રાજયોગ અંગ ૬/૭ – ધારણા/ધ્યાન – ચિરાગ પટેલ ૨૦૨૧ જુલાઈ ૧૧ સપ્તર્ષિ ૮૬૯૬
અષ્ટાંગ યોગનું છઠ્ઠું ચરણ છે, ધારણા. ધારણા એટલે ધારણ કરવું, સંભાળવું, એકાગ્ર કરવું, અનુમાન લગાવવું. પ્રત્યાહાર દ્વારા સર્વે ઇન્દ્રિયોનો જે આહાર છે એનાથી વિરુદ્ધ દિશામાં ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની પ્રક્રિયાને અમુક સમય સુધી કરવી એટલે ધારણા.
જ્યાં સુધી ધ્યાતા પોતે ધ્યાન કરી રહી/રહ્યો છે એ ભાન રહે છે ત્યાં સુધીની ધ્યાનની ક્રિયા એ ધારણા છે. વિશ્વની સર્વે પ્રચલિત ધ્યાનની પ્રક્રિયાઓ પ્રારંભિક તબક્કામાં ધારણા જ કહેવાય છે. એ ધ્યાન નથી. જ્યારે આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત ધ્યાન થઈ રહ્યું છે એ ભાન ના રહે તે જ અષ્ટાંગ યોગમાં જણાવાયેલું સાતમું અંગ ધ્યાન છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ક્રિયા જ્યાં સભાનપણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એ ધારણા. આ ત્રણમાંથી ધ્યાનની ક્રિયા અંગેની સભાનતાનો લોપ થાય એ ધ્યાન. અને, જ્યારે ધ્યાતા અને ધ્યાનની ક્રિયાનો લોપ થઈ માત્ર ધ્યેયનું અસ્તિત્વ રહે એ સમાધિ. સમાધિમાં જ્યારે ધ્યેયનું પણ અસ્તિત્વ નથી રહેતું અને માત્ર આનંદનું અસ્તિત્વ રહે છે તુરિયાતીત અવસ્થા છે. એને નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે.
સામાન્ય વ્યવહારમાં લોકો ધારણા અને ધ્યાન અલગ રીતે નિર્દેશિત નથી કરતાં પરંતુ વિવિધ પધ્ધતિઓને ધ્યાનની પધ્ધતિઓ તરીકે જ પ્રયોજે છે. સ્વામી વિવેકાનંદે એક વ્યાવહારિક વ્યાખ્યા આપી છે. એ પ્રમાણે, ધ્યાન કરનારની સમગ્ર ઇન્દ્રિયો અને મન કોઈ એક વિષય પર બાર સેકન્ડ સુધી સંપૂર્ણ કેન્દ્રિત રહી શકે તો એ ધારણા. જો એ એકાગ્રતા ત્રણ મિનિટ સુધી રહી શકે તો એ ધ્યાન અને ત્રીસ મિનિટ સુધી રહે તો સમાધિ. જો કે, આ વ્યાખ્યાને વ્યવહારમાં મૂકવી અઘરી છે અને સતત અભ્યાસની આવશ્યકતા રહે છે.
ધારણા કે ધ્યાનની અગણિત પધ્ધતિઓ છે અને નવી-નવી આવતી પણ રહે છે! જે પાણીએ મગ ચડે એ પાણીએ ચઢાવો પણ ધ્યાન કરો. મારી પોતાની અમુક અનુભવ સિધ્ધ પધ્ધતિઓ અત્રે જણાવું છું.
ધ્યાન ક્યારે કરવું એ અંગે કોઈ ચોક્કસ ધારા ધોરણ નથી. પણ, મોટે ભાગે પેટ ખાલી હોય એવી રીતે એટલે કે ઓછામાં ઓછા બે કલાક પહેલા ભોજન કરેલું હોય કે અડધા કલાક પહેલા પ્રવાહી લીધું હોય એ ઇચ્છનીય છે. સમય અંગે પણ કોઈ ચોક્કસ નિયમ નથી. જ્યારે મન થાય ત્યારે ધ્યાન કરવું. જો કે શરીર અને મન પર થતી ધ્યાનની અસર અંગે સજાગ રહીએ તો આપણા માટે કયો સમય વધુ અનુકૂળ રહે છે એ સહેલાઈથી સમજી શકાય છે. જે સમયે ધ્યાન સહજ રહે, મન નિયંત્રીત રહે અને આનંદ અનુભવાય એ સમય શ્રેષ્ઠ. મને પોતાને ધ્યાન માટે મધ્યાહ્ન પહેલાંની ૨૦ મિનિટનો સમય વધુ યોગ્ય લાગે છે.
ધ્યાન માટે આસન પણ એક મહત્વનું પરિબળ છે. પ્રારંભિક અભ્યાસ માટેના આ બધાં નિયમો છે, પછી તો આપણે સ્વયં જ પોતાના માર્ગે દોડવાનું હોય છે. લાંબો સમય બેસવામાં અસુખ ના અનુભવાય એવું એક આસન નક્કી કરી બેસો. મોટે ભાગે પદ્માસન કે સુખાસન અનુકૂળ રહે છે. બંને હથેળીઓ ઘૂટણ પર ટેકવી આકાશ પ્રતિ ખુલ્લી રહે એ રીતે બેસી શકાય. અથવા જ્ઞાન મુદ્રા એટલે કે તર્જની અને અંગૂઠાની સ્પર્શ આપી બાકીની આંગળીઓ સીધી રાખી શકાય. અથવા ડાબી હથેળી વળેલા પગની ઘૂંટી પર ટેકવી એની ઉપર જમણી હથેળી રાખી સમર્પણ મુદ્રામાં બેસી શકાય. ૧૦-૧૫ દિવસ કોઈ એક પધ્ધતિનું અનુસરણ કરી પછી બીજીનો પ્રયોગ કરો અને છેવટે કોઈ એક પધ્ધતિ મનને ગમે એ સ્થાયીરૂપે અપનાવી લો. વળી, માથું સહેજ પાછળ ઝૂકેલું રાખવાથી આજ્ઞા ચક્ર પર સહેલાઈથી ધ્યાન કેન્દ્રિત થશે.
નીચે દર્શાવેલી પધ્ધતિઓમાંથી કોઈ એકનું તમે ચયન કરી શકો છો.
૧. નાક વાટે શ્વાસ સ્વભાવિકપણ લેતા અને કાઢતા જવાનું છે. શ્વાસ લેતી વેળા મનમાં બોલો “હું શરીર નથી”. શ્વાસ છોડતી વેળા મનમાં બોલો “હું આત્મા છું”.
૨. ધ્યાન આજ્ઞા ચક્રમાં કેન્દ્રિત કરી મનમાં સતત “ૐ” “ૐ” બોલતા જાવ અને શોધવા પ્રયત્ન કરો કે “ૐ”ના વિચારનો ઉદ્ભવ મગજમાં ક્યાંથી થાય છે. ધીરે-ધીરે એનું મૂળ ક્યાં છે એ શોધો. ૐને બદલે “અહં” “અહં” કે “શિવોહમ” શિવોહમ” પણ મનમાં બોલી શકાય.
૩. નાક વાટે શ્વાસ સ્વભાવિકપણ લેતા અને કાઢતા જવાનું છે. શ્વાસ લેતી વેળા મનમાં બોલો “ૐ” અને શ્વાસ છોડતી વખતે ઉચ્છવાસ ક્યાંથી પ્રારંભ કરી ક્યાં અટકે છે એ જોવા પ્રયત્ન કરો. વળી પાછા શ્વાસ લેતી વેળા “ૐ”.
૪. માત્ર આજ્ઞા ચક્રમાં જોયા કરો. વિચારો આવે તો આવવા દો. જ્યારે ભાન થાય કે મન વિચારોમાં અટવાયું છે તો પાછા આજ્ઞા ચક્ર પર આવી જાઓ.
ઉપરની કોઈ પણ એક પધ્ધતિનો ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી અભ્યાસ કરો. આપમેળે જે થાય એ જોયા કરો. પ્રતિદિન બને ત્યાં સુધી કોઈ એક ચોક્કસ સમયે અભ્યાસ કરવો આવશ્યક છે.
અસ્તુ!