સ્વર્ણ વર્ણ – ચિરાગ પટેલ માર્ચ 26, 2014
તારા ભાલનો રક્તિમ સૂરજ
વિખેરે લાગણીની સુવર્ણ રજ
મારી કાયા ધરા પર
તારા હોઠનું ગુલાબી પરાગ
ખીલવે પ્રેમના ફૂલ
મારા અસ્તિત્વ ઉપવનમાં
તારી આંખોનો ઘૂઘવતો સાગર
આકર્ષણની ભરતી-ઓટ લાવે
મારા હૈયા કિનારે
તારા વાળનો રેશમી ધોધ
યાદો વરસાવે અનરાધાર
મારા મન વહેણે
તારા વદનનો કેસર ઘોળ્યો ચાન્દ
વ્હાલની શીતળ ચાન્દની રેલાવે
મારા આતમ કમળ પર
તારો પરમ પ્રકાશ ઓ “રોશની”
હરપળ પ્રાણ આશિષ આપે
મારા ચૈતન્યને