ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૧ – ચિરાગ પટેલ – ૨૦૨૨ જાન્યુઆરી ૧૧
उ.१२.६.४ (१४२९) यज्जायथा अपूर्व्य मघवन्वृत्रहत्याय । तत्पृथिवीमप्रथयस्तदस्तभ्ना उतो दिवम् ॥ (नृमेध/पुरुमेध आङ्गिरस)
હે આદિપુરુષ ઈન્દ્ર! શત્રુઓના વિનાશ માટે તમે પ્રગટ થાવ્ છો. ત્યારે આપના પ્રભાવથી ભૂમિ દૃઢ બની અને દ્યુલોક સ્થિર બન્યો.
उ.१२.६.५ (१४३०) तत्ते यज्ञो अजायत तदर्क उत हस्कृतिः । तद्विश्वमभिभूरसि यज्जातं यच्च जन्त्वम् ॥ (नृमेध/पुरुमेध आङ्गिरस)
હે ઈન્દ્ર! આપના પ્રગટ થવાના સમયથી જ શ્રેષ્ઠ યજ્ઞકર્મોની ઉત્પત્તિ થઈ છે. દિવસનો નિયામક સૂર્ય સ્થાપિત થયો. ઉત્પન્ન થયેલા અને ભવિષ્યમાં ઉત્પન્ન થયેલા બધા જ પ્રાણીઓ આપના વશમાં છે.
उ.१२.६.६ (१४३१) आमासु पक्वमैरय आ सूर्यंरोहयो दिवि । घर्मं न सामन्तपता सुवृक्तिभिर्जुष्टं गिर्वणसे बृहत् ॥ (नृमेध/पुरुमेध आङ्गिरस)
હે ઈન્દ્ર! બાળકના જન્મ પહેલાં આપે જ યોગ્ય દૂધ ઉત્પન્ન કર્યું. આકાશમાં સૂર્ય સ્થાપિત કર્યો. જે રીતે યાજક યજ્ઞને પ્રગટ કરે છે, એવી રીતે સ્તુતિઓ કહી ઈન્દ્રનો હર્ષ વધારો, બૃહદ સામનું ગાન કરો.
ઉપરોક્ત ત્રણ શ્લોકમાં ઋષિ નૃમેધ કે પુરૂમેધ આંગિરસ પૃથ્વીની પ્રારંભિક સ્થિતિ અંગે જણાવે છે. ઈન્દ્ર એટલે કે વર્ષા કરનાર મેઘ જ્યાં સુધી પૃથ્વી પર નહોતા ત્યાં સુધી પૃથ્વીનું ઉપરનું પડ લાવાનું બનેલું હતું અથવા એ પોપડો રગડા જેવો હતો. જ્યારે વર્ષાના વાદળો બંધાયા અને વૃષ્ટિનો પ્રારંભ થયો પછી જ એ પોપડો ઠર્યો અને કઠણ ભૂમિની રચના થઈ. વળી, વાતાવરણ પણ એ પહેલાં શુક્ર કે ગુરુ ગ્રહ પરના હાલના વાતાવરણ જેવું તોફાની હતું. ઈન્દ્રરૂપી મેઘોની ઉત્પત્તિ પણ સ્થિર વાતાવરણ માટે કારણરૂપ બની એમ ઋષિ કહે છે.
ભૂમિ ઠરી, વાતાવરણ સ્થિર થયું અને ત્યાર પછી યજ્ઞો રૂપી જીવસૃષ્ટિનો ઉદ્ભવ શક્ય બન્યો! જ્યાં સુધી વાતાવરણ સ્થિર નહોતું ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વીની જીવસૃષ્ટિ માટે યોગ્ય રીતે મળતો નહતો. એટલે, એવું ચોક્કસ કહી શકાય કે સંપૂર્ણ જીવ સૃષ્ટિનો ઉદ્ભવ અને ભાવિ ઈન્દ્રરૂપી મેઘોને જ આભારી છે.
ઋષિ નૃમેધ/પુરૂમેધ આંગિરસને શત શત વંદન! પોતાના સમયના કરોડો વર્ષ પહેલાંની પૃથ્વી અને વાતાવરણની સ્થિતિ તથા જીવસૃષ્ટિના ઉદ્ભવ અંગેનું આવું સચોટ જ્ઞાન ઋષિને કેવી રીતે થયું???