ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (Internet of Things, IoT)


ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (Internet of Things, IoT) – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૨૦, ૨૦૧૬

વિજય પટેલ આજના યુગનો એક ભણેલો યુવાન ખેડૂત છે. તે આજની વૈજ્ઞાનિક પધ્ધતિઓ પર આધારિત ખેતી કરે છે. પોતાના એક ખેતરમાં તેણે શાકભાજીઓ ઉગાડવા ગ્રીનહાઉસ બનાવડાવ્યું છે. હવે, આ ગ્રીનહાઉસમાં પાણીનું નિયમન કરવા માટે અને ઠંડીમાં અંદર ગરમ વાતાવરણ રહે એ માટે વિજયે એક સાધન મૂક્યું. એ સાધનને આપણે “ઉર્જા” નામ આપીએ. “ઉર્જા”માં ચાર ઇલેક્ટ્રીક સૉકેટ, એક ભેજ માપવાનું સેન્સર અને એક તાપમાન માપવાનું સેન્સર છે. “ઉર્જા”ને વિજયે ૩જી સીમકાર્ડ પર ચાલતા મોડેમ સાથે જોડી દીધું. “ઉર્જા” મોડેમ દ્વારા ઈન્ટરનેટ સાથે સંકળાયેલું રહે છે. વિજય પોતાના ઘરેથી “ઉર્જા”ની સંચાલક સાઈટ પર જઈ, પોતાના લૉગ-ઈન વડે “ઉર્જા”ના દરેક સૉકેટને અલગ-અલગ સમયે ચાલુ-બંધ કરવાનું સમયપત્રક બનાવી દીધું. વળી, ગ્રીનહાઉસના આંતરિક તાપમાનમાં અમુક ફેરફારો થાય તો “ઉર્જા” એ મુજબ હીટર ચાલુ કે બંધ કરે એવો નિયમ બનાવી દીધો. “ઉર્જા” માટીમાં ખોડેલા ભેજમાપક વડે યોગ્ય રીતે પાણીનો પ્રવાહ ચાલુ-બંધ કરે એવો નિયમ પણ વિજયે બનાવી દીધો. “ઉર્જા” આ બધાં નિયમો અને સમયપત્રક મુજબ અવિરત કાર્ય કર્યા કરતું હતું. વિજય અમુક અમુક દિવસે પોતાના ફૉનમાં “ઉર્જા”ની તાજેતરની માહિતી જોઇ લેતો. એક્વાર ચોમાસામાં ખેતરમાં પાણી ભરાયું હતું. એ જ વખતે, વિજય બહારગામ હતો. “ઉર્જા”ની તે સમયની માપણી મુજબ તેને ખ્યાલ આવી ગયો કે, પાણી હજુ ઉતરવનાં ન્હોતાં. પોતાના ફૉન વડે વિજયે ગ્રીનહાઉસના બધાં વીજળીક સાધનો “ઉર્જા”ની મદદથી બંધ કરી દીધાં!

ઉપર જે લખ્યું એ કાલ્પનિક પ્રસંગ નથી. હકિકતે, આ રીતનું સાધન કે જે ઈન્ટરનેટથી વેબસાઈટ પર જઈને કે સ્માર્ટફૉન વડે સંચાલિત થઈ શકે, ઉપલબ્ધ છે. આ શક્ય બન્યું છે, ઈન્ટરનેટ ઑફ થીંગ્સ નામની ટેકનોલૉજીના કમાલથી. એના માટે વધુ જાણીતો શબ્દ છે, આઈઑટી (IoT).

આપણે જે સાધનો કે ઉપકરણો રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એ દરેક ઈન્ટરનેટ વડે જોડાઈ શકે છે અને આપણે એમની તાજેતરની સ્થિતી જોઈ શકીએ છીએ. ઘરનું દરેક વીજળીથી ચાલતું ઉપકરણ નજીવા ખર્ચે ઈન્ટરનેટનો સ્પર્શ પામી જીવંત થઈ ઉઠે છે! આપણે આ ટેકનોલૉજીને સમજવાનો પ્રયાસ કરીએ.

કેવિન ઍશ્ટન નામનાં ઉદ્યોગ સાહસિકે સહુપ્રથમ ઈન્ટરનેટ ઑફ થિંગ્સ શબ્દનો પ્રયોગ કર્યો હતો. વ્યાપક વ્યાખ્યા મુજબ, કોઈ પણ ઉપકરણ, વાહન, મકાન કે અન્ય સાધનો પોતાનાં ઈલેક્ટોનિક્સ, સૉફ્ટવેર અને અનેક સેન્સરો વડે નેટવર્કના માધ્યમથી એકબીજા સાથે માહિતીની આપ-લે કરે તો એ સમગ્ર પ્રક્રિયા જે-તે ઉપકરણ, વાહન વગેરેને ઈન્ટરનેટ ઑફ થિંગ્સમાં વર્ગીકૃત કરી શકાય. જ્યારે IoT સાધન પોતાના સેન્સર વડે સ્વિચ કે ઍક્ચુઍટરનું સંચાલન કરે તો એને વધુ બહોળા સાયબર ફિઝીકલ સિસ્ટમ (Cyber-physical system) કે સીપીએસ(CPS) વર્ગમાં મૂકી શકાય. સીપીએસમાં સ્માર્ટ ગ્રીડ, સ્માર્ટ હૉમ, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપૉર્ટ, સ્માર્ટ સીટી વગેરેનો પણ સમાવેશ થાય છે. (વિકીપિડીયા મુજબ)

આઈઓટીના અમુક ઉદાહરણો જોઈએ.
૧. સૉનસનાં પ્લૅઃ૫ સ્પીકર – આ સ્પીકરમાં વાઈફાઈન= છે જેનાથી વિશ્વનાં ૧૦,૦૦૦ ઉપરાંત મફત ઉપલબ્ધ રેડિયો સ્ટેશન સાંભળી શકાય છે.
૨. ફૂબૉટનું પ્રદુષણ માપક – હવાની ગુણવત્તા માપતું આ સાધન વાઈફાઈ મારફત ઈન્ટરનેટ સાથે સંકળાઈ સ્માર્ટફૉન પર સંદેશો મોકલી શકે છે.
૩. સૅમસંગનો ગૅલેક્સી સ્ક્રીન – ઈન્ટરનેટથી જોડાઈ શકતો આ સ્ક્રીન વપરાશકર્તાને કૅબલ કે ડીશ વિના મૂવી કે ટીવી શો બતાવી શકે છે.
૪. લૉજી સર્કલનો વાઈફાઈ કૅમેરા – આ કૅમેરા કોઈ પણ વાયર વગર ઈન્ટરનેટ સાથે જોડાઈ સ્માર્ટફૉન પર જીવંત પ્રસારણ કરી શકે છે.
૫. જૂનનું ઑવન – સ્માર્ટફૉન વડે સંચાલિત થઈ શકતું ઑવન

૬. ઍપલની ઘડીયાળ – ઍપલ વૉચ વિશે તો બધાને ખબર છે.
૭. લુટ્રૉન કસેટા – સ્માર્ટ હૉમ શ્રેણીમાં આવતી આ કીટ લૅમ્પને સ્માર્ટફૉન વડે સંચાલિત કરી આપે છે.

આવા તો અઢળક ઉદાહરણો ગૂગલમહારાજ તમારી આંગળીના સ્માર્ટ ઇશારે લાવી આપશે. આગામી સમયમાં આપણે ક્રમબદ્ધરીતે આઈઓટીની ટેકનોલૉજી સમજીશું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s