એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016
હું મારા જીવનની અગત્યની ઘટનાઓની ઘટનાઓની નોંધ કરી રાખતો હોઉં છું. આજે જે ઘટનાનું વર્ણન કરવાનો છું એ કોઈ કારણસર મેં નોંધી નથી! વળી, આ ઘટનાને લગભગ દોઢ વર્ષ વીતી ગયું પછી એ આજે જણાવી રહ્યો છું!
સદ્ ગુરુ શ્રી જગ્ગી વાસુદેવની ઈનર એન્જીનીયરીંગ કોર્સમાં બતાવેલી ઈશા ક્રિયાનો અભ્યાસ મેં એપ્રિલ 25, 2015ને શનિવારે શરુ કર્યો. એ ક્રિયા સળંગ 45 દિવસ કરવાની હોય છે. કદાચિત 15માં દિવસે એટલે કે 10મી મે શનિવારે મને આ અનુભવ થયો હશે એવું હું અનુમાન કરું છું.
વહેલી સવારે ઉઠી મેં પારુલ સાથે ફેસટાઈમ પર વાત કરી. એ સમયે પારુલ અને સ્વરા વડોદરા હતાં.ત્યારબાદ સૂર્યનમસ્કાર અને બીજી કસરતો કરી ન્હાયો. પછી મેં ઈશા ક્રિયા કરી અને પૂજા કરી. હું એ સમયે ટ્રાવેલોજ મૉટેલ પર હિનાભાભીના મમ્મી-પપ્પા સાથે રહેતો હતો. વૃંદ ભારતથી પાછો આવી ગયો હતો પણ એ આયોવામાં પ્રિતેશભાઈ સાથે રહેવા ગયો હતો.
પૂજા કરીને હું નીચે ગયો અને દૂધ-નાસ્તો કરી એમ.આર.આઈ. માટે લૅકવુડ હૉસ્પિટલ જવા ગાડીમાં બેઠો.ગાડી શરુ કરી પહેલી ટ્રાફિક લાઈટ આવી ત્યાં તો જાણે મારુ વિશ્વ જ બદલાઈ ગયું. ટ્રાફિક લાઇટથી આગળ દેખાતો સળંગ રસ્તો મારી અંદરથી બહાર નીકળી રહ્યો હતો. આસપાસની દુકાનો, રસ્તે ચાલતાં માણસો, વૃક્ષો, હવા, આકાશ, વાદળો, સૂર્ય, ટ્રાફિક લાઈટ, વાહનો બધું જ મારી સાથે જોડાયેલું હતું અને મારી અંદરથી જ બધું પ્રવાહિત થઈ બહાર નીકળી રહ્યું હતું. સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ માત્ર અને માત્ર મારે માટે હતું અને મારા માટે જ હતું! ગાડી એની મેળે ચાલતી રહી અને હું હોસ્પિટલ પહોંચ્યો. આ અનુભવ લગભગ બે દિવસ સુધી રહ્યો.
આ અનુભવ બાદ ઘણીવાર મારી આસપાસની સૃષ્ટિ મને બહુ પોતિકી લાગી છે. ઘણીવાર તો આકાશમાં દેખાતા સૂર્યને પકડીને વ્હાલ કરવાની ઈચ્છા થઈ આવી છે! ઘણીવાર ધ્યાનમાં શરીર અને મન ઉપરાંતનું મારું અલગ અસ્તિત્વ અનુભવાયું છે. મારા અનુભવને હું એકથી અનેક થવાની પ્રક્રિયાનો અનુભવ હું ગણાવું છું. એને અનેકમાં રહેલી એકતાનો અનુભવ પણ કહી શકાય. આજના લેખનું મેં શીર્ષક આપ્યું છે – એક અનેક એક શૂન્ય. એક અને અનેકનો અનુભવ મને થઈ ગયો અને થતો રહ્યો છે. હવે, એકમાંથી શૂન્યનો અનુભવ મેળવવા પ્રયત્નશીલ છું.
અસ્તુ. ૐ તત સત!