ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૨ – ચિરાગ પટેલ – ૨૦૨૨ ફેબ્રુઆરી ૨૫
उ. १३.२.५ (१४४८) इन्द्राय सोम पातवे मदाय परि षिच्यसे । मनश्चिन्मनसस्पतिः ॥ (असित काश्यप / देवल)
આ સોમ મનમાં, રમણશીલ મનના અધિપતિ બનેલા ઇન્દ્રના સેવન માટે, એમના આનંદ વધારવા નિમિત્તે સંસ્કારિત બનીને પાત્રમાં એકઠો થાય છે.
આ શ્લોકમાં ઋષિ ઈન્દ્રને મનના અધિપતિ કહે છે. વળી, સોમરસ મનના આનંદ વધારવા માટે નિમિત્ત બને છે એવો અહી ઉલ્લેખ છે. ઘણાં શ્લોકના સંદર્ભ જોઈએ તો જણાશે કે સોમરસને ભાંગ ગણી શકીએ. વૈશ્વિક ફોટોનના પ્રવાહરૂપે પણ સોમરસને આપણે આ શ્લોકના સંદર્ભમાં ગણી શકીએ છીએ. વળી, ઈન્દ્ર એટલે મન એવું પણ આ શ્લોક પરથી પ્રતીત થાય છે.
उ.१३.२.८ (१४५१) नव यो नवतिं पुरो बिभेद बाह्वोजसा । अहिं च वृत्रहावधीत् ॥ (सुकक्ष आङ्गिरस)
પોતાના બાહુબળથી શત્રુના નવ્વાણું રહેઠાણોનો નાશ કરનારા અને વૃત્રનો નાશ કરનારા ઈન્દ્ર અમને પ્રિય ધન આપો.
આ શ્લોકમાં નવ્વાણું અંક છે, જે સામવેદ કાળમાં ચોક્કસ ગાણિતિક વ્યવસ્થાનો નિર્દેશ કરે છે. આ શ્લોકમાં વૃત્રનો ઉલ્લેખ છે. આવા અનેક શ્લોકના સંદર્ભથી જણાય છે કે, ભારત ભૂમિની પૌરાણિક ભૌગોલિક રચનામાં હિમાલયની પર્વતમાળાનું સર્જન એક મહત્વની પ્રક્રિયા છે. ઇન્દ્રને જો ગર્જના કરતાં મેઘ સ્વરૂપે જોઈએ તો સમજાશે કે વીજળીરૂપી વજ્ર દ્વારા નવ્વાણું જેટલી પર્વતની ટોચરૂપ વૃત્રનો નાશ કરનારા એ ઈન્દ્ર છે. શરીરમાં વિવિધ પ્રતિરોધકશક્તિરૂપી વૃત્રનો નાશ મનરૂપી ઈન્દ્ર ચૈતનીરૂપી વજ્ર દ્વારા કરે છે એવું પણ આપણે માની શકીએ.
उ.१३.३.२ (१४५४) विभ्राड् बृहत्सुभृतं वाजसातमं धर्मं दिवो धरुणे सत्यमर्पितम् । अमित्रहा वृत्रहा दस्युहन्तमं ज्योतिर्जज्ञे असुरहा सपत्नहा ॥ (विभ्राट् सौर्य)
વિશેષ તેજયુક્ત, મહાન, ઉત્તમ પોષક, અન્ન અને બળ આપનાર, ધર્મ વડે આકાશને ધારણ કરનાર, શત્રુનાશક, વૃત્ર સંહારક, દુષ્ટો અને રાક્ષસોના સંહારક સૂર્ય પોતાનો પ્રકાશ વિસ્તારે છે.
આ શ્લોકમાં ઋષિ विभ्राट् सौर्य સૂર્યને પોતાના ધર્મ વડે આકાશને ધારણ કરનાર ગણાવે છે. એ સમયમાં સાત ગ્રહો, બે છાયા ગ્રહો અને ચંદ્ર એ મુખ્ય અવકાશી પદાર્થો ગણવામાં આવતાં હતાં. એ સર્વેના કેન્દ્રમાં સૂર્ય છે અને સૂર્ય એ સર્વેને પોતાની ધારક શક્તિથી એકઠાં રાખે છે. કેટલું અગત્યનું અવલોકન! વળી, ઋષિ અહી સૂર્યને વૃત્રના સંહારક કહે છે. અત્યાર સુધી ઇન્દ્રને વૃત્રના સંહારક તરીકે ગણતાં શ્લોક આપણે જોઈ ગયા છીએ. વૃત્ર અર્થાત પર્વતની ટોચ અને ત્યાં રહેલ હિમ સૂર્યના પ્રકાશથી પીગળે એટલે નદી વહે અને બધાંને જળની પ્રાપ્તિ થાય. એટલે, સૂર્ય પણ વૃત્રના સંહારક છે. બીજાં અર્થમાં, શરીરની પ્રમાદ વગેરે વૃત્ર જેવી વૃત્તિઓને સૂર્યનો પ્રકાશ દૂર કરે છે એમ પણ ગણી શકાય.
उ.१३.३.३ (१४५५) इदंश्रेष्ठं ज्योतिषां ज्योतिरुत्तमं विश्वजिध्दनजिदुच्यते बृहत् । विश्वभ्राड् भ्राजो महि सूर्यो दृश उरु पप्रथे सह ओजो अच्युतम् ॥ (विभ्राट् सौर्य)
આ સૂર્ય જ્યોતિ, અનેક જ્યોતિઓની જ્યોતિ, ઉત્તમ વિશ્વ વિજયિની છે. આ પ્રકાશમાન સૂર્ય ધનનો વિજેતા, મહાન સામર્થ્યવાન, સંપૂર્ણ વિશ્વના પ્રકાશક, અવિનાશી, ઓજસ્વી, બળને પ્રસરાવે છે.
આ શ્લોકમાં ઋષિ સૂર્યની જ્યોતિ સમગ્ર વિશ્વની જ્યોતિઓના મૂળ તરીકે ગણાવે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા અગ્નિનું મૂળ સૂર્ય છે, પૃથ્વીની પદાર્થસૃષ્ટિ અને જીવસૃષ્ટિ પણ સૂર્યને જ આભારી છે. પૃથ્વી પરથી દેખાતા મુખ્ય અવકાશી પદાર્થોને પ્રકાશિત કરનાર પણ સૂર્ય છે.