રાજયોગ અંગ ૫ – પ્રત્યાહાર – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૫ – પ્રત્યાહાર – ચિરાગ પટેલ ૨૦૨૧ જૂન ૦૯ સપ્તર્ષિ ૮૬૯૬

અષ્ટાંગ યોગના પ્રથમ ચાર અંગો બાહ્ય આચાર અને બાહ્ય શુદ્ધિ માટેના છે. ત્યાર પછીના ચાર અંગો અંતર્મુખી અને આંતરિક શુદ્ધિ માટેના છે. અંતર્મુખી અંગોમાં પ્રથમ અંગ એ પ્રત્યાહાર.

પ્રત્યાહાર શબ્દ ‘પ્રતિ’ અને ‘આહાર’ બે શબ્દોના સમાસથી બને છે. ‘પ્રતિ’ એટલે વિરોધી. આમ, પ્રત્યાહાર એ વિરોધી આહાર એવો અર્થ ધરાવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો – આંખ, નાક, કાન, જીભ અને ત્વચા; તથા પાંચ કર્મેન્દ્રિયો – હાથ, પગ, મુખ, જનનેન્દ્રિય અને ગુદા; અને અગિયારમું મન એટલી ઇન્દ્રિયો દ્વારા આપણે બાહ્ય જગત સાથે સંકળાયેલા રહીએ છીએ. આ સર્વે ઇન્દ્રિયો બાહ્ય જગત સાથે સંકળાઈ, પ્રતિક્રિયા જન્માવી વ્યક્તિ માટે નવા કર્મ એની સ્મૃતિમાં ઉમેરે છે. પ્રત્યાહારનો હેતુ આ કર્મોનો સ્મૃતિમાં થતો સંગ્રહ અટકાવવાનો છે.

જ્યારે કોઈ ઇન્દ્રિય કર્મ કરે છે ત્યારે ચેતાતંત્ર દ્વારા મન સાથે સંદેશાઓની આપ-લે કરે છે. મનની અંદર આ સર્વે સંદેશાઓના વલણ કે તરંગો સંગ્રહાય છે. પ્રત્યેક પળ આપણાં સઘળાં કર્મોની નોંધ લેવાતી જાય છે. પુરાણી સ્મૃતિઓ મનને નવા કર્મ કરતા સમયે એક ચોક્કસ નિર્ણય લેવા પ્રેરતાં હોય છે, જેને આપણે ઘરેડમાં ચાલવું કહીએ છીએ. જેમ કે, પહેલી વાર ગાડી ચલાવતા સમયે આપણું સમગ્ર ધ્યાન સ્ટિયરિંગ વ્હીલ પર હોય છે. થોડા અનુભવ પછી, આપણે સ્ટિયરિંગ વ્હીલ પર ધ્યાન આપવાને બદલે બીજે ધ્યાન કેન્દ્રિત કરતાં થઈ જઈએ છીએ. સ્ટિયરિંગ વ્હીલને લગતાં સઘળાં કર્મની નોંધ મગજ લઈ લે છે અને મન આપમેળે પોતાના નિર્ણયો લેતું થઈ જાય છે. આપણાં મોટા ભાગના દૈનિક કાર્યો આમ જ આપમેળે અભાનપણે થઈ જતાં હોય છે. વિચાર કરવો કે શ્વાસ લેવો એ પણ કર્મો છે જે આપણને બંધનમાં નાખે છે, આપણાં જન્મ-મરણનું ખાતુ ખુલ્લુ રાખે છે.

હવે, આ પ્રક્રિયાને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જવાની છે. જ્યારે ઇન્દ્રિયો દ્વારા થતાં કર્મોનો સ્મૃતિમાં સંગ્રહ નથી થતો અથવા સંગ્રહાયેલી સ્મૃતિનો ઉપયોગ નથી થતો ત્યારે એ સ્મૃતિ ધીરે-ધીરે નાશ પામે છે. આમ, આપણે કર્મોની અસરથી મુક્ત થતાં જઈએ છીએ અને આત્મદર્શનના પથ પર અગ્રેસર થઈએ છીએ.

આવું કેવી રીતે થઈ શકે? ગીતામાં શ્રીકૃષ્ણ બે માર્ગ સૂચવે છે. આપણે કોઈ પણ કર્મ કરીએ એના કર્તૃત્વનું ભાન ભલે રહે, એનું ફળ કે પરિણામ શ્રીકૃષ્ણને અર્પણ કરી દેવું. “હું”નો અહિ લોપ નથી થતો, પણ એની સ્મૃતિનો સભાનપણે આપણે સંગ્રહ નથી થવા દેતા. ગીતા પ્રમાણે બીજા માર્ગમાં કર્તૃત્વનો લોપ કરવાનો છે. જે પણ કર્મ થાય છે એ “હું” નહીં પણ “તે” એટલે કે કૃષ્ણ કરી રહ્યા છે એવો ભાવ સતત ધારણ કરવો.

આ બે માર્ગ પણ જો અઘરા લાગતા હોય તો બીજા બે ઉપાય પણ છે. પ્રત્યેક કર્મમાં એટલે કે પ્રત્યેક પળમાં સતત કોઈ મંત્રનો જાપ કરતા રહેવું. એ મંત્ર ગુરુ પરંપરાથી મળ્યો હોય તો ઉત્તમ, નહિતર ૐ કે રાં તારક છે જ. બીજો ઉપાય છે, સતત અવલોકનકર્તા બની રહેવું. મન, કાર્ય અને “હું” વચ્ચે સદૈવ એક અંતર રાખવું. જેમ નાળિયેર સૂકું હોય તો ખખડે એમ જ્યારે “હું” મનથી અલગ ખખડે ત્યારે આવા અવલોકનકર્તા બની શકાય છે. પછી, સર્વ કોઈ કાર્ય સભાનપણે જ થશે.

ઉપર બતાવેલ ચારેય માર્ગમાંથી કોઈ એક કે એકથી વધુનો સતત અભ્યાસ કરતાં રહેવાથી, આધ્યાત્મિક અનુભવોની સીડી સહેલાઈથી ચઢી શકાશે અને આત્મદર્શનનો સૂર્ય પ્રાપ્ત કરી શકાશે.

ૐ તત સત!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s