કાવેરીથી કાયાહોગા – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 13, 2014

કાવેરી અને કાયાહોગા(Cuyahoga) એ નદીઓનાં નામ છે. આ બન્ને નદીઓ મારા જીવન-અનુભવોની સાક્ષી છે. મારા બાળપણથી તરુણાવસ્થાનો સમય વાંસદા ગામની સરહદેથી પસાર થતી અને ટેકરીઓની હારમાળાથી ગામને મસ્તક સમાન ટટ્ટાર રાખતી કાવેરી નદીને મ્હાલતા વીત્યો છે. હાલ, હું નોર્થ રિજવિલ ગામે વસુ છું, જે ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડ શહેરના આભુષણ સમી કાયાહોગા નદી પાસે છે. માનવ સંસ્કૃતિનું પ્રભાત અને બપોર નદીઓની આગોશમાં જ ખીલ્યાં છે. દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ નદી વિશિષ્ટ રહી હશે, એમ મારે માટે આ બે નદીઓ ખાસ છે.

મારા માટે આ બે નદીઓ રૂપક પણ છે. કાવેરી ભારતના મારા જીવનનું નિરૂપણ છે, તો કાયાહોગા અમેરિકાના વસવાટનું પ્રતિબિમ્બ છે. જે ફેર બે નદીઓનાં વહેણમાં છે, એ ફેર બે દેશો, બે સન્સ્કૃતિ, બે સમય-ખન્ડ અને બે જીવન વચ્ચે પણ છે. આ બે નદીઓનાં પ્રતિક દ્વારા હું મારા અનુભવોની વાત કરવા માંગુ છું.

કયા મુદ્દા પર મારે લખવું એની મૂંઝવણમાં એક વિષય કામ કરતા-કરતા સુઝ્યો! આજે આપણે એ વિષે વાત કરીશું. આ તો, મારા અનુભવો તમને કહેવા માંગુ છું એને “વાત” કરવી કહી મન મનાવું છું. જેથી મને લાગે કે આ એકતરફી લેખ નથી!

ભારતમાં 1989ની આસપાસ ટેલીકોમ ક્રાન્તિના મંડાણ થયા સ્વ.રાજીવ ગાન્ધી અને શ્રી સેમ પિત્રોડાના પ્રયત્નોથી. આ ક્રાન્તિના શરૂઆતી તબક્કામાં અગ્રીમ પ્રત્યાદાન આપનાર વડોદરા સ્થિત એક કમ્પની “અંજલિમ” અને એના સ્થાપક ડો.મધુ મહેતા સાથે કામ કરવાની મને તક મળી હતી 1997માં. એ પહેલાનું વર્ષ 1996 કે, જયારે ભારતમાં કમ્પ્યુટર-ઈન્ટરનેટનો પગરવ સંભળાવો શરુ થયો! પછીના પાંચ વર્ષમાં તો જાણે IT શબ્દ ભારતના ખૂણે-ખૂણે પ્રકાશિત થઇ ઉઠ્યો. ભારતના તાજાં ગ્રેજ્યુએટ થયેલાં કમ્પ્યુટર-IT કે બીજા ક્ષેત્રના કમ્પ્યુટરની ભાષા-સાધનો શીખેલા એન્જીનીયરો વિશ્વના ખૂણે-ખૂણે ઝન્ડો લહેરાવવા ફરી વળ્યાં. વર્ષ 2002માં ભારતનાં એન્જીનીયરો અને કમ્પ્યુટર એકબીજાનો પર્યાય માનવા લાગ્યાં. બીજા પાંચ વર્ષોમાં વિશ્વની અનેક કમ્પનીઓ ભારતના આ ઉદયનો લાભ લેવા મચી પડ્યાં. અને, જાણે કે, પોતે રહી જવાનાં હોય અને બાકીનાં લાભ ખાટી જવાનાં હોય એમ, ભારતમાં પોતાના ડેવલપમન્ટ સેન્ટર સ્થાપવા કમ્પનીઓ વચ્ચે હોડ મચી. આમાં, બેન્ગલુરુ, ગુડગાંવ, પુણે, હૈદરાબાદ જેવાં શહેરો લાભ ખાટી ગયાં.
BPO, KPO, કોલ સેન્ટર, ટેસ્ટીંગ વગેરે ક્ષેત્રોમા ભારતમાં અનેક એન્જીનીયરો સારા પગારે કામ કરવા લાગ્યાં. આમાં, બંને પક્ષે લોભ હતો એટલે લાભ હતો. ભારતની વસ્તી પ્રમાણે દર વર્ષે બહાર પડતાં એન્જીનીયરોની સંખ્યા ઘણી વધારે હોવાથી, તેમને ઓછા પગારે ગમતું-અણગમતું કામ કરવું પડતું. વિદેશી કમ્પનીઓને પોતાના દેશ કરતાં પ્રમાણમાં ઓછા ખર્ચે એન્જીનીયરો કામ કરવા મળી રહેતાં થયાં. એટલે, આજ દિન સુધી આ ચક્ર ચાલતું રહ્યું છે.

ધીરે-ધીરે ભારતમાં ખરેખરા ડેવલપમન્ટનું કામ આવવું પણ શરુ થયું છે. મોટી કમ્પનીઓમાં OSD – ઓફશોર ડેવલપમન્ટ કે IDC – ઇન્ડિયા ડેવલપમન્ટ સેન્ટર જેવાં શબ્દો ચલણી બનવા માંડ્યા છે. કમ્પનીઓ ભારતમાં સોફ્ટવેરને લગતા કામકાજ કરવા માંડી છે. આવા સેન્ટરોમાં કામ કરતા ભારતીય એન્જીનીયરો મોટા નામ સાથે સંકળાવાને પોતાનું અહોભાગ્ય માને છે. વળી, આ કમ્પનીઓના મૂળિયાં વિદેશી હોવાથી કામનું વાતાવરણ વધુ મૈત્રીપૂર્ણ અને શેઠીયાગીરીથી લગભગ મુક્ત હોય છે.

ખાટલે મોટી ખોડ એ છે કે, આવા સેન્ટરોમાં જે કામ થાય છે એ બીજા વર્ગનું હોય છે. મેં અમેરિકામાં બ્રોકેડ, ક્યુલોજીક અને ટેકટ્રોનીકસ જેવી પોતાના ક્ષેત્રમા પ્રતિષ્ઠિત કમ્પનીઓમાં કામ કર્યું છે અને આ કમ્પનીઓના ભારત ખાતેના ડેવલપમન્ટ સેન્ટર અને સહ-કર્મચારીઓ સાથે કામગીરી કરવાની આવી છે. એટલે, જાત અનુભવે કહી શકું કે, અમુક અપવાદોને બાદ કરતાં ભારતમાં સ્થિત ડેવલપમન્ટ સેન્ટરોમાં વિદેશી કમ્પનીઓ ગધ્ધા-મજુરીનું કામ કરાવતી હોય છે. અહી અમેરિકામાં કેટલીયેવાર મારા સાંભળવામાં અને અનુભવવામાં આવ્યું છે કે, “ચાલો ભાઈ, આવી મજુરીનું કામ આપણે નથી કરવું; એને બદલે ઇન્ડિયા મોકલી આપો.” આવું કામ મેળવીને પણ ભારતસ્થિત સહ-કર્મચારીઓ પોરસાતા હોય છે કે, “જુઓ, અમારા વગર અમેરિકાને નથી ચાલતું.” ભારતના પ્રતિષ્ઠિત કોલેજોમાંથી બહાર પડેલાં એન્જીનીયરોની પણ આવી જ હાલત હોય છે. પરંતુ, તેઓને એની જાણ જ નથી હોતી કે તેઓ કઈ કક્ષાનું કામ કરી રહ્યા છે!

આશા રાખીએ કે, ભવિષ્યમાં આપણા એન્જીનીયરો પર વિદેશી કમ્પનીઓને વિશ્વાસ બેસે અને ખરેખરું વિશ્વકક્ષાનું કામ સોંપતી થાય. વળી, મૂળ ભારતીય કમ્પનીઓ પણ માત્ર મજુરીનું કામ આઉટસોર્સ દ્વારા મેળવી પોરસાવા અને ખિસ્સાં ભરવાં કરતાં, આગવો ભાત પાડતું કામ કરતી થાય. ભારત માત્ર નકલ અને મજુરીના કામ કરવાને બદલે વિશ્વમાં નોંધપાત્ર પ્રદાન આપે તો જ એક શક્તિશાળી રાષ્ટ્ર બની શકે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s