ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૬ – ચિરાગ પટેલ


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૬ – ચિરાગ પટેલ – ૨૦૨૧ જૂન ૦૬

उ.१०.६.४ (१२९५) स त्रितस्याधि सानवि पवमानो अरोचयत् । जामिभिः सूर्यंसह ॥ (रहूगण आङ्गिरस)
એ સોમ ત્રિત યજ્ઞમાં સંસ્કારિત બનીને પોતાના મહાન તેજથી સૂર્યને પ્રકાશિત કરે છે.

આ શ્લોકમાં ઋષિ ત્રિત યજ્ઞનો ઉલ્લેખ કરે છે જેમાં સોમ સંસ્કારિત અર્થાત શુદ્ધ થાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે, સોમના ત્રણ અર્થ છે. ભૌતિક અર્થમાં એ સોમવલ્લી નામની વનસ્પતિ જે મોટે ભાગે તો આજે ભાંગ તરીકે જાણીતો છોડ છે. સૂક્ષ્મ અર્થમાં સોમ એ ફોટોન કણો છે જેનાથી સૂર્ય પ્રકાશિત થાય છે અને સમગ્ર વનસ્પતિ કે જીવ સુષ્ટિનું પોષણ કરે છે. હજુ એક બીજા સૂક્ષ્મ અર્થમાં સોમ એ પ્રાણ કે પ્રાણવાયુ છે, જે સમગ્ર જીવોને દેહધાર્મિક ક્રિયાઓ માટે પોષણ આપે છે.

હવે પછીના ૬ શ્લોકમાં ઋષિ વસિષ્ઠ કે પવિત્ર આંગિરસ સામવેદના પઠન દ્વારા થતાં લાભ કે પઠન કરનાર પર થતી અસરો વિષે જણાવે છે.

उ.१०.७.१ (१२९८) यः पावमानीरध्येत्यृषिभिः संभृतंरसम् । सर्वंस पूतमश्नाति स्वदितं मातरिश्वना ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
ઋષિઓ દ્વારા સંગ્રહિત જીવનસૂત્રોમાં રસ લેનાર, પવિત્ર કરનારા સુકતોનો પાઠ કરનારા વાયુમાં સંવ્યાપ્ત પોષક અન્નાદિનું સેવન કરે છે.
उ.१०.७.२ (१२९९) पावमानीर्यो अध्येत्र्युषिभिः संभृतंरसम् । तस्मै सरस्वती दुहे क्षीरंसर्पिर्मधूदकम् ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
જે ઋષિઓ દ્વારા બનાવેલ ઋચાઓનું અધ્યયન કરે છે એને માટે સરસ્વતી દૂધ, ઘી, મધ જેવાં પોષક તત્ત્વો જાતે જ ઉપલબ્ધ કરાવે છે.
उ.१०.७.३ (१३००) पावमानीः स्वस्त्ययनीः सुदुघा हि घृतश्चुतः । ऋषिभिः संभृतो रसो ब्राह्मणेष्वमृतंहितम् ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
ઋષિઓ દ્વારા સંપાદિત પવિત્ર કરનાર મંત્ર કલ્યાણકારક, ઉત્તમ ફળદાયી, સ્નેહવર્ધક છે. વેદ પઠન કરનાર વચ્ચે જાણે એમણે હિતકારી અમૃત મૂકી દીધું છે.

વેદ પઠન કરનારને વાયુમાંથી પોષણ મળે છે. આનો અર્થ એવો કરી શકાય કે, મંત્રોના ઉચ્ચારણ કરવાની ક્રિયાથી શરીરમાં વધુ પ્રાણવાયુ લેવાય છે અને સમાન્યથી થોડીક વધુ માત્રામાં લેવાતો પ્રાણવાયુ હિતકર જ છે.

ઋચાઓનું અધ્યયન દૂધ, ઘી,મધ એટલે કે માનસિક વિકાસમાં આવશ્યક તત્વો કે તર્ક કે વિચારણા વ્યક્તિને મળે છે. વળી, વેદ મંત્રોનું અધ્યયન વ્યક્તિની અંદર પ્રેમની લાગણી જન્માવે છે. એ જાણે અમૃત પ્રાપ્ત કરવા સમાન જ છે.

उ.१०.७.४ (१३०१) पावमानीर्दधन्तु न इमं लोकमथो अमुम् । कामान्त्समर्धयन्तु नो देवीर्देवैः समाह्युताः ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
દેવો દ્વારા સંપાદિત દૈવી ઋચાઓ અમને આ-લોક અને પરલોકમાં સુખ આપે અને અમારા પ્રિય મનોરથ ફળે.
उ.१०.७.५ (१३०२) येन देवाः पवित्रेणात्मानं पुनते सदा । तेन सहस्रधारेण पावमानीः पुनन्तु नः ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
દેવગણો પોતાને પવિત્ર કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરે છે, એ હજારો પ્રકારના સાધનોથી પવિત્ર કરનારી આ ઋચાઓ અમને પણ નિર્મળ બનાવે.

આ બે શ્લોકમાં ઋષિ ઋચાઓમાં નિહિત લાભને દેવો સાથે સાંકળે છે. આ દૈવી ઋચાઓ દેવો દ્વારા સંકલિત થઈ છે. એનો અર્થ એવો કરી શકીએ કે, ઋષિઓ પોતાની વિવિધ ઇન્દ્રિયો અને મન દ્વારા ઋચાઓને સંકલિત કરી શક્યા છે. કોઈ પણ કાર્ય માટે શરીરના અંગો, એમાં રહેલી ઇન્દ્રિયો, ચેતાતંત્ર અને મનનું ચોક્કસ સંકલન આવશ્યક છે. એ સર્વે દ્વારા નિષ્પન્ન ઋચાઓનું પઠન કરનાર પણ એ જ પ્રમાણે નિર્મળ થઈ જાય એવી ઈચ્છા ઋષિ પ્રગટ કરે છે.

વળી, અહિ આ-લોક અને પરલોકનો ઉલ્લેખ છે. એટલે, મૃત્યુ પછીના જીવન અંગેનો પૌરાણિક ખ્યાલ સામવેદ સમયમાં હશે એવું માની શકાય.

અહી ગાણિતિક સંખ્યા સહસ્ત્રનો ઉલ્લેખ વેદકાળથી પ્રચલિત ચોક્કસ અંક વ્યવસ્થાનો નિર્દેશ કરે છે.

उ.१०.७.६ (१३०३) पावमानीः स्वस्त्ययनीस्ताभिर्गच्छति नान्दनम् । पुण्याँश्च भक्षान्भक्षयत्यमृतत्वं च गच्छति ॥ (पवित्र आङ्गिरस/वसिष्ठ)
પવિત્રતા પ્રદાન કરનારી કલ્યાણકારક ઋચાઓથી પ્રેરિત થઈને સાધક આનંદની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એ પવિત્ર અન્ન ગ્રહણ કરે છે, અને અમરતા પ્રાપ્ત કરે છે.

આ શ્લોક પ્રમાણે, ઋચાઓનું પઠન વ્યક્તિને આનંદ આપે છે. વળી, એ વ્યક્તિ પવિત્ર અન્ન એટલે કે શુદ્ધ આહાર કે સાત્વિક વિચારો ગ્રહણ કરે છે. અમરતા એટલે મૃત્યુના ભયથી મુક્તિ. મૃત્યથી મુક્તિ તો શક્ય નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s