ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૮


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૮ – ચિરાગ પટેલ – ૨૦૨૧ સપ્ટેમ્બર ૧૧

उ. ११.२.१ (१३५७) आ जागृविर्विप्र ऋतं मतीनांसोमः पुनानो असदच्चमूषु । सपन्ति यं मिथुनासो निकामा अध्वर्यवो रथिरासः सुहस्ताः ॥ (पराशर शाक्त्य)
ચૈતન્ય, સત્ય સ્તુતિઓના જાણકાર સોમ શુધ્ધ બનીને પાત્રમાં ઉતરે છે. ઉત્તમ કર્મ કુશળ, દેહધારી, મનોકાંક્ષી, અધ્વર્યુ, એને એકત્રિત કરી સુરક્ષિત રાખે છે.

આ શ્લોકમાં ઋષિ ચૈતન્ય અને સત્ય સ્તુતિ આવા બે શબ્દો દ્વારા ઉપનિષદમાં વિસ્તૃતપણે ઉલ્લેખાયેલ બ્રહ્મ અને આત્મા અંગે નિર્દેશ કરે છે. વળી, સોમ એના જાણકાર છે એમ ઋષિ કહે છે. સોમ એટલે પ્રાણ કે ફોટોન. અધ્વર્યુ એટલે કે સાધક સૂર્ય કિરણોથી વ્યાપ્ત પ્રાણને ઘડા એટલે કે દેહમાં એવી રીતે સાચવે છે કે જેથી એ આધ્યાત્મિક પ્રક્રિયામાં સહાયક બને.

उ. ११.२.२ (१३५८) स पुनान उप सूरे दधान ओभे अप्रा रोदसी वी ष आवः । प्रिया चिद्यस्य प्रियसास उती सतो धनं कारिणे न प्रयंसत् ॥ (पराशर शाक्त्य)
પવિત્ર થનારો યજ્ઞસાધક સોમ ઈન્દ્રને મેળવે છે. આકાશ અને પૃથ્વીને પોતાના તેજથી પૂરેપૂરું ભરનાર આ સોમ છે, જેની અત્યંત પ્રિય, રસયુક્ત ધારાઓ અમારી રક્ષા કરે છે, અને ઐશ્વર્ય પ્રદાન કરે છે.

આ શ્લોકમાં ઋષિ યજ્ઞ દ્વારા સોમ એટલે પ્રાણ કે ફોટોન ઈન્દ્ર અર્થાત વ્યાપક મનને પ્રાપ્ત કરે છે અથવા એમાં ભળી જાય છે એમ જણાવે છે. પૃથ્વીની સપાટી અને સમગ્ર વાતાવરણને આ પ્રાણ કે ફોટોનના વિખેરણથી પ્રકાશ મળે છે.

उ. ११.२.४ (१३६०) मा चिदन्यद्वि शंसत सखायो मा रिषण्यत । इन्द्रमित्स्तोता वृषणंसचा सुते मुहुरुक्था च शंसत ॥ (प्रगाथ घौर काण्व)
હે મિત્રો! ઈન્દ્રની સ્તુતિ છોડીને બીજાની સ્તુતિ કરવી યોગ્ય નથી. એમાં શક્તિ ના વેડફો. સોમ શુદ્ધ કરીને સંયુકતરૂપે ભેગા થઈને બળશાળી ઈન્દ્રની જ પ્રાર્થના કરો.
उ. ११.२.७ (१३६३) कण्वा इव भृगवः सूर्या इव विश्वमिध्दीतमाशत । इन्द्रंस्तोमेभिर्महयन्त आयवः प्रियमेधासो अस्वरन् ॥ (मेध्यातिथि काण्व)
ભૃગુઓએ કણ્વની જેમ ધ્યાન દ્વારા સૂર્ય કિરણો જેમ સંસારમાં સંવ્યાપ્ત ઈન્દ્રનો સાક્ષાત્કાર કર્યો. તેઓ ભાવનાપૂર્વક યજ્ઞ કરનાર યાજકોની જેમ જ ઈન્દ્રની મહત્તાનું ગાન કરવા લાગ્યા.

આ બે શ્લોકમાં ઋષિ ધ્યાનની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. એટલે, પતંજલિ ઋષિના સમય પહેલાં સામવેદ કાળમાં ધ્યાન પ્રચલિત હતું. અહી ભૃગુ અને કણ્વ ઋષિ પરંપરામાં ધ્યાનનું મહત્ત્વ હોય એમ જણાય છે. વળી, આ ધ્યાન દ્વારા ઈન્દ્રનો સાક્ષાત્કાર થઈ શકે છે એમ ઋષિ કહે છે. ઈન્દ્ર એટલે મન એવું અગાઉના શ્લોકો પરથી આપણે કહી શકીએ. પરંતુ, અહી ઈન્દ્રને સૂર્ય કિરણો જેમ સર્વ વ્યાપક કહ્યા છે. દાર્શનિક અને ઉપનિષદ પરંપરાનો આધાર લઈએ તો ઈન્દ્ર અહી સર્વત્ર વ્યાપ્ત બ્રહ્મ કે આત્માના અર્થમાં છે. ધ્યાન દ્વારા સાધક એનો સાક્ષાત્કાર કરી શકે છે. ઋષિ આવા સર્વોચ્ચ ધ્યેયરૂપી ઈન્દ્રને છોડીને બીજા કોઇની પણ સ્તુતિ કરવાની મનાઈ કરે છે.

उ. ११.२.९ (१३६५) अजीजनो हि पवमान सूर्यं विधारे शक्मना पयः । गोजीरया रंहमाणः पुरन्ध्या ॥ (त्र्यरुण त्रैवृष्ण/त्रसदस्यु पौरुकुत्स्य)
હે દિવ્ય સોમ! કિરણોના માધ્યમથી અંતરિક્ષ અને પૃથ્વીલોકમાં જીવનને ગતિશીલ બનાવનાર આપે પોતાની ક્ષમતાથી જળને ધારણ કરનાર આકાશથી ઉપર સૂર્યને ઉત્પન્ન કર્યો.

આ શ્લોકમાં સ્પષ્ટ નિર્દેશ કરતાં ઋષિ કહે છે કે, પૃથ્વી ફરતે જે વાતાવરણ છે એમાં જળના કણો અસ્તિત્વ ધરાવે છે, જે આધુનિક વિજ્ઞાન પણ સાબિત કરે છે. વળી, આ વાતાવરણ અને પૃથ્વી પર જીવ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કે પોષણ કરનાર સોમ સૂર્ય કિરણોમાં રહે છે. એટલે કે, પ્રાણ અથવા ફોટોન એ સોમ એવું માની શકાય. વળી, સૂર્ય અંગે સચોટ અવલોકન આપતા ઋષિ કહે છે કે, સૂર્ય વાતાવરણથી દૂર છે. આ સૂર્યને પણ સોમ જ ઉત્પન્ન કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s