ઑટોબાન – ચિરાગ પટેલ મે ૩૧, ૨૦૧૦

દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે પણ આ હાઈવે સીસ્ટમનો ઉપયોગ બખૂબી કર્યો હતો. શરૂઆતમાં આ માર્ગ વ્યવસ્થા “એડોલ્ફ હિટલરનો રસ્તો” તરીકે ઓળખાતી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ દરેક માર્ગનો જર્મનીએ નવેસરથી વિકાસ કર્યો અને ઘણાબધા નવા હાઈવે પણ બાંધ્યા. આ આખી માર્ગ વ્યવસ્થા “ઑટોબાન” (autobahn) તરીકે ઓળખાય છે. જો કે મર્યાદિત પ્રવેશવાળો રસ્તો સહુપ્રથમ ઈટાલીમાં ૧૯૨૨મા બન્યો હતો.

ઑટોબાનની અમુક ખાસીયતમાની એક એવી છે કે આ માર્ગો પર ઘણી બધી જગ્યે કાર અને બાઈક માટે ગતિની કોઈ મર્યાદા રાખવામાં નથી આવી. મેં એક શો દરમ્યાન ૨૦૦ માઈલ/કલાકની ઝડપે ગાડીને જતા જોઈ છે. જર્મનીમાં આ કારણે વર્ષોથી કાર બનાવનારા આ ગતિ પર જતી કાર બનાવવા માટે પ્રખ્યાત છે. જર્મન કાર જેવી કે આઉડી, બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, ઓપલ, પોર્શે, સ્માર્ટ, ફોક્સવેગન, વગેરે અતીઝડપ અને સલામતી માટે વિશ્વભરમાં પસંદ કરાય છે. ઑટોબાન પર જો કે ટ્રક, બસ વગેરે માટે ગતિ મર્યાદાનું ચુસ્તી પૂર્વક પાલન થાય છે. વળી, ફુલસ્પીડે ગાડી ચલાવવા માટેના પણ જે નિયમો છે તે પણ સખ્તાઈ પૂર્વક અમલમાં છે. આ કારણને લઈને જ ઑટોબાન પર ગતિ મર્યાદા ના હોવા છતાં સહુથી ઓછા અકસ્માતો થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ આઇઝનહોવર જર્મનીમાં યુદ્ધ લડ્યા હતા અને “ઑટોબાન” વ્યવસ્થા જોઇને ચકિત થઇ ગયા હતા. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમેરિકાની “ઇન્ટરસ્ટેટ હાઈવે સીસ્ટમ” તેમણે શરુ કરી અને થોડા સમયમાં તો દુનિયાની સહુથી મોટી હાઈવેની માયાજાળ અમેરિકામાં પથરાઈ ગઈ. આ હાઈવે સિસ્ટમને લીધે અમેરિકાનો આર્થિક વિકાસ અકલ્પ્ય ઉચાઇઓને આંબી ગયો. અમેરિકામાં હાઈવેની માયાજાળ ૬૪લાખ કિલોમીટર લાંબી છે. અમેરિકન એક્સપ્રેસ વેમાં દરેક માર્ગને નંબર આપવાની પધ્ધતિ પણ જાણવા જેવી છે. ઉત્તર-દક્ષિણ જતા માર્ગને એકી સંખ્યા આપવામાં આવી છે, જેમ કે બોસ્ટનથી ફ્લોરીડા જતા માર્ગને I-૯૫ કહે છે. પૂર્વ-પશ્ચિમ જતા માર્ગને બેકી સંખ્યા આપવામાં આવી છે, જેમ કે ન્યૂયોર્કથી સાનફ્રાન્સિસ્કો જતા માર્ગને I-૮૦ કહે છે. મુખ્ય વે પરથી જો કોઈ નાનો ઉપ-વે કાઢ્યો હોય તો એને ત્રણ આંકની સંખ્યામાં પહેલો આંકડો એકી હોય છે અને આ નાનો ઉપ-માર્ગ જો બે મુખ્ય માર્ગને જોડે તો પહેલો આંકડો બેકી હોય એવી ત્રણ આંકડાની સંખ્યા આપવામાં આવી છે. I-૯૫ પરથી I-૧૯૫ નીકળીને ન્યુજર્સીના દરિયા કિનારે પૂરો થાય છે, જ્યારે I-૪૭૬ માર્ગ ઉત્તરમાં I-૮૧ અને દક્ષિણમાં I-૯૫ને જોડે છે.

મોડે-મોડે પણ ભારત આવી એક્સપ્રેસ વે સીસ્ટમમાં જોડાયું છે. એક ગુજરાતી તરીકે આપણે અમદાવાદ અને વડોદરાને જોડતા ભારતના સહુપ્રથમ ૯૫ કીલોમીટરના “નેશનલ એક્સપ્રેસ વે ૧” માટે ગૌરવ અનુભવીએ છીએ. આપણી સરકાર ૨૦૨૨ સુધીમાં કુલ ૧૮હજાર કિલોમીટરની હાઈવે સીસ્ટમ વિકસાવવા કટિબદ્ધ છે. ચાલો, દેરસે આયે દુરસ્ત આયે.

હાલ તૈયાર થયેલા માર્ગો પરથી કેટલાક અવલોકનો અહી ટાંકું છું.

૧) આપણે જે માર્ગ તૈયાર કરી રહ્યા છીએ એને નામ આપવાની કોઈ વ્યવસ્થા જણાતી નથી. એમાં સંપૂર્ણ અન્ધાધુન્ધી પ્રવર્તે છે.
૨) આપણા લોકો હજી “રોડ સેન્સ” ધરાવતા નથી એટલે વાહન ચલાવવાના નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરાવવું જરૂરી છે. થોડી શરતચૂકથી થતા અકસ્માત નિવારી શકાય તો સોનામાં સુગંધ ભળે.
૩) આપણા એક્સપ્રેસ વે પરથી જે એક્ઝીટ લેવાય છે એ ઘણો તીવ્ર વળાંક ધરાવે છે. ઝડપે જતી ગાડી એક્ઝીટ લે તે વખતે શરતચૂકથી પલટી ખાય એ શક્યતા છે.
૪) રસ્તાની આજુબાજુ પુરતી જગ્યાનો ઘણે ઠેકાણે અભાવ છે. ભવિષ્યમાં ટ્રાફિક વધે કે ઈમરજન્સી હોય ત્યારે આ તકલીફ તરત નજરે ચઢે.
૫) રસ્તાનું સમારકામ નિયમિત થતું રહેવું જોઈએ, અને નિયમિત અવલોકન પણ થતું રહેવું જોઈએ.
૬) આવા હાઈવે પર લોકોને ચાલતા ઓળંગવા પર સખ્ત મનાઈ હોવી જોઈએ. હજી આજુબાજુ રહેતા લોકો “શોર્ટકટ” માટે દ્રુત ગતિ માર્ગ ઓળંગી જતા હોય છે.
૭) હાઈવે પર લગભગ દર ૩૦ કિલોમીટર અંતરે પેટ્રોલ પંપ અને ખાવા-પીવાની વ્યવસ્થા હોવી જરૂરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s