રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ ઓગસ્ટ ૨૧, ૨૦૧૦

રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર પડતા પ્રભાવને સ્વીકારી પ્રાણાયામ કરતો થઇ ગયો છે. (કડવી વાસ્તવિકતા છે, પણ સાચું છે કે મુસ્લિમો યોગાસન અને પ્રાણાયામને ઇસ્લામ વિરુદ્ધ ગણી બહુ મોટા લાભથી વંચિત રહી ગયા છે. એલોપથીને શા માટે ઇસ્લામ વિરુદ્ધ નથી ગણી શકતા?) સ્વામી વિવેકાનંદનું રાજયોગ પરનું વિવેચન મેં વાંચ્યું ત્યારે એક બહુ મહત્વની વાત તેમણે કહી તે એ હતી કે, પ્રાણાયામ એટલે શ્વાસ પરનો કાબૂ મેળવવો એ નહિ પણ ફેફસાની માંસપેશીઓ પર કાબૂ મેળવવાની પ્રક્રિયાને પ્રાણાયામ કહે છે. જો કે, એ માટે પ્રાણાયામમાં પ્રાણ એટલે શ્વાસ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

પતંજલિ યોગદર્શન મુજબ આપણા શરીરમાં બોતેર હજાર નાડીઓની કલ્પના કરવામાં આવી છે. એમાં મુખ્ય ત્રણ નાડીઓ છે: ઈડા, પિંગળા અને સુષુમ્ણા. ઈડા નાડી એ ચંદ્ર નાડી ગણાય છે. એ ચિત્તશક્તિનું વહન કરે છે, શરીરમાં ઠંડક પ્રેરે છે. જે કાર્યમાં શાંતિ કે સ્થિર મનની જરૂર હોય એ ઈડા નાડીમાંથી એટલે કે ડાબા નસકોરાં દ્વારા શ્વાસ ચાલતો હોય ત્યારે કરીએ તો વધુ સારી રીતે પાર પાડી શકાય. પિંગળા નાડી સૂર્ય નાડી છે અને એ જમણા નસકોરામાંથી પસાર થાય છે. પિંગળા સ્થૂળ શરીરની શક્તિનું વહન કરે છે અને શરીરમાં ગરમી પ્રસરાવે છે. જે કાર્યમાં ઉર્જાની જરૂર હોય, શૌર્યની જરૂર હોય એ પિંગળા નાડીમાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે કરવાથી વધુ સારી રીતે પાર પાડી શકાય. એક નાનો પ્રયોગ કરી જુઓ. તમને જ્યારે શરદી થાય ત્યારે ડાબું નસકોરું બંધ કરી ૩-૪ મિનીટ માત્ર જમણા નસકોરાથી શ્વાસોચ્છવાસ કરી જુઓ. જ્યારે ગુસ્સો આવે ત્યારે માત્ર ડાબા નસકોરાંથી શ્વાસોચ્છવાસ લઇ જુઓ. આપણે આ બધી નાડીઓને ના માનીએ પણ આવા પ્રયોગ કરી જોવામાં કશો વાંધો નથી. સુષુમ્ણા નાડી એ મધ્ય નાડી છે. એ આત્મશક્તિનું વહન કરે છે. યોગીઓ માટે સુષુમ્ણા નાડી બહુ જ મહત્વ ધરાવે છે. જ્યારે કુંડલીની ઉર્જા સુષુમ્ણા નાડીમાં વહીને સાતે ચક્રોને શુદ્ધ કરે છે ત્યારે યોગી પરબ્રહ્મની અનુભૂતિમાં લીન થઇ જાય છે. આપણને દરેકને અનુભવ હશે કે દિવસ દરમ્યાન બેમાંથી એક જ નસકોરું ચાલતું હોય છે. જ્યારે નસકોરું બદલાવાનું હોય ત્યારે થોડી ક્ષણો પુરતો શ્વાસ સુષુમ્ણા નાડીમાં થઈને વહેતો હોય છે. પ્રાણાયામની ક્રિયા દ્વારા આપણે સુષુમ્ણા નાડીમાં શ્વાસ વધારે સમય સુધી વહેવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આત્મ શક્તિમાં વધારો થાય.

પ્રાણાયામમાં પૂરક એટલે શ્વાસ અંદર લેવો, કુંભક એટલે શ્વાસ રોકવો અને રેચક એટલે શ્વાસ બહાર કાઢવો. કુંભક બે રીતે થાય છે: શ્વાસને અંદર રોકીએ એ આંતરિક કુંભક અને શ્વાસને બહાર રોકીએ એ બાહ્ય કુંભક. વળી, પ્રાણાયામમાં મંત્ર સાથે ગણતરી કરીએ એ સગર્ભ પ્રાણાયામ અને માત્ર આંકડાઓથી ગણતરી કરીએ એ અગર્ભ પ્રાણાયામ. ઘણા લોકોની પ્રકૃતિ પ્રમાણે તેમને પ્રાણાયામ કરવાથી કફ વધી જતો જોવા મળે છે. તેઓ જો કોઈ મંત્ર સાથેનો સગર્ભ પ્રાણાયામ કરે તો રાહત રહે એવું કહેવાય છે. મંત્ર માટે ૐ સહુથી શ્રેષ્ઠ રહેશે. થોડા પ્રાણાયામ જાણીએ જે કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે. શ્વાસમાં વધુ તકલીફ જણાય તો પ્રમાણ ઓછું કરી દેવું અથવા અમુક ક્રિયાઓ ના કરવી. પ્રાણાયામની જે સર્વસામાન્ય સૂચનાઓ છે તેનું સમ્પાદન કરીને નીચે આપી દઉં છું.

 • પ્રાણાયામ સૂર્યોદય પહેલાં ખાલી પેટે કરો. પ્રાતઃ ૫.૩૦ સુધીમાં પ્રાણાયામ કરવા અવશ્ય બેસી જાઓ. કારણ કે આ સમયે હવા શુદ્ધ અને નિર્મળ હોય છે.
 • સવારે જલદી ઊઠીને શૌચ – સ્નાન કરીને પ્રાણાયામ કરો તો ઠીક છે નહિતર મોં, હાથ, પગ ધોઇને એક ગ્લાસ પાણી પીને પ્રાણાયામ કરવા બેસો.
 • પ્રાણાયામ કરતી વખતે વસ્ત્રો ઢીલા અને આરામદાયક હોવા જોઇએ જેથી પેટ સરળતાથી ફૂલી શકે.
 • પ્રાણાયામ માટે ઊનના આસન પર વજ્રાસન, સુખાસન અથવા પદમાસનમાં બેસો. જો નીચે બેસવામાં તકલીફ હોય અથવા ડોક્ટરે ના પાડી હોય તો ખુરશીમાં આગળની તરફ બેસો. પાછળ ટેકો લઇને બેસો નહીં.
 • પ્રાણાયામ માટે ઘરની છત, પાર્ક, ઘરનો બગીચો, આંગણું જ્યાં પણ સ્વચ્છ હવા આવી રહી હોય ત્યાં બેસો. ગંદા કે દૂષિત વાતાવરણમાં ક્યારેય પ્રાણાયામ કરશો નહીં. પ્રાણાયામ માટે એવી જગ્યા પસંદ કરવી જોઇએ જ્યાં ધૂળ, માટી, પ્રદૂષણ તેમજ અવાજ ન હોય.
 • શક્ય હોય તો પ્રાણાયામ એકાંતમાં કરો જેથી કોઇ જુએ, બોલે કે અવાજ કરે તો તમારી એકાગ્રતા ન તૂટે.
 • પ્રાણાયામ વખતે બંને હાથ આગળની તરફ ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. તેનાથી સ્મરણ શક્તિ તીવ્ર થાય છે. તેના માટે બંને હાથના અંગૂઠાને તર્જની આંગળીએ સ્પર્શ કરો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો. તેનાથી માનસિક રોગ, ચીડિયાપણું, અનિંદ્રા વગેરે દૂર થાય છે.
 • પ્રાણાયામ કરતી વખતે આંખોને કોમળતાથી બંધ રાખો. શરીરના કોઇ પણ અંગને તણાવમાં ન રાખશો. હાથ, પગ, પેટ, આંખો, મસ્તિષ્ક વગેરે બધાને તણાવમુક્ત રાખો. કમર તથા કરોડરજ્જુને એકદમ સીધી રાખો. મોં સીધું અને સામેની બાજુ રાખો.
 • પ્રાણાયામ કરતી વખતે મોં બંધ રાખો. પ્રાણવાયુને ખૂબ જ ધીરે – ધીરે સહજતાથી નાક દ્વારા (પેટ નહીં) ફેફસાંને ખૂબ ફૂલાવીને છાતી સુધી ભરી નાખો. તેમજ ધીરે – ધીરે શ્વાસને છોડો.
 • શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે મનમાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરો. જો ગણીને પ્રાણાયામ કરવાનો હોય તો તે કામ આંગળીઓ પર છોડી દો.
 • પ્રાણાયામ સુખપૂર્વક કરો. જો શરીરમાં કોઇ કષ્ટ થઇ રહ્યું હોય તો પ્રાણાયામ રોકીને શ્વાસને નિયમિત કરો. થોડીવાર આરામ કરીને ફરી પ્રાણાયામ શરૃ કરો. એક વાતનું ધ્યાન રાખો કે શરીરને કષ્ટ પડતો હોય તેવી સ્થિતિમાં પ્રાણાયામ કરવો જોઇએ નહીં.
 • નિત્ય પ્રાણાયામના સમયમાં થોડો થોડો વધારો કરો અને હંમેશા સાદું, પૌષ્ટિક, ક્ષારયુક્ત ભોજન કરો. વધારે તેલ, ઘી કે મસાલો ન ખાશો.
 • ધૂમ્રપાન કરવું જોઇએ નહીં. આ વ્યસન તમારા શરીર, પૈસા અને ઘરને વેરવિખેર કરી નાખે છે.
 • પ્રાણાયામ કર્યા પછી અડધો કલાક કશું જ ખાશો – પીશો નહીં અને સ્નાન પણ ન કરશો.
 • હવા તીવ્ર હોય ત્યારે પ્રાણાયામ કરશો નહીં.
 • ભોજન કર્યા પછીના ત્રણ કલાક સુધી પ્રાણાયામ ન કરશો.
 • નિર્બળ, રોગી, ગર્ભવતી મહિલા, ભૂખ્યા – તરસ્યા વ્યક્તિએ પ્રાણાયામ ન કરવો જોઇએ.
 • મોં ઢાંકીને અથવા બંધ રૃમમાં પ્રાણાયામ ન કરશો.

સ્વર્ગારોહણ (swargarohan.org) પર આપેલ પ્રાણાયામના બન્ધ વિશેની નોન્ધ નીચે મુજબ છે:

બંધનો ઉપયોગ અનેકવિધ આસન અને પ્રાણાયામની ક્રિયા દરમ્યાન કરવામાં આવે છે. એમ કરવાથી એ ક્રિયાઓ દરમ્યાન ઉત્પન્ન થયેલ ઉર્જાને શરીરમાં યોગ્ય સ્થાને અને યોગ્ય અંગમાં સંગ્રહિત કરવામાં મદદ મળે છે. આ પ્રમાણે કરવામાં ન આવે તો કેટલીક વાર, ઉત્પન્ન થયેલ શક્તિઓ હાનિ પણ પહોંચાડી શકે છે. આમ પ્રાણની શક્તિને નિયંત્રિત કરવાની યોગની સમગ્ર પ્રક્રિયામાં બંધનું ખુબ અગત્ય છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના બંધ કરવામાં આવે છે.

 1. જાલંધર બંધ: પદ્માસન, સિદ્ધાસન કે સુખાસન જેવા કોઈ અનૂકુળ આસનમાં બેસો. હાથને ઘુંટણ પર ટેકવો. ધીરેથી શ્વાસને અંદરની તરફ ભરો અને પછી સહજ રીતે બહાર કાઢો. શ્વાસને બહાર કાઢતી વખતે ખભાને સહેજ ઉપર લઈ માથું આગળની તરફ નમાવો. એમ કરવાથી કરોડરજ્જુનો ભાગ ખેંચાશે. હડપચીનો ભાગ ગળાની સહેજ નીચે ધડ પર મધ્યભાગમાં ત્રિકોણ પડે છે ત્યાં, અંગ્રેજીમાં જેને collar bone કહે છે તેની મધ્યમાં પડતા jugular notch પર ગોઠવો. આ સમયે બધો જ શ્વાસ બહાર નીકળી ગયો હશે અને બાહ્ય કુંભક હશે. આ સમયે જીભને અંદરની તરફ વાળી તાળવાની ઉપરના ભાગમાં ઉંધી લગાવો જેથી ગળાની શરૂઆતમાં આવેલ શ્વસનમાર્ગના છિદ્રો અવરોધાય. આંતરિક રીતે જીભથી જીહ્વાબંધ દ્વારા અને બાહ્ય રીતે હડપચીને પ્રાણને રોકો. બાહ્ય કુંભકની આ સ્થિતિ જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી રાખો. પછી ધીરેથી જીભને એની સામાન્ય સ્થિતિમાં લાવો, હડપચીને ઉપર ઉઠાવો, ખભાને સામાન્ય કરો અને શ્વાસને અંદર ભરો.

જેવી રીતે આસન પર બેસીને જાલંધર બંધ કરી શકાય છે તેવી જ રીતે સર્વાંગાસન જેવા આસન દરમ્યાન પણ જાલંધર બંધ સહજ રીતે થઈ શકે છે.

 1. મૂળ બંધ: પદ્માસન, સિદ્ધાસન કે અનૂકુળ આવે તેવા સુખાસનમાં બેસો. બંને હાથ સીધાં કરી ઘુંટણ પર ટેકવો. ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસને પૂર્ણપણે બહાર કાઢો. શ્વાસને બહાર કાઢવાની ક્રિયા દરમ્યાન ગુદાના (મળવિસર્જનના માર્ગ) ભાગના સ્નાયુઓને અંદરની તરફ સંકોચો. અંગ્રેજીમાં જેને buttock and rectal muscle તરીકે ઓળખવામાં આવે છે, તે સ્નાયુઓને સંકોચવાના છે. જ્યારે નાસિકા માર્ગે શ્વાસ સંપુર્ણપણે કાઢી નાંખો પછી આ રીતે મૂલ બંધ કરેલી સ્થિતિમાં બાહ્ય કુંભક કરો. એટલે કે નાક વાટે બધો શ્વાસ બહાર કાઢી નાંખો અને એ સ્થિતિમાં નવો શ્વાસ ભર્યા વગર મૂલ બંધ કરો. મૂલ બંધ કરવાની આ ક્રિયા દરમ્યાન ગુદાદ્વારના સ્નાયુઓને તમે સંકોચી, વિસ્તારી અને ફરી સંકોચી શકો. એમ કરવાથી પ્રાણની ઉર્ધ્વ ગતિને મદદ મળશે. જ્યારે બાહ્ય કુંભક પુરો થાય, એટલે કે તમારે શ્વાસ અંદર ભરવો પડે એમ લાગે ત્યારે ધીરેથી શ્વાસને અંદર ભરો. એ જ સમયે તમારા ગુદાદ્વારના સંકોચાયલા સ્નાયુઓને હળવેથી વિશ્રામ આપો. મૂલ બંધની આ ક્રિયા પાંચેક વાર કરો.
 2. ઊડ્ડિયાન બંધ: ઉડ્ડિયાન બંધ ઊભા, બેઠાં, સૂતેલાં પણ કરી શકાય છે. શિર્ષાસન કે વૃક્ષાસન જેવા આસનો દરમ્યાન કે જ્યારે શરીર સામાન્ય સ્થિતિ કરતાં ઉલટું હોય ત્યારે પણ આ બંધ કરી શકાય છે. અહીં આપણે સામાન્ય રીતે મોટા ભાગના અભ્યાસુઓ જે રીત પસંદ કરે છે તે રીત – ઉભડક રહીને ઉડ્ડિયાન બંધ કરવાની પ્રક્રિયાનું વર્ણન કરીશું. પ્રથમ બંને પગની વચ્ચે એકાદ ફુટ જેટલી જગ્યા રહે એ પ્રમાણે ઊભા રહો. કમરથી સહેજ વાંકા વળો. પગને ઢીંચણમાંથી વાળી જાંઘથી ધડ અને મસ્તક સુધીનો બધો પ્રદેશ ખુરશી જેવા આકારનો બનાવો. બંને ખભા અને છાતી ટટ્ટાર, વિકસેલા અને આગળ તરફ રાખવા. ઊંડો શ્વાસ લો. પછી સહજ રીતે શ્વાસને નાસિકાદ્વારમાંથી બહાર કાઢો. જ્યારે શ્વાસ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એ સમયે બાહ્ય કુંભક કરો. સાથે સાથે નાભિના ઉપરના તથા નીચેના પેટના ભાગને બરડાને અડી જાય એવી રીતે સહેજ બળપૂર્વક અંદર અને ઉર્ધ્વ તરફ ખેંચો. ઉરોદરપટલના સ્નાયુઓ આ રીતે અંદર ખેંચવાથી અંતર્ગોળ ખાડા જેવું પેટ પર દેખાશે. અને પેટ જાણે કરોડરજ્જુને અડી જવા અંદરની તરફ ગયું હોય એવું અનુભવાશે. આ ઉડ્ડીયાન બંધ થયો. ઉડ્ડિયાન બંધ કરતી વખતે મૂલ બંધ કરવો જરૂરી છે. મૂલ બંધમાં ગુદામાર્ગના સ્નાયુઓને અંદરની તરફ ખેંચવાના હોય છે. ઉડ્ડિયાન બંધ જેટલો સમય બાહ્ય કુંભક કરી શકો તેટલો સમય કરો. જ્યારે શ્વાસને અંદર લેવો પડે ત્યારે ધીરેથી શ્વાસને અંદર ભરવાનો શરૂ કરો અને ઉરોદરપટલના સ્નાયુઓને ધીરેથી મુક્ત કરો. ઉડ્ડિયાન બંધની ક્રિયા આ રીતે પાંચેક વાર કરો.

જે રીતે ઉભડક રહીને ઉડ્ડીયાન બંધ કર્યો તે જ પ્રમાણે પદ્માસન કે સ્વસ્તિકાસન પર બેસીને એ જ વિધિથી ઉડ્ડીયાન બંધ કરી શકાય. એ કિસ્સામાં પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો. હાથને ઘુંટણ પર ટેકવી અને ધડને સહેજ આગળની તરફ વાળો. પછી બંધની ક્રિયા ઉપર વર્ણન કર્યા મુજબ કરો.

આ ત્રણેય બંધ અલગ અલગ રીતે કરી શકાય છે. પણ એવું જરૂરી નથી કે દરેક બંધ અલગ અલગ જ કરવા જોઈએ. ઘણી વખત તેમને એકસાથે પણ કરવામાં આવે છે. એને ત્રિબંધ કહે છે.

પ્રાણાયામ માટે સહુપ્રથમ નાડી શુદ્ધિ કરવી આવશ્યક છે. આ માટે જે પ્રાણાયામ કરવામાં આવે છે એને “અનુલોમ-વિલોમ” કહે છે. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી જમણું નસકોરું બંધ કરી ડાબા નસકોરાથી ધીરે ધીરે પેટથી ગળા સુધી શ્વાસ ભરો (પૂરક). બંને નસકોરાં બંધ કરી આંતરિક કુંભક કરો. ડાબું નસકોરું બંધ કરી જમણા નસકોરાથી ધીરે ધીરે શ્વાસ પુરેપુરો બહાર કાઢો (રેચક). હવે, જમણા નસકોરાથી પૂરો શ્વાસ લઇ, આંતરિક કુંભક કરી, ડાબા નસકોરાં વડે શ્વાસ બહાર કાઢો. આ એક આવર્તન થયું. આવા ચાર-પાંચ આવર્તન કરો. અહી પૂરક-કુંભક-રેચકનું પ્રમાણ ૧:૨:૨ કે ૧:૪:૨ રાખો. ૪ સેકંડ પૂરક, ૮ કે ૧૬ સેકંડ આંતરિક કુંભક અને ૮ સેકંડ રેચક કરો. જ્યારે સમય વધારતા ૧૬-૬૪-૩૨ સેકંડ થાય ત્યારે અનુલોમ-વિલોમ સિદ્ધ થયું ગણાય. (ચેતવણી: રક્તચાપ (બ્લડ પ્રેશર)ની તકલીફ હોય તો કુંભક ના કરવું.)

હવે, શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રના શુદ્ધિકરણ માટે “કપાલભાતિ” કરો. કપાલ એટલે ખોપરી અને ભાતિ એટલે ચમકવું. આ પ્રાણાયામથી ખોપરી પ્રકાશિત થાય છે. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી બંને હાથ ઘુંટણ પર રાખો. ચહેરાના દેખાવમાં ફેરફાર ના થાય એ રીતે પેટને સહેજ અંદર તરફ ધક્કો મારો. આ રીતે શ્વાસ બહાર નીકળી જશે અને કોઈ જ પ્રયત્ન વગર શ્વાસ ફરી અંદર લેવાશે. ફરી પેટને ધક્કો મારી શ્વાસ બહાર કાઢતા જાઓ. લગભગ એક સેકન્ડે એક વાર આવો ધક્કો મારી શ્વાસ બહાર કાઢો. લગભગ એક મિનિટ સુધી આ ક્રિયા કરો. ધીરે-ધીરે સમય વધારતા પાંચ મિનિટ સુધી કપાલભાતિ કરો.

હવે કુંભક પ્રમાણે પ્રાણાયામના જે આઠ પ્રકાર કહ્યા છે તે જોઈએ.

૧. સૂર્યભેદન: પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસી આંખો બંધ કરો. ડાબા નસકોરાને જમણી ટચલી આંગળી વડે બંધ કરી, જમણા નસકોરાથી શ્વાસ ધીરેથી પૂરો ભરી દો. જમણા અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરી, દાઢીને છાતી સાથે અડાવવા પ્રયત્ન કરો (જાલંધર બંધ) અને કુંભક કરો. થોડો સમય રહી, ડાબું નસકોરું ખોલી ધીરે-ધીરે શ્વાસ બહાર કાઢો. ૩-૪ વખત આ ક્રિયા કરો. સંધિવા, કોઢ, યકૃતના રોગો, રક્તવિકાર દૂર કરવામાં આ પ્રાણાયામ મદદરૂપ થાય છે, જઠરાગ્ની વધે છે.

૨. ઉજ્જાયી: પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસી, જીભને સહેજ પાછળ ગળામાં અડાવી, ધીરેથી મંદ અવાજ કરતા બંને નસકોરાથી શ્વાસ અંદર ખેચો. થોડો સમય આંતરિક કુંભક કરી, જમણા અંગૂઠા વડે જમણું નસકોરું બધ કરી, ડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. ૩-૪ આવર્તન કરો. ઉજ્જાયીથી દમ, ક્ષય, વગેરે ફેફસાના રોગોમાં ફાયદો થાય છે.

૩. સીત્કારી: પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસી, જીભને બહાર કાઢો અને એનો વચલો ભાગ હોઠને અડે એમ રાખો. પછી “સી…સી…” એવો અવાજ કરતા શ્વાસ અંદર ખેચો. થોડો સમય કુંભક કરો અને બંને નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. આ પ્રાણાયામ પિત્ત કાબૂમાં રાખે છે, ભૂખ, તરસ, આળસ અને ઊંઘ દૂર કરે છે.

૪. શીતલી: પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસી, જીભને પીપૂડીની જેમ વાળીને બહાર કાઢો. પછી “સી…સી…” એવો અવાજ કરતા શ્વાસ અંદર ખેચો. થોડો સમય કુંભક કરો અને બંને નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. શીતલી કરવાથી ચામડીના રોગો, કબજીયાત, ક્રોધ, આફરો, બરોળની વૃદ્ધિ, પિત્ત વૃદ્ધિ, રક્તપિત્ત દૂર કરે છે. એવું કહેવાય છે કે, આ પ્રાણાયામ નિયમીત કરનારને સાપ અને વીંછીનું ઝેર અસર નથી કરતું. (વીંછી વાળી વાત માની શકાય એમ છે, પરંતુ સાપ વાળી વાત માટે કોઈ પ્રયોગ કરીએ તો જ સાચુ ઠરે.)

૫. ભસ્ત્રિકા: ભસ્ત્રિકા એટલે ધમણ. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી સહેજ જોરથી અવાજ કરી બંને નસકોરા વડે શ્વાસ અંદર ખેચો અને થોડો સમય કુંભક કરો. આરામથી શક્ય એટલો શ્વાસ સહેજ જોરથી બહાર કાઢો. આવા ૩-૪ આવર્તન કરો. ભસ્ત્રિકાથી કફ,પિત્ત, અને વાયુના પ્રકોપમાં રાહત થાય છે, દમ અને ક્ષય માટે છે. શરીરને હૂફ મળે છે.

૬. ભ્રામરી: ભમરા જેવો અવાજ કરનાર આ પ્રાણાયામને ભ્રામરી કહે છે. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી, શ્વાસ બહાર કાઢી, બંને કાનને અંગૂઠાઓ વડે બંધ કરી, બંને નસકોરા વાતે ઊંડો શ્વાસ લો. પહેલી બે આંગળીઓ કપાળ પર મૂકી, બાકીની ત્રણ નાકની બાજુમાં ગોઠવી, ભમરાના ગુંજારવ જેવો અવાજ કરતા શ્વાસ બહાર કાઢો. કાન અને નાક/કપાળ પર આંગળીઓ મુક્યા વગર પણ આ પ્રાણાયામ કરી શકાય છે. આ પ્રાણાયામથી ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે છે.

૭. મૂર્ચ્છા: પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી, બંને નસકોરા વડે શ્વાસ અંદર લઇ, ગાઢ જાલંધર બંધ (હડપચીને છાતી સાથે અડકાવો) કરો અને થોડીવાર પછી બંને નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. આ પ્રાણાયામથી આનંદની અનુભૂતિ થાય છે.

૮. પ્લાવિની: પ્લાવિની એટલે તરાવનારી. સિદ્ધાસન કે વજ્રાસનમાં બેસી, બંને નસકોરા વડે શ્વાસ અંદર લઇ, કુંભક કરો અને જાલંધર બંધ કરો. થોડા સમય બાદ બંને નસકોરા દ્વારા શ્વાસ બહાર કાઢો. મૂર્ચ્છા અને પ્લાવિની વચ્ચે ખાસ તફાવત નથી. પ્લાવિનીમાં આંતરિક કુંભક વધુ સમય કરવામાં આવે છે. વળી, પ્લાવિની સૂતા- સૂતા પણ કરી શકાય છે. એવું કહેવાય છે કે, પ્લાવિની સિદ્ધ કરનાર અનાજ લીધા વગર દિવસો સુધી રહી શકે છે.

વિવિધ પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરી જુઓ અને શરીર પરની એની અસરોને નિહાળતા રહો. પૈસો (કે ડોલર/પાઉન્ડ) ખર્ચ્યા વગર બીમારી દુર થતી હોય તો શું ખોટું?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s