લગ્નની સુવર્ણજ્યંતિ – ચિરાગ પટેલ મે 21, 2012

[આજે મે 16, 2037નો દિવસ છે અને નિલેશભાઈ ક્રિષ્નાબેનની 50મી લગ્નતિથી છે. એ દિવસે એ બે સિવાય બીજું કોઈ અહીંથી હાજર નથી. કારણ કે, મારા જેવા અડધા લોકો વિદાય લઈ ચુક્યા હશે અને બાકીનાં અડધાં આવી શકે એવી શારિરીક સ્થિતિમાં નહીં હોય!]

[નિલેશભાઈ એક આરામ ખુરશી પર બેઠા છે અને છાપું વાંચે છે. કોઈ ગીત ધીમે અવાજે ગણગણે છે.]

નિલેશભાઈ: હ્મ્મ્મ્મ્મ, છાપામાં આટલા બધાં વિધુરોના મૈત્રીકરારના સમાચાર આવ્યા છે. સાલું, મારા જ નસીબમાં આવા જલસા નથી.

[ઉપર આકાશ તરફ જોઈને નિલેશભાઈ બોલે છે.]

નિલેશભાઈ: હે પ્રભુ, તે મને દાંત આપ્યા અને પાછા લઈ લીધાં. વાળ આપ્યા અને પાછાં લઈ લીધાં. બે કાન આપ્યા અને પાછા લઈ લીધાં. જીંદગી આપી, એ પાછી લઈ લેવા બેઠો છું. પણ ભગવાન, એક પત્ની આપી અને આપીને ભુલી ગયો?

[ક્રિષ્નાબેન આ સામ્ભળી જાય છે અને એકાએક નિલેશભાઈ પાસે આવીને આંખો કાઢી બોલે છે.]

ક્રિષ્નાબેન: હખણાં રહો, સારા નથી લાગતા. મને બધી ખબર પડે છે!

[નિલેશભાઈ વાત વાળી લે છે અને ખોટું-ખોટું હસતા બોલે છે.]

નિલેશભાઈ: અરે ડાર્લીંગ, હું તો મજાક કરતો હતો. એ તો જોક હતો જોક…જો સામ્ભળ. એક સરસ ગીત સમ્ભળાવું.
યે ડાયાબીટીસ ભી લે લો… યે બ્લડપ્રેશર ભી લે લો…
ભલે છીન લો મુઝસે મેરી દવાયેં,
મગર મુઝ કો લૌટા દો 7-11 કી કૉફી…
વો ડંકીન કા ડૉનટ, વો ડીક્યુ કા આઈસક્રીમ…

ક્રિષ્નાબેન: સારુ, સારુ હવે, ચલો આજે બહાર જમવા જવાનું છે.

નિલેશભાઈ: ક્રિષ્ના, આજે તો મારે દુધ પર જ રહેવા વિચાર છે. પેટ આજે કંઈક સારું નથી લાગતું. લે, તને જમવાનું બનાવવાથી છુટ્ટી.

[ક્રિષ્નાબેન આંખો કાઢે છે.]

ક્રિષ્નાબેન: તમે હોટેલમાં મિલ્કશેક પીજો પણ મારે તો આજે બહાર જ જવું છે. હે ભગવાન, કેવો પતિ છે મારો? કશું જ યાદ નથી રહેતું. ઘરડો ન્હોતો તો પણ આજનો દિવસ તો યાદ જ ન્હોતો રહેતો…

[નિલેશભાઈ કપાળ પર ટપલી મારી બોલે છે.]

નિલેશભાઈ: અરે, આ ઉમ્મર થઈ હવે તો, ડાર્લિંગ આજે તો આપણા લગ્નના 50 વર્ષ પુરા થયા.
આ ચલ કે તુઝે, મૈં લે કે ચલુ ઈક ઐસે હોટેલમેં ખાને….
જહાં નાન ભી ન હો… ટીક્કા ભી ન હો…
બસ સુપ હી સુપ મીલે… ઈક ઐસે હોટેલ મેં ખાને…

ક્રિષ્નાબેન: હવે તો ચોકઠું પણ રહ્યું નથી… પછી શું નાન કે ટીક્કા ખાવાના? સુપને જ લાયક રહ્યા છો હવે… ચાલો, ત્યારે. તમે સુપ લેજો અને હું તો પાક્કું ભાણું જમીશ.

[લલિતાબા સ્વર્ગમાંથી બોલે છે.]

લલિતાબા: બળ્યું આજકાલની વહુઓ… ઠરતી જ નથી ને…

[ક્રિષ્નાબેન ઉપર તરફ જોઈને બોલે છે.]

ક્રિષ્નાબેન: બેન, આજકાલ કરતા 50 વર્ષ થયા. હવે તો મારી છોકરીની છોકરી પરણવા જેવડી થઈ. ફરી આવું ના બોલશો. બીજુ કઈક બોલો તો સારું.

લલિતાબા: વહુબેટા, તું અહી ઉપર આવી જા. અહીં તને બધી બહુ સારી સારી વાતો કરીશ.

[ક્રિષ્નાબેન થોડા ઝંખવાણા પડી જાય છે અને બોલે છે.]

ક્રિષ્નાબેન: ના બેન ના… હું અહી જ બરાબર છું. તમતમારે જે બોલવું હોય એ બોલો…

[નિલેશભાઈ અને ક્રિષ્નાબેન બન્ને હોટેલમાં જાય છે અને ટેબલ પર જમવા બેસે છે. નિલેશભાઈ મેનુ જુએ છે અને ખુશ થતા જાય છે.]

નિલેશભાઈ: શીલા… મુન્ની… જલેબી… ચમેલી… ગુલાબી…

ક્રિષ્નાબેન: રાખો રાખો… આ ઉમ્મરે સારા નથી લાગતા આવી બધી છમ્મકછલ્લોના નામ લો છો તે…

[સ્વર્ગમાંથી લલિતાબા બોલે છે.]

લલિતાબા: બળ્યું…. આજકાલની વહુઓ ઠરતી જ નથી…

[ક્રિષ્નાબેન ઉપર જોઈને બોલે છે.]

ક્રિષ્નાબેન: બેન, તમારે દીકરાને તો કશું કહેવું નહી, બસ વહુને જ ટોક્યા કરો… આ ઉમ્મરે હવે આવુ બધું શોભે છે એમને?

[સ્વર્ગમાંથી લલિતાબા બોલે છે.]

લલિતાબા: વહુ, છોકરા તો તામ્બાના લોટા… ઘસો એટલે ઉજળાં…

ક્રિષ્નાબેન: તમારા તો વધારે પડતાં ઉજળાં છે, બેન.

નિલેશભાઈ: અરે ક્રિષ્ના, હું તો આ મેનુ વાંચુ છું… જો, શીલા સબ્જી, મુન્ની મખની, જલેબી જાલફ્રેઝી, ચમેલી ચમચમ, ગુલાબી ગાજર હલવો…

ક્રિષ્નાબેન: ઠીક છે. મંગાવો સાડી પહેરેલી જલેબી.

[નિલેશભાઈ આશ્ચર્ય પામી ક્રિષ્નાબેન બાજુ જુએ છે અને બોલે છે.]

નિલેશભાઈ: સાડી???

ક્રિષ્નાબેન: જલેબી જાલફ્રેઝી જોડે રૂમાલી રોટી પણ મંગાવજો…

[બન્ને જમી લે છે અને ત્યાં જ અંકિતા, કુનિકા અને એમની દીકરીઓ આવે છે.]

અંકિતા, કુનિકા: ડૅડ, મોમ, વીશ યુ અ વેરી હૅપ્પી એનીવર્સરી…

નિલેશભાઈ, ક્રિષ્નાબેન: થેંક યુ બેટા…

અંકિતા: ડૅડ, મમ્મી માટે કોઈ શેર સમ્ભળાવોને… મને ખબર તો નહી પડે પણ મજા આવશે…

ક્રિષ્નાબેન: છોકરીઓ તમને કંઈ ભાન-બાન છે કે નહી? બાપા પર જ ગઈ છે.

કુનિકા: મૉમ, હવે આજે તો ઝઘડો બંધ કર.

અંકિતા: પાપા કો મમ્મી સે, મમ્મી કો પાપા સે પ્યાર હૈ… પ્યાર હૈ… હૈ ના બોલો બોલો…

નિલેશભાઈ: જુઓ સામ્ભળો ત્યારે….
પ્રેમને જો આપણા વ્હેવું પ્રિયે, વ્હેણને તો બે કિનારા જોઈએ…

ક્રિષ્નાબેન: હું પચાસ વર્ષથી બે કિનારા જ જોઉં છું. જે કદી ભેગા જ નથી થતા…

[સ્વર્ગમાંથી લલિતાબા બોલે છે.]

લલિતાબા: બળ્યું…. આજકાલની વહુઓ ઠરતી જ નથી…

[ક્રિષ્નાબેન ઉપર જોઈને બોલે છે.]

ક્રિષ્નાબેન: બેન…

[પડદો પડે છે.]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s