બુદ્ધનું મન


બુદ્ધનું મન – ચિરાગ પટેલ મે 04, 2015

મિત્ર ધરમ સાથે બુદ્ધના વિચારો બાબતે ચર્ચા થઇ અને તેની પ્રેરણાથી આજનો લેખ લખી રહ્યો છું. બુદ્ધના જીવન કરતા તેમની શિક્ષા પર મારો લેખ કેન્દ્રિત છે.

વિદ્વાનો બુદ્ધના મત વિષે એકમત નથી! એનું કારણ એ કે બુદ્ધના સિદ્ધાન્તો કે શિક્ષા મૂળરૂપે સચવાયા નથી. ભારતની દરેક પરમ્પરાને આ તકલીફ નડી છે. કયાંતો બધું નષ્ટ કરી દેવામાં આવ્યું છે અથવા એમાં ભેળસેળ થઇ ગઈ છે.

બુદ્ધનો મૂળભૂત સિદ્ધાન્ત “ધ્યાન”નો છે. (ધ્યાન આપજો) આત્મોદ્ધાર કે નિર્વાણ માટે બુદ્ધના માટે “ધ્યાન” એકમાત્ર ચાવી છે. “પ્રથમ ધ્યાન”માં યોગી પોતાની વાસનામય વૃત્તિઓને કાબુમાં લઇ દોષથી બંધાતો નથી. “દ્વિતીય ધ્યાન”માં યોગી મનમાં ઉઠતાં વિચારો અને તરંગોને સ્થિર કરી શાન્ત અને સ્વ-અસ્તિત્વને વિચારોથી મુક્ત કરે છે. “તૃતીય ધ્યાન”માં યોગી સ્થિર, સંપૂર્ણ જાગ્રત અને સાવધ બને છે; અને શરીરની ઇન્દ્રિયોને અનુભવે છે. “ચતુર્થ ધ્યાન”માં યોગી આનંદ અને પીડાથી મુક્ત થઇ સ્થિતપ્રજ્ઞ અને પૂર્ણ જાગ્રત બને છે. બુદ્ધ આ ચતુર્થ ધ્યાન વડે આંતરિક મુક્તિથી “બોધિ” થયા હતા.

પોતાના જીવનકાળ દરમ્યાન બુદ્ધ આધ્યાત્મિક પ્રશ્નો વિષે મૌન રહ્યા હતા. ઈશ્વર છે કે નહિ, વિશ્વ અનન્ત છે કે સાન્ત, આત્મા અને શરીર, નિર્વાણ કે મૃત્યુ પછી આત્માની ગતિ, વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર બુદ્ધે નથી આપ્યા. બુદ્ધ હમ્મેશાં “મન”ને સમજવા કે એનો યથાયોગ્ય ઉપયોગ કરવા તત્પર રહ્યા જણાય છે. વળી, તેઓ દરેકને પોતાનો માર્ગ જાતે શોધવા કહે છે. તેમણે કદી કોઈ સુત્રો નથી આપ્યા કે જે દરેકને સમાનપણે લાગુ પડે. કદાચ, તેમનો હેતુ એવો હશે કે તેમના અનુયાયીઓ અન્તિમ મુક્તિ સુધી પહોંચે અને એ પહેલાં સત્ય શોધના માર્ગે આવતી સિદ્ધિ કે ઉપલબ્ધિથી સંતોષ પામી અટકી ના જાય. બુદ્ધના સમયમાં પ્રચલિત હિન્દુ વિચારધારાઓથી તેઓ આ બાબતે જુદા જણાય છે. એવું પણ માની શકાય કે, બુદ્ધને પોતાને જે અનુભવ થયા એ શબ્દો વડે અવ્યક્ત હોઈ શકે અથવા એ સ્થિતિએ પહોંચેલા ના હોય તેમને સમજાવી શકાય એવા ના હોય! બુદ્ધ પોતે “સત્ય”ને બુદ્ધિથી પર અને તર્કથી ઉપર માનતા હતા.

બુદ્ધે પોતે જે શિક્ષા આપી એ જોઈએ.

1) અસ્તિત્વની ત્રણ નિશાનીઓ: સર્વે સંસ્કાર અનિત્ય છે, સર્વે સંસ્કાર દુઃખરૂપ છે, સર્વે ઘટમાળ આત્મા નથી.
2) દેહના બંધારણ માટે પાંચ સ્કંધ: રૂપ (ભૌતિક શરીર અને ઇન્દ્રિયો), સમ્વેદના (આનંદ, દુઃખ, કે કશું પણ નહિ), ગ્રહણશક્તિ (સમજણ કે સંજ્ઞા), સંસ્કાર (આદતો, વિચાર, તરંગ, સૂઝ, ધારણા, અભિપ્રાય, આવેગ, નિર્ણય), ચૈતન્ય (ભાન, વિજ્ઞાન કે સતત ભાન).
3) પ્રતિત્યસમુત્પાદ: આ છે, કારણ તે છે! આ નથી, કારણ તે નથી! આ નહિ રહે, કારણ તે નહિ રહે! આપણું અસ્તિત્વ હંમેશા બીજાના અસ્તિત્વની સાપેક્ષ છે!
4) કર્મ અને પુનર્જન્મ: ચેતનાથી દોરવાયેલી ક્રિયા જે આપણને ભવિષ્યના કોઈ પરિણામ તરફ લઇ જાય છે એ કર્મ, જે પુનર્જન્મનું કારણ છે.
5) ચાર આર્યસત્ય: દુઃખ (કારણજનિત ઘટના કે અનુભવ સંતોષ નથી આપતાં), દુઃખનું મૂળ (સુખ પ્રત્યે લગાવ અને દુઃખ પ્રત્યે ઘૃણા એ અસ્તિત્વ, પુનર્જન્મ, અસંતોષ અને પુનર્મૃત્યુનાં કારણ છે), દુઃખનો નાશ (લગાવ કે ઘૃણાનો ત્યાગ પુનર્જન્મ, અસંતોષ અને પુનર્મૃત્યુનો નાશ કરે છે), દુઃખથી મુક્તિ (આર્ય અષ્ટાંગ માર્ગનું અનુસરણ દુઃખથી મુક્તિ મેળવવાનો માર્ગ છે).
6) આર્ય અષ્ટાંગ માર્ગ: સમ્યક દ્રષ્ટિ (કોઈ પણ પૂર્વગ્રહથી મુક્ત દ્રષ્ટિ), સમ્યક સંકલ્પ (અહિંસા, સદભાવ અને વૈરાગ્ય), સમ્યક વાણી (સત્યવચન, બીજાને દુર કરે એવું બોલવું નહિ, શિષ્ટ વચન, વ્યર્થ બકવાસ નહિ), સમ્યક કર્માંત (હત્યા, ચોરી અને અયોગ્ય મૈથુન કરવા નહિ), સમ્યક આજીવ (પ્રામાણિક વ્યવહાર), સમ્યક વ્યાયામ (વિચાર, વાણી અને કર્મથી બીજાનું ભલું થાય, વિકાસ થાય, મદદ થાય એવાં કામ કરવા), સમ્યક સ્મૃતિ (શરીર અને મનને અસર કરે એવી ઘટનાઓથી સચેત રહેવું), સમ્યક સમાધિ (જાપ, મનન અને આનાપાન વડે ધ્યાન કરી એકાગ્ર થવું). આ માર્ગનું પાલન કરવાથી સમ્યક જ્ઞાન અને સમ્યક મુક્તિ મળે છે.
7) નિર્વાણ: વાસના, ઘૃણા અને ભ્રમણાના અગ્નિ શાંત થયા પછી સ્થિર અને સ્થિતપ્રજ્ઞ મનની સ્થિતિ એ નિર્વાણ છે.

પતંજલિ યોગસુત્રોમાં જે અષ્ટાંગ યોગના માર્ગનું વર્ણન છે એ બુદ્ધની શિક્ષાને ઘણું મળતું આવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં બ્રહ્મ, પરબ્રહ્મ અને વિશ્વના અસ્તિત્વ વિષે જે છણાવટ છે એનાથી બુદ્ધ દુર રહ્યા છે. એનું કારણ એ કહી શકાય કે, નિર્વાણની સ્થિતિ પામ્યા પછી તેમને જે અનુભવ થયા એ શબ્દોમાં મૂકી શકાય એમ નથી. દરેક સંત કે ઋષિ હંમેશા આ વાત પર જ ભાર મુકતો આવ્યો છે કે, બ્રહ્મ શું છે એ કહી ના શકાય! એટલે, બુદ્ધ એ વિષયો પરત્વે મૌન રહ્યા હોય શકે. તેઓ પોતે તો દરેકને પોતાની શિક્ષા મુજબ નિર્વાણ પામી જાતે અનુભવ કરવા પર ભાર મુકતા રહ્યા છે. આપ્પ દીપો ભવ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s