ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૨ – ચિરાગ પટેલ
उ.९.५.७ (१२१६) अया पवस्व धारया यया सूर्यमरोचयः। हिन्वानो मानुषीरपः॥ (निध्रुवि काश्यप)
હે સોમ! મનુષ્યો માટે હિતકારી જળની વર્ષા કરનાર આપ સૂર્યને પ્રકાશિત કરનારી ક્ષમતાથી સ્વયં પવિત્ર થાઓ!
સૂર્ય કિરણોની ઉષ્માથી વાદળો બંધાય અને જળની વર્ષા થાય. સૂર્યને પ્રકાશિત કરનાર અને ઉષ્માના જનક ફોટોન કણ અંગે અહિ ઋષિ નિર્દેશ કરે છે. એટલે, ફોટોનનો પ્રવાહ એ જ સોમરસ!
उ.९.५.८ (१२१७) अयुक्त सूर एतशं पवमानो मनावधि। अन्तरिक्षेण यातवे॥ (निध्रुवि काश्यप)
આ પવિત્ર સોમ ઇચ્છિત ઊર્ધ્વગતિ મેળવવા સંકલ્પિત યાજકોને સૂર્યના ઘોડા જેવો વેગ આપવા સમર્થ છે.
આ શ્લોકમાં બે મુદ્દાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. પ્રથમ તો ઊર્ધ્વગતિ મેળવવા સંકલ્પિત યાજકો. આવા યાજકો કોણ હોઇ શકે? ભૌતિક રીતે ઊર્ધ્વગતિ અર્થાત ઉડ્ડયન કે પછી આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવા ઇચ્છુક સાધક? બીજું, સૂર્યના ઘોડા જેવો વેગ! સૂર્યના ઘોડા અર્થાત કિરણોની ગતિ આપણાં વિશ્વમાં સર્વોચ્ચ છે – ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. અથવા, પૃથ્વી પરથી જોનાર માટે સૂર્ય આકાશમાં ખસે છે તે વેગ. સૂર્યની આકાશમાં ખસવાની ગતિ ઘણી ધીમી હોય છે અને પૃથ્વીના ઘોડા એનાથી વધુ ગતિથી દોડતાં હોય છે. એટલે, અહિ ઋષિ સૂર્ય કિરણોની ગતિ વિષે કહે છે એમ ચોક્કસ માની શકાય. એ ગતિ ફોટોનને આભારી છે એ આપણે જાણીએ છીએ. એટલે, આ શ્લોકના આધારે ચોક્કસ કહી શકાય કે સોમ એ જ સૂર્ય કિરણોમાં રહેલ ફોટોન!
उ.९.७.३ (१२२७) दिवः पीयूषमुत्तम सोममिन्द्राय वज्रिणे। सुनोता मधुमत्तमम्॥ (उचथ्य आङ्गिरस)
હે ઋત્વિજો! આ અત્યંત મધુર દ્યુલોકના અમૃત જેવા શ્રેષ્ઠ સોમને વજ્રપાણી ઇન્દ્ર માટે શુદ્ધ કરો.
વજ્રપાણી ઇન્દ્ર અર્થાત ચેતનાનો પ્રવાહ જે વહેવડાવે છે એ મન માટે ઋષિ દ્યુલોકનું અમૃત સોમરૂપે આપવા કહે છે. અહિ આપણે જોઈ શકીએ છીએ કે દ્યુલોકમાંથી સૂર્ય કિરણોનો પ્રવાહ પૃથ્વી પર આવતો હોય છે. આ કિરણોમાં રહેલ ફોટોન એ જ સોમ અને એ જ મનને શક્તિ આપે છે એમ ઋષિ નિર્દેશ કરે છે.
उ.९.७.७ (१२३१) यदिन्द्र प्रागपागुदङ्न्यग्वा हूयसे नृभिः। सिमा पुरु नृषूतो अस्यानवेऽसि प्रशर्ध तुर्वशे॥ (देवातिथि काण्व)
હે ઇન્દ્ર! આપ બધી દિશાઓમાં સ્તોતાઓ દ્વારા બોલાવવામાં આવો છો. હે શત્રુને હરાવનાર! પ્રાણ સંવર્ધન અને તુર્વશના નાશ માટે આપની સ્તુતિ કરવામાં આવે છે.
તુર્વશ એટલે ક્રોધ અને ઋષિ અહી ઇન્દ્ર અર્થાત મન વડે ક્રોધને દૂર કરવા માટે સ્તુતિ કરવા જણાવે છે. વળી, પ્રાણ અર્થાત ચૈતન્ય શક્તિ શરીરમાં સારી રીતે પ્રવાહિત રહે એ માટે પણ ઇન્દ્ર એટલે કે મનની સ્તુતિ કરવા ઋષિ કહે છે. આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હોય એમ જણાય છે, જે શરીર અને મનન સંતુલન અને સંવર્ધન માટે ઋષિ સૂચિત કરે છે.
उ.९.७.८ (१२३२) यद्वा रुमे रुशमे श्यावके कृप इन्द्र मादयसे सचा। कण्वासस्त्वा स्तोमेभिर्ब्रह्मवाहस इन्द्रा यच्छन्त्या गहि॥ (देवातिथि काण्व)
હે ઇન્દ્ર! રુમ, રુશમ, શ્યાવક, કૃપ માટે તમને પ્રસન્ન કરવામાં આવે છે. ઋષિગણ વિભિન્ન સ્તોત્રોથી તમને પ્રભાવિત કરવા પ્રયાસ કરે છે. આપ યજ્ઞ માટે પધારો.
અહિ ઋષિ જેનો ઉલ્લેખ કરે છે તે સર્વે ઋષિના મિત્રો, સબંધીઓ કે એ કાળના વ્યક્તિ વિશેષ હોય એમ લાગે છે. અમુક સંદર્ભો પ્રમાણે, રુમ ઇન્દ્રના વિશેષ કૃપાપાત્ર વ્યક્તિ હતા. રુશમ ઇન્દ્રના સહયોગી અને કૃપાપાત્ર વ્યક્તિ હતા. એક જાતિરૂપે રુશમ જાતિના બે રાજાઓ ઋણજ્ય અને કૌર્મનો ઉલ્લેખ છે. શ્યાવક સુવાસ્તુ નદીકિનારે વસનાર યાજ્ઞિક હતા. ઇન્દ્રના વિશેષ દયાપાત્ર અને ધન/ધન્ય મેળવનાર વ્યક્તિને કૃપ કહેતા.