાવી શકે છે. ક્વોન્ટમ સ્થિતિ એવું કહે છે કે કોઈ એક ક્ષણે અનંત શક્યતાઓ અસ્તિત્વ ધરાવે છે. સ્થિતિને જોનાર પોતે શું જોવા માંગે છે એ પ્રમાણે કણની હવે પછીની સ્થિતિ નક્કી થાય છે. એટલે કે, દ્રષ્ટા પોતે જે ઈચ્છે છે એ પ્રમાણે પદાર્થના કણની ભવિષ્યની સ્થિતિ એ કણ નક્કી કરે છે! આ કેવી રીતે થાય છે એની આછી પાતળી સમજ લેવી હોય તો એવું સમજો કે બધું એક જ છે. અલગ હોવું એ ભ્રમ માત્ર છે. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શિત કણ અલગ નથી, એક છે, માત્ર અલગ હોવાનો દ્રષ્ટાને ભ્રમ થાય છે. એટલે, ઈશ્વરમાં માનીએ કે ના માનીએ; ઈશ્વર, આપણે અને આ દ્રશ્ય જગત અલગ નથી!
વળી, ક્વોન્ટમ વિજ્ઞાનનો અન્ય એક નિયમ છે કે કોઈ એક ઉદગમમાંથી ઉદ્ભવતા કણ વિશ્વમાં ગમે તેટલા અંતરે રહેલાં હોય તો પણ એકની પરિસ્થિતિ બીજાને તત્કાળ અસર કરતી હોય છે. વિજ્ઞાન અને ઉપનિષદો માને છે કે આ સમગ્ર વિશ્વ બ્રહ્માંડના મહા વિસ્ફોટથી રચાયેલું છે. સમગ્ર જીવ સૃષ્ટિ પણ આ જ વિશ્વનો ભાગ છે. એનો અર્થ એ થયો કે, વિશ્વના બધાં પદાર્થ એકબીજા સાથે સંકળાયેલા છે અને એકને અનુભવાતી કોઈ ઘટના કે પરિસ્થિતિની અસર અન્ય સર્વેને લાગુ પડે છે. ઋષિઓએ જે બધી પૂજાવિધિ, યજ્ઞ વગેરે વિધિઓ શોધી છે એ તેમના અનુભવોથી સિધ્ધ એવી પધ્ધતિઓ છે જે શુભ અસરો જન્માવી શકે. અને એ માટે કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી, એ બધુ જ ક્વોન્ટમ વિજ્ઞાન સમજાવે છે એવા પ્રાકૃતિક નિયમો અનુસાર જ થાય છે. એટલે જે નિરીશ્વરવાદી છે એ ઈશ્વરનો નકાર કરીને પણ પૂજા, યજ્ઞ વગેરે કરી એનો લાભ મેળવી શકે છે! એવું ન કરવું હોય તો પણ એક સારા મનુષ્ય બની સમગ્ર સૃષ્ટિ પર શુભ અસરો તો જન્માવી જ શકે છે. નિરીશ્વરવાદી માટે તો પ્રકૃતિના નિયમો એ જ ઈશ્વર જેવુ કઈક. એ અસત્ય સહેજે નથી. સ્મરણ છે? દ્રશ્ય, દ્રષ્ટા, દ્રષ્ટ એક જ છે! આકૃતિ અને પ્રકૃતિમાં કોઈ ભેદ નથી!
તો આપણે ઈશ્વરને કદી જાણી ના શકીએ? વિજ્ઞાન તો હજુ એ માટે કોઈ સમજૂતી નથી આપી શક્યું. આ ભ્રમ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ ભ્રમ કેવી રીતે ભાંગી શકાય એ વિજ્ઞાન નથી જાણતું. આપણાં ઉપનિષદો કહે છે કે, ધ્યાન કરો. ધ્યાન એ આ ભ્રમને તોડવાની ચાવી છે. પણ, એ માટેનું પ્રાથમિક પગથિયું એટલે ઈશ્વરની વિવિધ કલ્પનાઓ!
મારો અભિપ્રાય હવે આપી જ દઉં! હું ઈશ્વરના અસ્તિત્વમાં સ્પષ્ટ છું, માનુ છું. મારી કલ્પનાનો ઈશ્વર આદ્યશક્તિ પરાશક્તિ જગદજનની મા અંબા છે. હું તેનું શરણ માંગુ છું. પછી, જે સત્ય હોય એ બતાવવાનો/સમજાવવાનો ભાર મારા એ સાધનને માથે!
ૐ તત્ સત્!