વસંત ઊગે – ચિરાગ પટેલ ૨૦૨૧ ફેબ્રુઆરી ૧૪ રવિવાર ૮૬૯૬ ભાદ્રપદ શુક્લ બીજ
પાટલ પુષ્પની પ્રગલ્ભ ફોરમ પ્રગટી,
પ્રેમની ઋતુ મ્હોરી અંગેઅંગ.
મનના કલશોર સમેટાઈ રેલાયું સંગીત,
દલડું ડોલે અલૌકિક તાન.
પદચાપ અનેરાં સંભળાય તારા,
રુંવે રુંવે આતુરતા ફૂટે.
વસંત ગાન અધર આધારે ઉમટ્યાં,
કાયિક માનસિક આરાધન ધ્યાને.
પળના પલકારે અનંત ઉઘડ્યાં,
બ્રહ્માંડ સઘળાં કેન્દ્રિત કણમાં.
જન્મોના સ્મૃતિપટ અવનવાં ખેલ ભજવે,
નવા પરિમાણ સ્મિતમાં વહેતાં.
પ્રેમ ભાષા મૌનમાં ઉકેલી, લખી કવિતા;
“દીપ”ને સાંપડી “રોશની” સાખે!
