ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૯ – ચિરાગ પટેલ – ૨૦૨૧ ઓકટોબર ૧૧
उ. ११.३.९ (१३७८) त्रिंशद्धाम वि राजति वाक्पतङ्गाय धीयते । प्रति वस्तोरह ध्युभिः ॥ (सार्पराज्ञि)
એ સૂર્ય દિવસની ૩૦ ઘડીઓમાં પોતાના તેજથી અત્યંત પ્રકાશમાન રહે છે. એ સમયે વેદત્રયીરૂપ સ્તુતિઓ સૂર્યને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકમાં સ્પષ્ટપણે સૂર્ય પ્રકાશ હોય એવા એક દિવસની ૩૦ ઘડીઓ હોવાનો ઉલ્લેખ છે. સૂર્ય સિદ્ધાંત પ્રમાણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીના સમયને ૩૦ ભાગમાં વહેચવામાં આવે છે. આ પ્રત્યેક ભાગને ઘડી કહે છે. આમ ચોક્કસ કહી શકાય કે, સામવેદ કાળમાં ઘડીની ગણતરી પ્રચલિત હશે. વળી, ૩૦ અંકનો ઉલ્લેખ સુનિયોજિત અંક પધ્ધતિનો નિર્દેશ કરે છે.
उ. १२.२.३ (१३८५) उदग्ने भारत द्युमदजस्त्रेण दविद्युतत् । शोचा वि भाह्यजर ॥ (भरद्वाज बार्हस्पत्य)
સંસારનું પોષણ કરનાર અગ્નિદેવ! આપ પ્રજ્વલિત બની ઉન્નત થાઓ, કદીય ક્ષીણ ના થનાર પોતાના તેજથી પ્રકાશિત થાવ, અને જગતમાં પ્રકાશ ફેલાવો.
આ શ્લોકમાં ઋષિ અગ્નિને સંસારનું પોષણ કરનાર કહે છે, જે ભૌતિક ઉપયોગની દૃષ્ટિએ પણ સાચું જ છે. જો કે, આ શ્લોકમાં “ભારત” શબ્દનો ઉલ્લેખ વધુ ધ્યાન ખેંચે છે. અહી ભારત શબ્દ અગ્નિ માટે સંબોધાયો છે, જે પોષણકર્તા છે. કદાચિત અર્વાચીન ભારત દેશ માટે વપરાતા શબ્દનું એક મૂળ સામવેદના આ શ્લોકમાં છે.
उ. १२.२.८ (१३९०) न की रेवन्तंसख्याय विन्दसे पीयन्ति ते सुराश्वः । यदा कृणोषि नदनुंसमूहस्यादित्पितेव हूयसे ॥ (सौभरि काण्व)
હે ઈન્દ્ર! આપ ધનના અભિમાનીના મિત્ર થતા નથી, મદ્ય પી મદમાં અંધ બનેલા લોકો આપને દુઃખ પહોંચાડે છે. જ્ઞાન અને ગુણ સંપન્નને મિત્ર બનાવી આપ ઉન્નતિના માર્ગે ચલાવો છો ત્યારે પિતાતુલ્ય સન્માન મેળવો છો.
ઈન્દ્રને આપણે મનના પર્યાયરૂપે કે રૂપક તરીકે આ પૂર્વે પણ જોઈ ગયા છીએ. સામાજિક સિદ્ધાંતોનો એ અન્વયે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે. અભિમાની વ્યક્તિ કે સુરાપાનમાં મત્ત વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન જાળવી નથી શકતો. જ્યારે જ્ઞાની કે સદગુણ સંપન્ન વ્યક્તિ માનસિક રીતે સ્થિર રહી શકે છે. તેના માટે ઈન્દ્ર અર્થાત મન મિત્ર કે પિતાસમાન છે, અને સમાજમાં આવી વ્યક્તિ સન્માનપાત્ર બને છે. વળી, આ શ્લોક પરથી આપણે જાણી શકીએ છીએ કે સામવેદ કાળના સમયમાં પણ મદ્યપાનની બદી વ્યાપક હશે.
उ. १२.२.९ (१३९१) आ त्वा सहस्त्रमा शतं युक्ता रथे हिरण्यये । ब्रह्मयुजो हरय इन्द्र केशिनो वहन्तु सोमपीतये ॥ (मेधातिथि काण्व/मेध्यातिथि काण्व)
હે ઈન્દ્ર! આપને સોનાના રથમાં બેસાડી અગણિત સંકેત માત્રથી ગતિ પકડનાર ઘોડા આપને યજ્ઞસ્થળમાં સોમરસનું પાન કરવા માટે લાવે.
આ શ્લોકમાં સહસ્ત્ર અને શત એવા ગાણિતિક શબ્દો છે જે ભારતીય અંકપધ્ધતિ સામવેદ કાળમાં હોવાનો પૂરાવો છે. સંકેતથી ગતિ પકડનાર ઘોડા એટલે સૂર્ય કિરણો અથવા ચેતના તરંગો જે મનરૂપી ઈન્દ્રને યજ્ઞ સ્થળ એટલે કે શરીરમાં સોમપાન એટલે કે સૂર્યની ફોટોન દ્વારા ઉત્સર્જિત ઊર્જાને પામે છે. એટલે કે, સૂર્યની ઊર્જાને શરીર ગ્રહણ કરી મનને બળવાન બનાવે છે.
उ. १२.२.१० (१३९२) आ त्वा रथे हिरण्यये हरी मयूरशेप्या । शितिपृष्ठा वहतां मध्वो अन्धसो विवक्षणस्य पीतये ॥ (मेधातिथि काण्व/मेध्यातिथि काण्व)
હે ઈન્દ્ર! મધુર, અમૃતતુલ્ય, સ્તુત્ય સોમના સેવન માટે સોનાના રથમાં મોરરંગી શ્વેત પૂંઠવાળા ઘોડા આપને યજ્ઞસ્થળ પર લાવે.
આ શ્લોકમાં પણ ઋષિ સૂર્ય કિરણો મયૂર પંખ એટલે કે સાત રંગના ઘટકોરૂપ કિરણો અંગે જણાવે છે. શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે એનો અહી ઋષિ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. ન્યૂટન અને સી. વી. રામને આપણને આધુનિક વિજ્ઞાનમાં જે સત્ય સમજાવ્યું એનો શ્રેય આપણે ઋષિ મેધાતિથિ કે મેધ્યાતિથિ કાણ્વને જ આપવો જોઈએ.