સ્વપ્નનો અંત


સ્વપ્નનો અંત – ચિરાગ પટેલ

સપ્તર્ષિ સંવત ૮૬૯૬ શ્રાવણ કૃષ્ણ પક્ષ શષઠી ૨૦૨૧ ઑગસ્ટ ૨૮ રવિવાર

————————————————

“મહાદેવ… મહા… દેવ!”

કિશોર નારાયણના આ વાંસળીનું માધુર્ય ભરેલા સ્વરમાં અંતરનો ઉમળકો ભળ્યો! કામદેવને લજ્જિત કરે એવો આકર્ષક દેખાવ અને અતસીના પુષ્પો સમ વાન ધરાવતા એ કિશોરની આંખો સંતોષ સમાવતી સમાધિના ઘેનમાં બિડાવા લાગી.

એ સાથે જ લાંબા વડવાઈ સમ કેશ કલાપ ધરાવતા અને હિમ સમાન વાન ધરાવતા કાલ પુરુષમાં અદૃષ્ટ શક્તિનો આવિર્ભાવ થયો. તેના મુખ પર કમળ પુષ્પને લજ્જિત કરે એવું નિર્દોષ સ્મિત પ્રગટ્યું! સમગ્ર બ્રહ્માંડના સકળ સમયની સાક્ષી બનેલી તેની અનુભવ વૃદ્ધ આંખોમાં નવી ચેતના અંજાઈ! અધ ખુલ્લી એ આંખોમાંથી ધીરે-ધીરે રેલાઈ રહેલી ઉર્જા સમગ્ર વિશ્વને પોતાના પાશમાં લેવા માંડી. બ્રહ્માંડનો નાનામાં નાનો કણ એ ઉર્જામાં સપડાઈ ગયો.

થોડીવારમાં તેનું શરીર આછા તરંગોના લયમાં ડોલવા લાગ્યું. એકાએક શક્તિનો સ્ફોટ થયો અને તે સફાળો ઊભો થઈ ગયો. તેની આંખો હવે પૂરી ખૂલી ગઈ. તેના શરીરના તરંગો સાથે બ્રહ્માંડ તાલ મિલાવવા લાગ્યું. એ તરંગો વધુ તીવ્ર થવા લાગ્યાં. જડ-ચેતનને ધ્રુજાવતો નાદ ઉઠ્યો.

“ઢગ ઢગ ઢગ ઢગ ધ્રબાંગ … ઢગ ઢગ ઢગ ઢગ ધ્રબાંગ …”

એ નાદના ભયથી જ જાણે સૂર્ય વિસ્તરવા લાગ્યો. પૃથ્વી પર સૂર્યનો ત્રાસ વરતાવા લાગ્યો. જીવ સૃષ્ટિ ત્રાહિમામ પોકારવા લાગી. જળાશયો, નદીઓ, અરે… મહાસાગર સુદ્ધાં જળવિહીન થઈ ખૂટવા લાગ્યાં. ધબકતું જીવન ઢળી પડ્યું! સૂકા ભઠ્ઠ વાતાવરણમાં થોડા સમય પછી અનેક રંગના વાદળો છવાઈ ગયા. આવા મેઘધનુષી વાદળોમાં વીજળીના ચમકારા થવા લાગ્યાં. વાદળોમાંથી હવે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. આવી વર્ષા સતત બાર વર્ષો સુધી ચાલી. પૃથ્વી પર ધરતી જળબંબાકાર થઈ ગઈ. એકાએક સૂર્ય એટલો બધો વિસ્તૃત થઈ ગયો કે એ પૃથ્વીને પણ ગળી ગયો! ધીરે-ધીરે એ વિસ્તરણમાં ગુરુ અને શનિ પણ ગરકાવ થઈ ગયા. થોડા સમયે એક વિસ્ફોટ સાથે સૂર્ય ફાટ્યો! એ વિસ્ફોટ સાથે સૂર્યનો આંતરિક પદાર્થ આજુબાજુની સૂર્યમાળાઓમાં વેરાવા લાગ્યો. જયાં સૂર્ય હતો ત્યાં હવે એક શ્વેત મોટો ગોળો રહી ગયો જે અનેક ગણી ઝડપે ફેરફુદરડી ફરવા લાગ્યો!

કાલને આ બધુ નિહાળી આનંદ આવતો હોય એમ હવે દ્રુત ગતિથી નૃત્ય કરવા લાગ્યો. તેના શરીરમાં ઉઠતાં નૃત્યના તરંગો સમગ્ર બ્રહ્માંડને ઘમરોળી રહ્યાં. કાળી માટીના ગારા સમાન બ્રહ્માંડ માતેલા હાથી સમાન કાલના આઘાતથી વેરવિખેર થવા લાગ્યું. એકબીજાથી દૂર ભાગેલી આકાશગંગાઓ એકમેવમાં એવી ભળી ગઈ કે પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેઠી. નાના-નાના કૃષ્ણ વિવરોને મોટા કૃષ્ણ વિવર કોળિયો કરી જવા લાગ્યાં. સમય ધીરે-ધીરે ડચકા ખાવા લાગ્યો. સમયના પ્રત્યેક ડચકારે બ્રહ્માંડનું પોત સુકાવા લાગ્યું. બ્રહ્માંડના કણ-કણમાં વ્યાપ્ત ચૈતન્ય ઘનીભૂત થવા લાગ્યું. પદાર્થ અને ઉર્જાનો ભેદ ખોવાતો ચાલ્યો. પરમાણુનો અખંડ રાસ મંદ પડવા લાગ્યો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એકબીજામાં ભળી બ્રહ્મરસ બનવા લાગ્યો. સમગ્ર અવકાશ અને સમયની ગૂંથણી પણ એકબીજામાં સમાવા લાગી. બ્રહ્માંડ એક અંડ પિંડ બની ગયું જેમાં માત્ર બ્રહ્મરસનું જ અસ્તિત્વ હતું. બ્રહ્મરસ મંદ ગતિએ ઘૂમતો હતો.

એકાએક કાલનું નૃત્ય અટક્યું. એ સાથે જ બ્રહ્મરસ પિંડનું બાહ્ય આવરણ ફસકી ગયું અને કાળું ભમ્મર બીજ રહી ગયું. એક અટ્ટહાસ્ય કરી કાલ અદૃશ્ય થઈ ગયો. સર્વે પ્રકારના સ્પંદનું અસ્તિત્વ નષ્ટ થયું. બીજની ચોફેર કશું જ નહતું. એ કાઈં જ નહતું. સમયનું કોઈ અસ્તિત્વ નહતું. ઠેર-ઠેર અનેક બ્રહ્મ બીજ વેરાયેલાં હતાં. સઘળું આનંદમય હતું.

ના જડ, ના ચૈતન્ય, ના ઉર્જા, ના પદાર્થ, ના દેવ, ના મહાદેવ.

નિર્વિકાર, નિર્વિકલ્પ, નિષ્ક્રિય પરબ્રહ્મ.

ના કોઈ રૂપ કે ના કોઈ નામ.

આદિશક્તિ પણ શાંત!

એક સ્વપ્નનો અંત માત્ર!

થોડો બ્રહ્મ સમય વિત્યો ત્યાં સુધી આનંદ અને શાંતિનું સંતુલન સચવાઈ રહ્યું. આનંદના એ અફાટ મહાસાગરમાં આદિશક્તિનો પ્રકાશ રેલાયો. એની અસર હેઠળ પુનઃ કોઈ વિકલ્પ ઉઠ્યો. એ વિકલ્પમાં પરોવાઈને બ્રહ્મ બીજ હિલોળા લેવા લાગ્યાં. અમુક બીજ ફૂલવા લાગ્યાં. પુષ્ટ થયેલાં બીજમાં કાલનો પ્રાદુર્ભાવ થયો. પ્રત્યેક બીજમાં અનોખા કાલ જન્મ્યાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s