સમાધિનો સ્પર્શ – ચિરાગ પટેલ ૨૦૨૧ એપ્રિલ ૦૫ સોમવાર સપ્તર્ષિ ૮૬૯૬ ફાલ્ગુન કૃષ્ણ નવમી
સમાધિનો સ્પર્શ – એ શબ્દોથી લોભાઈ કે છેતરાઈ ના જતા. અનુભવ ચોક્કસ જ સમાધિનો છે, પરંતુ હું એક એવો સામાન્ય માણસ છું, જે સતત પોતાને ઓળખવા મથામણ કરતો રહે છે, અને જે અનુભવ થાય એ તમારી સાથે વહેંચતો રહે છે.
પ્રત્યેક આધ્યાત્મિક અનુભવ દેહધાર્મિક ક્રિયાઓ કે માનસિક સ્થિતિ વડે સમજાવી શકાય છે. છેવટે તો સ્થૂળ શરીર પર થતી અસરો જ આપણે વર્ણવી શકતા હોઈએ છીએ. મોટે ભાગે ગાઢ અનુભૂતિને ચોક્કસ શબ્દોમાં સંપૂર્ણપણે આપણે વ્યક્ત નથી કરી શકતા. એક સીમા પર આવીને એ વર્ણન અટકી જાય છે. એટલે જ, વ્યક્તિ પોતે અનુભવ કરે અને સમજે એ ઇચ્છનીય છે. તેમ છતાં, મારો આ એક પ્રયાસ છે સમાધિના સ્પર્શના અનુભવને શબ્દોમાં ઢાળવાનો. જેમ ચંદ્ર પરની માણસજાતની ચઢાઈ એની આડઅસરરૂપે અનેક આશીર્વાદ સમ શોધોની જનક બની છે, તેમ “સ્વ”ભણીની યાત્રાને જો આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળામાં સતત ચકાસતી રહે તો માણસ અનેક સુખાકારીને પામી શકે એવી શોધો થતી રહે!
હું વર્ષોથી લગભગ ચૂક્યા વગર નિયમિત પ્રતિદિન ૫ મિનિટથી લઈને ૪૦ મિનિટ સુધી ધ્યાન કરતો હોઉ છું. ધ્યાનની માત્રામાં વધઘટ થયા કરતી હોય છે. ધ્યાનની તીવ્રતામાં પણ વધઘટ થયા કરે. ધ્યાનનું કેન્દ્ર પણ બદલાય. ધ્યાનના અનુભવો પણ બદલાય. ધ્યાન કરવાનો સમય પણ બદલાય. ક્યારેક વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને કર્યું છે. મોડી સવારે કર્યું છે. સાંજે કર્યું છે. રાત્રે કર્યું છે. મોડી રાત્રે કર્યું છે. પણ, મને ધ્યાનનો સહુથી વધારે આનંદ મધ્યાહ્નમાં આવે છે. સૂર્ય જ્યારે પૂરેપૂરો માથા પર તપતો હોય એના અડધો કલાક પહેલાં ધ્યાન કરવાનો અવસર મને વુહાન વાઇરસે આપ્યો છે.
હું બપોરે ધ્યાનમાં બેઠો. થોડી વારમાં મારા સમગ્ર શરીર ફરતે લગભગ પાંચ સેન્ટિમીટરનું સહેજ હુંફાળું આવરણ ઉત્પન્ન થયું. આજુબાજુનું વાતાવરણ સહેજ ઠંડુ હતું એટલે મને ધ્યાન કરતા પહેલા સહેજ ઠંડી લાગતી હતી. આ આવરણ ઉત્પન્ન થયું એ સાથે જ મારી ઠંડી અદૃશ્ય! ધીરે-ધીરે મને ભ્રૂકુટીની વચ્ચે ગાઢ ભૂરા રંગનું કેસરી વાદળો વચ્ચે હોય એવું વર્તુળ દેખાવા લાગ્યું. વર્તુળનો પરિઘ સ્પષ્ટ નહતો. એ આછાં વાદળોમાં છૂપાયેલા પ્રકાશિત સૂર્ય જેવુ હતું. મારી બંધ આંખો ધીરે-ધીરે ઉપર તણાવા લાગી. ભ્રૂકુટીઓ પણ ઉપરની બાજુ તણાઇ ગઈ. હું ઈચ્છું તો પણ આંખો સામાન્ય નહતો કરી શકતો. અનેક પ્રકારના દૃશ્યો મારા માનસ પટલ પર છવાતા ગયા. એ સાથે મારુ સમગ્ર શરીર કોઈ અનોખા મદમાં તરબતર થતું રહ્યું. થોડી વાર એ સ્થિતિમાં હું હોઈશ અને એકાએક છાતીનું પીંજરુ જ્યાં ખાડો બનાવે છે ત્યાં હળવો વિસ્ફોટ થયો. સાથે જ સમગ્ર શરીર વીજળીનો આંચકો લાગ્યો હોય એમ ધ્રુજી ઉઠ્યું. આંચકો શમી ગયો અને શરીરમાં ધીમું ડોલન શરૂ થયું. થોડીવારમાં સમગ્ર શરીરમાં તીવ્ર આનંદ ફેલાવા લાગ્યો. પરિણીત વ્યક્તિને સંભોગની ચરમસીમાના ક્ષણિક આનંદનો અનુભવ હોય છે. એવું સમજો કે, મારા શરીરની સમગ્ર સપાટી પર અનેક લીંગ હોય અને હું એ બધાથી આનંદ અનુભવતો હોઉ. વળી, એ માત્ર ક્ષણનો આનંદ નહીં, અનેક મિનિટોનો આનંદ! સતત પાંચેક મિનિટ સુધી એ તીવ્ર આનંદની સ્થિતિમાં હું હતો. પછી, મન જાણે એ વધુ જીરવી શક્યું ના હોય એમ ધીરે-ધીરે તંદ્રામાં ખોવાતું ગયું. હું હવે મારા મન પર નિયંત્રણ મેળવી શક્યો. મે જાગ્રત થવા પ્રયત્ન કર્યો. એ માટે મારે ઘણો જ પ્રયાસ કરવો પડ્યો. જાણે કોઈ અજાણ્યા મદમાં ઘેરાયેલો હોઉં એમ જાગ્રત થયા પછી પણ અમુક મિનિટો પછી સામાન્ય થયો!
આ સમગ્ર ઘટનાક્રમ દેહધાર્મિક ક્રિયાઓ, ઉત્સેચકોનો સ્ત્રાવ, રાસાયણિક પ્રતિક્રિયાઓ વડે વિજ્ઞાન સમજાવી શકે. પરંતુ, એ અનુભવ કેવી રીતે સ્વેચ્છાએ લાવવો એ હાલ શક્ય નથી. ભવિષ્યમાં વિજ્ઞાન પ્રગતિ કરે અને સામાન્ય જનને સુલભ બને એવી આશા આપણે રાખી શકીએ. જો કે, એ લાભ માત્ર અને માત્ર સ્થૂળ શરીરનો જ હશે. તો પછી મને જે અનુભવ થયો એનો મને કેવો લાભ?
આધ્યાત્મિક વિજ્ઞાન એવું કહે છે કે, પરમનો અનુભવ મેળવવા આત્મ સાક્ષાત્કાર ચાવી છે. અને, આત્મ સાક્ષાત્કાર માટે સમાધિ ચાવી છે. સમાધિ માટે ધ્યાન ચાવી છે. ધ્યાન અને સમાધિમાં જે અનુભવો થાય એ મનને બાંધી રાખવા માટે છે. એ અનુભવોને લીધે સાધક પોતાનો માર્ગ છોડી ના દે અને આત્મ સાક્ષાત્કાર કર્યા વિના અટકે નહિ. આ માર્ગ પર ચાલવાને લીધે હું એક એવો વ્યક્તિ બનું છું જે સમાજને નડતી નથી. વળી, હું સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહું છું, તો એ લાભ નાનો તો નથી જ!
પ્રણામ!
ધ્યાનના આવા અનુભવો વિષે વાંચ્યું છે, પ્રભાવિત થઈ છું. આજે તમારા જેવા યુવાન પાસેથી આ વાત જાણીને અત્યંત આનંદ થયો. વિપશ્યના શિબિર મેં બે વાર કરેલી છે પરંતુ ધ્યાનમાં મન વધારે આવનજાવન કરે છે એ મારો અનુભવ છે. ધ્યાનમાં બેસવાના તમામ પ્રયત્નો આવા જ અનુભવોને કારણે પડતા મૂક્યા છે. અને છતાં આ વાત વાંચીને ફરી એકવાર એ દિશામાં જવાનું મન થયું એ નક્કી.
તમારા વિચારો અને તમારી ભાષા બંને પ્રભાવિત કરે એવા છે. આગે બઢો ચિરાગભાઈ.
કયુ કામ ક્યાં પહોંચાડે છે અને કેવા લોકો સાથે મેળવી આપે છે એય કેટલો મોટો ચમત્કાર છે ! આજે ફરી એકવાર….
લતા હિરાણી
LikeLiked by 1 person