રોશની – ચિરાગ પટેલ ડીસેમ્બર 19, 2015
એકલતાના અન્ધારે
પ્રેમનાં સ્વપ્ન આન્જે “રોશની”;
પીડાના અવકાશે
લાગણીની રન્ગોળી પૂરે “રોશની”.
નિરાશાના વમળમાં
જીવન નૈયા સાચવે “રોશની”;
દુઃખની ગર્તામાં
આશાની નિસરણી ગોઠવે “રોશની”.
અડચણોના કાંટા વચ્ચે
હૂંફના ફૂલ ખીલવે “રોશની”;
ઘવાયેલા અશાન્ત હૈયે
સ્પર્શના લેપ લગાવે “રોશની”.
અતૃપ્ત સ્વપ્નો ઝૂલતાં મારી પલકોમાં,
અમીનજરોના પ્યાલાં ભરે “રોશની”.
હૈયાની સૂની ડાળો પાનખરમાં બોખું હસતી,
અધરોના આલાપે વસન્ત લાવે “રોશની”
જીવનના રેતાળ મહાસાગરે આન્ધી ઉઠતી,
અખિલ બ્રહ્માન્ડ ભર્યાં નાદે વરસે “રોશની”