navo cheelo – Bansidhar Patel


નવો ચીલો – બંસીધર પટેલ

હિરાપુર ગામ એ આમ તો ખીજલપુર શહેરથી આઠેક ગાઉના અંતરે વસેલ હતું. વસ્તી લગભગ ત્રણેક હજારની ખરી. આમાં મુખ્યત્વે પટેલ, ક્ષત્રિય અને થોડાંક ઘર વાણિયા તથા ઇતર કોમનાં હશે. વડીલોની હાજરી સમા પાંચ-પાંચ ઘેઘૂર વડલાં ગામની ભાગોળે આવેલા સુંદર સરોવરને કિનારે સેંકડો વરસથી સાક્ષીભૂત બની વિરાજમાન છે. એક તરફ ધોરણ 7 સુધીની પ્રાથમિક શાળા, તેની બાજુમાં પંચાયતનો ચોરો અને પડોશમાં સરકારી દવાખાનું – આ ગામની મુખ્ય સગવડો હતી.

નિશાળેથી પરત આવતાં બાળકો તળાવના આરે પોતાનાં દફતરો મુકી, તળાવમાં ન્હાવાનો નિર્દોષ આનંદ
લૂટતાં. તો બીજી તરફ વગડાંમાં ચરાવા લઇ જવાયેલ ઢોર પોતાના ગભાણમાં જવાની ઉતાવળે આવતાં હોય. કેટલો નિર્દોષ આનંદ અને કેવું સમંવિત વાતાવરણ!

હિરાપુર ગામ સંવત 1200ની આસપાસ હિરા રબારીએ વસાવેલું, જેની સાક્ષી રૂપે આજે પણ વિશળમાતાનું સ્થાનક મૂક સાક્ષી બની ઉભેલું હતું. તેની પૂજા આજે પણ ઘણાં લોકો પુરી આસ્થાથી કરે છે.
નિરંજન આજ ગામની ગોધુલીમાં ઉછરી મોટો થયો હતો. બાળપણ ખૂબ જ સાહજિક્તાથી વીતેલું. માથે મા-બાપની છત્રછાયા, પિતા ખેતી કરે અને તેમાંથી સુખેથી રોટલો ખાતું આ નાનું પણ સંતોષી કુટુમ્બ ખૂબ જ સંસ્કારી. પણ મા-બાપની એક મહેચ્છા કે એકનો એક નિરૂ ભણીગણીને કંઇક બને એટલે સાતમા ધોરણની ફાઇનલ પરીક્ષા પાસ કર્યા બાદ નજીકના ખીજલપુર શહેરમાં માધ્યમિક શાળાના ભણતર માટે દાખલ કરાવેલ. સદનસીબે નિરૂના મામા ખીજલપુરની શેઠ પિતાંબરદાસ હાઇસ્કુલમાં શિક્ષક. એટલે ભાણાના અભ્યાસમાં પુરતી કાળજી રાખતાં. નિરૂએ સુખેદુ:ખે મેટ્રીકની પરીક્ષા 64% ગુણ સાથે પસાર કરી ખીજલપુર કેન્દ્રમાં સર્વપ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. મા-બાપે ગોળ-ધાણાં વહેંચી ખુશી મનાવી નિરંજનને ખૂબ જ હોંશથી કોલેજમાં દાખલ કર્યો. કોલેજમાં ભણતાં વિદ્યાર્થી માટે તે જમાનામાં કેટલું માન-પાન હતું તેની આજે કલ્પના જ કરવી રહી. કેટ-કેટલાં માગાં આવે. પણ નિરૂના મા-બાપ દિકરો ભણીગણીને તૈયાર ના થઇ જાય ત્યાં સુધી લગ્ન બાબતે કાંઇપણ વિચાર કરવો નહિ એવું નક્કી કરીને બેઠાં હતાં.

સમય પસાર થતો ગયો. નિરંજન બી.એ.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. હવે તેના લગ્ન સંબંધે વિચાર કરવો એમ મા-બાપ વિચારતાં હતાં. એટલામાં બાજુના વાસનપુર ગામનાં શામળભાઇ આવ્યા. બન્ને બચપણના મિત્રો એટલે જીવાભાઇ (નિરૂના પપ્પા), અને શામળભાઇ ખૂબ જ હેતભાવથી ભૂતકાળની વાતો વાગોળતાં, પરસ્પર ખબર અંતર પૂછતાં, ચા-પાણી કર્યા બાદ, હૂકો લઇને બેઠાં. ગામડામાં હૂકા-પાણીનું ખૂબ જ મહત્વ – ખાવાનું ના હોય તો ચાલે પણ મહેમાનોના સ્વાગતમાં હૂકારાજાનું પ્રથમ સ્થાન હોય. વાતોવાતોમાં શામળભાઇએ નિરૂના લગ્ન સંબંધી પૂછપરછ કરી અને પોતાની એકલ દિકરી આનંદી અંગે વાતનો અણસાર કરી દીધો.

આનંદી આમ તો સાત ધોરણ સુધી જ ભણેલી અને ગામડાની છોકરી એટલે વાતચીત, વ્યવહારકુશળ અને ખૂબ જ મહેનતુ, પણ પગે સહેજ ખોડ. એટલે ઘણી જગ્યાએ વેવિશાળ માટે પૃચ્છા કરવા છતાં શામળભાઇને કોઇ જગ્યાએ મેળ બેસતો નહોતો. એકવડા બાંધાની, દેખાવે સુંદર, સ્વભાવે ચતુર અને ઘઉંવર્ણો દેહ, પણ પગે થોડી ખોડ. એટલે તેનું નસીબે બે ડગલાં પાછળ ચાલે અને આમને આમ દિકરીની જાત રાત્રે ના વધે એટલી દિવસે વધે. એમ ખરેખર ઉંમર વીસની હોવા છતાં દેખાવમાં ત્રીસી વટાવી ચુકી હોય તેવું લાગે. આમતો પહેલાં ગામડાંમાં રિવાજ હતો કે ચૌદ વર્ષની કન્યા અને સોળ વર્ષના પુત્રનો વિવાહ થઇ જવો જોઇએ. પણ આ કિસ્સામાં ખોડીલી કન્યા અને ભણતરમાં રચ્યો-પચ્યો રહેતો યુવાન મુરતિયો. એટલે ઉંમર વધવા છતાં વિવાહ નહિ કરવાના સબળ કારણોને લીધે સમાજ ચુપ રહેતો. પણ હવે સમાજ જીવાભાઇ અને ડાહીબેન (નિરૂની મા)ની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો.

વાતવાતમાં થયેલી વાતથી ડઘાઇ ગયેલા જીવાભાઇ હૂકાનો લાંબો લચક કશ લઇને ધીમેથી હુંકાર કરતા હોય તેમ બોલ્યા, “કંઇ વાંધો નહિ.” આ શબ્દોએ શામળભાઇના કાનમાંથી સોંસરવા હ્રદયના તાર ઝણઝણાવી મૂક્યા. ખુશીની એક લકીર તેમના વદન ઉપર અંકિત થઇ ગઇ. અને પોતાનું 50% કામ થઇ ગયું હોય તેમ વાત આગળ વધારતાં બોલ્યાં, “શુકનના શ્રીફળ અને રૂપિયો ક્યારે આપવા આવું?” ત્યારે જીવાભાઇ ઘરના ઓરડામાં નજર કરી ડાહીબેન તરફ ડોકું ખેંચવા લાગ્યા, “અરે, સાંભળો છો? આ શામળભાઇ કંઇ કહેવા બોલાવે છે.” એટલે ડાહીબેન દાળ હલાવતાં – હલાવતાં હાથમાં પકડેલા ડોયાને લઇ સીધાં જ બહાર આવ્યાં, “કેમ? મને કંઇ કહ્યું?” એટલે શામળભાઇએ પોતાની દિકરી આનંદીના, નિરૂ સાથેના વેવિશાળ અંગે સઘળી વાત કરી. પણ ડાહીબાએ સુંદર જવાબ આપ્યો, “ભાઇ, મારે નિરૂને પુછવું પડે.” એટલામાં જ ખેતરે ડાંગરના નિંદામણ માટે રાખેલા મજુરો ઉપર દેખરેખ રાખવા ગયેલો નિરંજન પરત ઘરે આવી પાટ ઉપર બેઠેલા શામળકાકાને નમન કરી પાટના ખૂણે એકતરફ પગ લટકાવી બેઠો. કેટલો શાંત, ધીર, ગંભીર અને મહેનતુ છોકરો મારી કોડીલી કન્યા માટે આજે ઉત્તમ મુરતિયો બન્યો છે, એવું મનોમન વિચારતા શામળભાઇ, જીવાભાઇએ ધરેલ હૂકાને પોતાના તરફ ખેંચતા વિચારવા લાગ્યા. એટલામાં રસોડામાંથી ડાહીબેનની બૂમ પડી, “એ… ચાલો. જમવાનું તૈયાર થઇ ગયું છે. હાથ-પગ ધોઇ લ્યો.” દાળ, ભાત, શાક, કંસાર (શુકનનો?) પીરસાયો. ત્રણેય જમવા બેઠા. શામળકાકાનો ચહેરો વાંચતો હોય તેમ નિરંજન ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો, “કાકા, શાંતિથી જમજો. આ તમારું જ ઘર છે.” શામળભાઇ મનમાં વિચારવા લાગ્યા કે, “આ મારી દિકરીનું ઘર છે. એટલે પરોક્ષ રીતે મારું જ કહેવાય. પણ… તું જો હા પાડે તો…” જમી-પરવારી બધાં થોડી વાર આડે પડખે થયા. ધીમેથી ડાહીબેને નિરંજનને અંદર બોલાવી સઘળી વાત કરી. એટલે નિરંજન મૂક સંમતિ આપતો હોય તેમ “જેવી તમારી ઇચ્છા” કહી બહાર નીકળી આવ્યો.
બપોર પછી વિદાય લેતાં શામળભાઇએ જીવાભાઇને “રામ, રામ” કરતાં, ફરીથી મમરો મૂક્યો “વાત પાકીને?” જીવાભાઇ થોડું હસી અર્ધસંમતિ આપી “પછીથી કહેવડાવીશું” કહી શામળભાઇને વિદાય આપી. સાંજે ત્રણેય જણ વાળું કરવા બેઠાં એટલે ડાહીબેને કહ્યું કે, “આમ તો આનંદી આપણા માટે અજાણી નથી. તેમ છતાંય છોકરો-છોકરી પરસ્પર નજર તળે કાઢીએ તો સારૂં. જીવન એમને સાથે વિતાવવાનું છે.” ત્યારે રૂઢિચુસ્ત, પણ સુધારાવાદી જીવાભાઇએ જાણે ડાહીબેનના સ્વરમાં સંમતિ આપતા હોય તેમ જોવા-મુકવાનું નક્કી કરતા પહેલા “જોવું જરૂરી છે” એમ જણાવી, એના માટે “દહાડોવાર નક્કી કરી શામળભાઇને જાણ કરીશું” એવું કહી, હૂકાની ચલમ ભરવા વરંડામાં આવેલ ભરસાળ તરફ જતા રહ્યા. સારા દિવસે નિરંજનના મામાને ત્યાં ખીજલપુર છોકરીને જોવાનું નક્કી થયું તે મુજબ બન્ને તરફનાં નજીકનાં સગાં-વ્હાલાં ભેગાં મળ્યાં. કેટલાકે છોકરીની તરફેણમાં કહ્યું, તો કેટલાકે તેના પગની ખોડ બાબતે અણછાજતો ઉલ્લેખ કર્યો. પણ સારાંશમાં અંતે બધો નિર્ણય નિરંજન ઉપર છોડવામાં આવ્યો.

નિરંજન ભણેલો-ગણેલો અને સંસ્કારી છોકરો એટલે બાહ્ય કરતાં આંતરિક ગુણ-સંસ્કારને વધુ પ્રાધાન્ય આપતો. આનંદીના ગુણ-સંસ્કાર ઉત્તમ, એટલે પગની ખોડ એના માટે ગૌણ બાબત હતી. એટલે લગ્ન માટે સહમતિ આપી “હા” ભણી દીધી. સારા મુહુર્તમાં લગ્ન નક્કી થયું. લગ્ન લેવાઇ ગયું. બન્નેના મા-બાપ પોતાના બાળકો ખૂબ જ સુખી થાય એવા આશીર્વાદ આપી જીંદગીની મુખ્ય જવાબદારીમાંથી જાણે મુક્ત થયા હોય તેમ સંતોષની લાગણી અનુભવતા સ્વગૃહે વિદાય થયા.

નિરંજને જે દાખલો આપણી સમક્ષ મૂક્યો છે એ આજની 21મી સદીમાં પણ કેટલો ક્રાંતિકારી છે, એ આપ સમજી જ શક્યા હશો. આજથી 30 વર્ષ પહેલાંની આ વાત તો કેટલી અનોખી રહી હશે? જીવાભાઇ અને ડાહીબેન પણ શત શત ધન્યવાદને પાત્ર છે. એમણે પોતાના પુત્રને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી તો જ આ વાર્તા આપણને મળી. નિરંજન અને આનંદી અત્યારે એમનું જીવન પ્રસન્નતાથી પસાર કરી રહ્યાં છે. સંજય, નિરુપમા અને દિપક એમના પ્રસન્ન દાંપત્યજીવનને વધુ ખુશી બક્ષી રહ્યાં છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s