વાંચન દ્વારા સર્જન – ચિરાગ પટેલ


વાંચન દ્વારા સર્જન – ચિરાગ પટેલ ૨૦૨૧ જૂન ૦૪

સર્જન પ્રકૃતિની અભિવ્યક્તિ છે. પ્રકૃતિના કણ-કણમાં સર્જન છે.
ગદ્ય કે પદ્યનું સર્જન પણ પ્રકૃતિની જ અભિવ્યક્તિ છે. લેખન સર્જન જાણે પાટલપુષ્પનો છોડ ઉછેરી, એ પુષ્પો આદ્યશક્તિના ચરણે અર્પણ કરવાની પ્રક્રિયા છે.
પુષ્પો છોડ પર પાંગરે છે. બીજ અંકુરિત થઈ સંવર્ધનથી છોડ બને છે.
આ બીજ ક્યાંથી આવે છે?
એ બીજ કોઈ પૂર્વેના ઉછરેલા છોડમાં પાંગરેલ પુષ્પથી આવરિત હોય છે.
એક વિચાર બીજ જ્યારે અક્ષરદેહ ધારણ કરે છે ત્યારે એમાં કોઈ રીતભાત હોતી નથી. એ પ્રકૃતિના સીધા સંપર્કની ભાષા હોય છે. એ નિર્દોષ ભૂલકાં સમાન માત્ર લાગણીની ભાષા હોય છે.

આવા સર્જનને લોકભોગ્ય બનાવવા અને એક શિસ્તના ઘાટમાં ઢાળવા સર્જકને થોડું મથવું પડે છે.
સર્જક અનેક લેખકોના અક્ષરદેહને ઓળખે, જાણે, પિછાણે અને પોતાના સર્જનને સરખામણીની એરણ પર ચઢાવે.
વિશ્વભરના સર્જન સાથે સવાયા વાચક બનીને સર્જક સીધો હ્રદયના સેતુથી સંબંધ બાંધે.
ઉત્તમ સર્જનને પોતે પિછાણે.
સૈનિકની શિસ્તથી વિશ્વ સર્જનની વિવેચના કરે, કદીક આલોચના પણ કરે અને ક્યારેક પ્રેમી સમાન વધાવે.
અક્ષરોના વૃંદાવનમાં કૃષ્ણની વાંસળીના સૂર શોધે, પાત્રોની અથડામણમાં ગોપ-ગોપીઓના રાસના તાલ અનુભવે, કાવ્ય કે કથાના ભાવમાં ગોકુળની ગાયની દુગ્ધસેરો પામે. ક્યારેક વળી દુષ્ટતાના પરિચયમાં કંસના અસૂરો ભાળે.

લખાણ પોતાનું હોય કે અન્યનું, એની કચાશ પારખવા માટે વર્ષોની વાંચન સાધના આવશ્યક છે. અનેક પ્રકારના સર્જનને આત્મસાત કરવાથી અનંત શક્યતાના દ્વાર ઊઘડે છે.

એનો અર્થ સહેજે એવો ના કરાય કે, અન્ય સર્જનના વિચારબીજને લઈ લેવું અને પોતાની રીતે લખવું. વિચારબીજ લઈએ તો એ માટે મૂળનો યથોચિત ઉલ્લેખ કરવો. શૈલીની પણ પ્રતિકૃતિ થઈ શકે છે. એક એવી લક્ષ્મણ રેખા છે જે સર્જકે અત્યંત સાવધાની રાખી ઓળંગવાની નથી હોતી.

એવું પણ જોવામાં આવે છે કે, એક ઉત્તમ વાચક ધીરે-ધીરે સર્જક બનવાના રાજમાર્ગે પ્રયાણ કરી જ દે છે. એ પ્રકૃતિના આશીર્વાદ છે. એના સ્પર્શમાં આવેલ પ્રત્યેક વ્યક્તિ સર્જનના ખેલમાં સહભાગી બની જ જાય છે. વળી, એ પ્રકૃતિ “મા”ને ધન્યવાદથી આપેલી એ ઉત્તમ ભેંટ છે!

આપ સહુ પણ સર્જનના રંગમાં રંગાઈને સૃષ્ટિના રંગમંચને વધાવો એવી અભ્યર્થના!
પ્રણામ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s