23 વર્ષે વાંસદા – ચિરાગ પટેલ જાન્યુઆરી 25, 2015
ડીસેમ્બર 27, 2014ને શનિવારે હું 23 વર્ષ પછી વાંસદા ગયો! મારી સાથે પારુલ, વૃન્દ, સ્વરા, હિનાભાભી, વિકાસભાઈ, અક્ષર, શ્લોક હતાં। અમે 12 જાણ બેસી શકે એવી વેન લઈને મુમ્બઈથી વહેલી સવારે સાડા ચારે લાછકડી (બાયફ કેન્દ્ર) અમારે મુકામે પહોંચી ગયા હતાં। અમને આવકારવા એટલી વહેલી સવારે અને ગાત્રો થીજાવતી ઠન્ડીમાં મિત્રો ઇન્દ્રજીત અને તેજસ તથા ઇન્દ્રજીતનો ઉત્સાહી દીકરો દિગ્પાલ આવી ગયા હતાં।
મિત્રો ધર્મ અને અમિત વર્ષોથી ફેસબુક દ્વારા મારા સમ્પર્કમાં હતા. ધર્મ સાથે મારી વ્હોટ્સ એપ પર વાતચીતો થતી. પછી ધર્મે અમિત, ભુપેન્દ્ર વગેરે મિત્રો સાથે મળી વાંસદા ગ્રુપ વ્હોટ્સ એપ પર બનાવ્યું લગભગ જુન 16, 2014 માં. પછી તો લોગ આતે ગયે ઔર કરવાં બઢતા ગયા! ભાવના, ભારતી, બીના, દીપા, દીપ્તિ, ડોલી, સોનલ, અમિત, અનન્ત, ભુપેન્દ્ર, ધર્મ, હેમાંશુ, હિરેન, ઇન્દ્રજીત, જીતુ, કલ્પેશ, કૌશિક, મનિષ, મેહુલ, સાજીદ, સંજય, તેજસ પરમાર, તેજસ વ્યાસ, વિકાસ, વિપુલ, યોગેશ અને મારી ગોઠડી માટે વ્હોટ્સ એપનો ચોતરો તૈયાર થઇ ગયો! હું ડીસેમ્બરમાં ભારત મુલાકાત લેવાનો હોવાથી મેં બધા આગળ ભેગાં થવાનો પ્રસ્તાવ મુક્યો। ધર્મ તો તરત વાંસદા દોડી ગયો સ્થળ અને સમય નક્કી કરવા! પછી તો ધર્મ, સંજય, યોગેશ, ઇન્દ્રજીત બધે ફરીને સ્થળ નક્કી કર્યું અને મારી સાથે મસલત કરી ડીસેમ્બર 27 તારીખ નક્કી કરી. બાકી બધાં મિત્રોની મંજુરી પણ લેવાઈ ગઈ!
ત્યારબાદ ઇન્દ્રજીત, યોગેશ, તેજસ પરમાર અને વિકાસે જે કર્યું એ કલ્પનાતીત હતું। તેમણે અમારી શાળા “શ્રી પ્રતાપ હાઇસ્કુલ”ના હાલના પ્રિન્સીપાલ શ્રી મહેન્દ્રસાહેબનો સંપર્ક કરી અમારી 1991ની 10માં ધોરણની બેચના તમામ વિદ્યાર્થીઓના નામ મેળવ્યાં અને એક મોટો કાર્યક્રમ ઘડી કાઢ્યો જેની અમને કોઈને જાણ નહોતી! 24 ડિસેમ્બરે વ્હોટ્સ એપ પર મહેન્દ્રસાહેબે મને વાંસદા ખાતે 27મી તારીખના સન્માન સમારમ્ભમાં કુટુમ્બ સહીત હાજર રહેવા વિધિવત આમન્ત્રણ મોકલ્યું! એમાં મને અધ્યક્ષ, અને હેમાંશુ તથા ભુપેન્દ્રને મુખ્ય અતિથી તરીકે હાજર રહેવા આમન્ત્રણ હતું। સાથે જ અમારી બેચના તમામ મિત્રોને શાળા તરફથી ફોન કરી આમન્ત્રણ મોકલવામાં આવ્યા હતાં ! મને તરત કંઈક અનોખું થઇ રહ્યાંની લાગણી થઇ આવી. મેં ઇન્દ્રજીતને એ વિષે તરત પૂછ્યું। પણ તેણે કોઈ પણ ફોડ પાડવાને બદલે કહ્યું કે, “બસ, તું આવી જા. બધું થઇ રહેશે।” મને ખાસ ચિન્તા અમારા રોકાણની હતી, કારણ કે અમે આઠ જણા હોઈ કોઈને પણ ઘરે રાતવાસો કરવામાં તકલીફ પહોંચે।
અમે લાછકડી પહોંચી લગભગ સાડા પાંચે નિદ્રાધીન થયાં અને સાત વાગ્યે ઉઠી ગયાં। અમારે શાળાએ સાડા આઠે પહોંચવાનું હતું। શરીર ધ્રુજાવતી ઠન્ડીમાં ન્હાવાની એવી તકલીફ ઉભી થઇ કે ગરમ પાણી ખાસ આવતું નહોતું। મુમ્બઈથી વાંસદાની રાત્રી મુસાફરી દરમ્યાન મને ખાસ ઉન્ઘ નહોતી આવી, અને મુમ્બઈ “ગેટવે ઓફ ઇન્ડિયા”ની મુલાકાત દરમ્યાન મેં સ્વરાને સતત ઉંચકી હોવાથી મારો જમણો હાથ ઉંચો જ નહોતો થતો! એટલે હું તો જેમતેમ શરીર ભીન્જવી તૈયાર થઇ ગયો. અમે જ્યાં રોકાણ કર્યું એ બાયફની રોકાણ માટેની હોસ્ટેલ હતી. વ્યવસ્થા ઘણી સારી હતી. અમે કેન્ટીનમાં ચા પીધી અને થોડો નાસ્તો કર્યો। પછી ફટાફટ શાળાએ પહોંચ્યા.
શાળામાં મહેન્દ્રસાહેબે અમારું સ્વાગત કર્યું અને સ્ટાફરૂમમાં અમને લઇ ગયા. મારા ઘણાં મિત્રો આવી ગયા હતાં। વર્ષો પછી અમે મળી રહ્યાં હતાં। 1990માં મહેન્દ્રસાહેબ પ્રતાપ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને પહેલવહેલું અમને 10માં ધોરણમાં ઈન્ગ્લીશ શીખવવું શરુ કર્યું હતું। આજે (2014) તેઓ પ્રિન્સીપાલ હતાં। ત્યાં ચા-બિસ્કીટને ન્યાય આપી, અમે, શાળામાં ફરી, જૂની યાદો તાજી કરી. વૃન્દ પુરા સમય દરમ્યાન દરેક ઘટના કે સ્થળના ફોટા પાડી એ ક્ષણોને અમરત્વ આપતો હતો! શાળાના નવા બનેલા મકાન તરફ અમે જઈએ એ પહેલાં વાંસદા કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીઓને મળ્યાં। નવા મકાન તરફ જતી વખતે કેડેટો દ્વારા પરેડ કરી અમને સલામી આપવામાં આવી. રસ્તે બાલિકાઓ શણગારેલાં કળશ સાથે અમને આવકારતી ઉભી હતી.
તાળીઓના ગડગડાટે સમારંભ ખંડમાં અમારો જે સત્કાર થયો એ અવિસ્મરણીય અને અવ્યક્ત છે. સમગ્ર ખંડ જાણે 23 વર્ષોથી મારા પ્રત્યે સંગ્રહી રાખેલો પ્રેમ એકસાથે વરસાવી રહ્યો હતો! મારા હૈયામાં એનો જે પડઘો પડ્યો એમાં 23 વર્ષોનો અંતરાલ ખરી પડ્યો અને હું હજુ કાલે જ વાંસદા છોડી ગયો હોઉં એ ભાવ આવી ગયો! સ્ટેજ પર મહેન્દ્રસાહેબ અને ટ્રસ્ટીઓ સાથે હું અને ભુપેન્દ્ર બેઠાં। સામે બીજા મિત્રો, પારુલ, વૃન્દ, સ્વરા, હિનાભાભી, વિકાસભાઈ, અક્ષર, શ્લોક, અમારા શિક્ષકો બેઠાં। ખંડમાં હાલનાં વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો બેઠાં હતાં।
“સ્મરણ 2014” નામના કાર્યક્રમની શરૂઆત બાલિકાઓના મધુર કંઠે ગવાયેલી સરસ્વતી વન્દનાથી થઇ. દરમ્યાન હેમાંશુ પણ આવી ગયો અને અમારી સાથે સ્ટેજ પર ગોઠવાયો। ત્યારબાદ સરસ મજાની રંગોળી દ્વારા શણગારાયેલી સરસ્વતીની પ્રતિમા સમક્ષ બાલિકાઓએ સ્વાગત નૃત્ય કર્યું। મહેન્દ્રસાહેબે મા સરસ્વતી આગળ દીપ પ્રગટાવવાનું મને સન્માન આપ્યું। મેં શાળાની વિદ્યાર્થીની દ્વારા એ શુભ કાર્ય કરાવવાની ઈચ્છા કરી, એટલે સાહેબે મારી દીકરી સ્વરા અને નૃત્યવૃન્દની એક બાલિકાને બોલાવી, અને અમે ત્રણે ભેગા મળી દીપ પ્રગટાવ્યો। જાણે મા સરસ્વતી સમક્ષ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક દીપે સંકળાઈ દેવત્વ પ્રગટ કરી રહ્યાં !
શાળા તરફથી અમારું ફૂલગુચ્છ અને સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું। ત્યારબાદ મહેન્દ્રસાહેબે અમારો પરિચય આપી પ્રસંગાનુરૂપ વક્તવ્ય આપ્યું। અમારી બેચ વતી, મિત્રોએ અમારા સમયના જે શિક્ષકો હાજર હતા તેમનું શાલ ઓઢી સન્માન કર્યું। વિદ્યાબેન, બારૈયાસાહેબ, ચૌહાણસાહેબ, જાદવસાહેબ, પ્રતિભાબેન, સુમિત્રાબેન , ઢીમ્મરસાહેબ, સોમાસાહેબ , મહેન્દ્રસાહેબ જે અમારા જીવનનો પાયો મજબૂત કરનારા કસબીઓ છે. અમે બધાં મિત્રોએ ગ્રુપ ફોટો પડાવ્યો જે છાપામાં અહેવાલસહિત છપાયો હતો. ત્યારબાદ અમારી બેચ વતી મિત્રોએ ટ્રસ્ટીઓનું ફૂલ આપી સન્માન કર્યું। આખરે શાળાને ગતિશીલ રાખનાર ચાલકબળ ટ્રસ્ટીઓ અને કેળવણી મંડળ જ છે! પ્રસંગને અનુરૂપ છતાંય કંઈક શીખવી જાય એવું પ્રવચન ઢીમ્મરસાહેબે આપ્યું। ટ્રસ્ટી મંડળ તરફથી પણ પ્રવચન થયા, અને છેવટે મેં પણ હાલના વિદ્યાર્થીઓને શીખ મળે એ હેતુથી મારા અનુભવ મુજબ વક્તવ્ય આપ્યું। સમારંભ પૂરો થયા બાદ સર્વે મિત્રો ભેળાં શાળામાં ભોજન લીધું। વાતચીતોનો રસ ભોજનમાં ભળી રસથાળને અનોખી લહેજત આપી રહ્યો!