બેઠી વસન્ત અધરે – ચિરાગ પટેલ માર્ચ 10, 2014
(સોનેટ)
(વસન્તતિલકા)
બેઠી વસન્ત અધરે નયનો ઝુકાવી;
ભીનાશ તૃપ્ત તલસે શમણાં સજાવી.
ઉત્તેજના મલપતી દલડાં વિખેરી,
સાયુજ્ય ખેલ રચતી રજની અધૂરી.
આશ્લેષ રન્ગ પુરતો હળવા ઉજાસે,
એકાન્ત રાગ ઝરતો નવલા પ્રવાસે.
માયા સુગન્ધ સચરાચર સન્કળાતી,
ઋણાનુબન્ધ હવને અનુબન્ધ મુક્તિ.
આસક્તિ શોર સઘળાં પૂતળાં નચાવે,
ઉત્ક્રાન્ત હૈયું કુમળાં નિયમો પળાવે.
સન્તોષ ઐક્ય નિયતી સમ આવકારે,
સન્સાર પામર અસાર અકાળ તારે.
(દોહરો)
બન્ધન જીવન યોગમાં, કેવાં નાટક ખેલતું!
સન્ગે “દીપક” “રોશની”, તોયે આયખું જલતું!