06.14.08

પીયુમીલન

Posted in કવિતા, ચિરાગ પટેલ at 9:56 pm by Chirag

પીયુમીલન – ચીરાગ પટેલ Oct 20, 1998

મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;
જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની.

હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;
અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં.

ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;
ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ.

એક જ ઉમળકો, એક જ આશા, પામું જીવનસંગીનીને;
પરીચય થતાં તુજ સંગ, મીઠી વીરડી દેખાણી તારામાં.

સાગરખેડુને અચાનક જ આવી મળી લીલીછમ ધરણી;
રોમ-રોમ પોકારી ઉઠ્યું, બસ હવે તો આ જ વીસામો.

હ્રદય પુલકીત થઈ પોકારી ઉઠ્યું, આ તો એ જ!
જન્મોજનમ જે આવી મળે, બે ઘડીના આશરાની સંગીની.

ત્યારે જ ન સમજાય એવો લય જન્મ્યો બ્રહ્માંડીય;
બે આત્માનું થયું મીલન, જરાયુક્ત દેહ થકી અનોખું.

ત્યારે જ સમજાઈ, યોજના, પરમપીતાની સૃષ્ટી સાચવણીની;
સરજાઈ રહ્યું આત્મીક મીલન, સૃષ્ટીને સાચવવા સ્તો વળી.

શું રહ્યું પામવાનું બાકી ઈહલોકમાં? છે કાંઈ બાકી?
મનોહારીણીનો પ્યાર જ લઈ જશે બાકીના રસ્તે.

લાગે છે પ્રભુની ઇચ્છા પણ આ મીલનમાં સામેલ;
એ જ બધી બાજીઓ ગોઠવે છે આપણને નચવીને.

એને પામવાના લક્ષ્યમાં આ તો છે પાશેરામાં પહેલી પુણી;
તારો પ્રેમ ને તારી શક્તી, પહોંચાડશે બન્નેને ત્યાં સુધી.

લાલ

Posted in કવિતા, ચિરાગ પટેલ at 12:53 am by Chirag

લાલ – ચીરાગ પટેલ ज़ुन 13, 2008

જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો ‘ને;
તો છે સમ આકાશ દીકો લાગણયોનો.

ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;
જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો.

થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;
હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું.

સારો બનજે, આશીષ અમારા સંગે;
હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં.

આપું નવ સંસ્કાર બધાં, બાળ અમારો;
પ્રાર્થું તમને ‘મા’, સથવારો તવ એક જ.

————————————————-
(મારા દીકરા ‘વૃન્દ’ને સમર્પીત)
(છન્દ: ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા)

06.07.08

ગ્રીષ્મ

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:52 pm by Chirag

ગ્રીષ્મ – બંસીધર પટેલ

શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
આગઝરતી બપોરથી બનેલા વીહ્વળ, ‘ને મળી શાતા.
લતાઓમાં સંતાઈ ગયેલી કળીઓ સહેજ ડોકાઈને લપાઈ.
અવનીથી રીસાયેલો અનીલ, ધીરેધીરે પ્રસર્યો સર્વત્ર.
નવશેકું બનેલું જળ, પામી રહ્યું પુનઃ સ્વસ્થીતી.

બેબાકળા બનેલા મનુષ્ય, હાશ અનુભવી રહ્યા લગીર.
ભુલકાં પણ ખેલી રહ્યાં, જાણે વીખરાયેલાં ચમન-પુષ્પ.
ગોરજનો સમય મહામુલો, ઉડાડી રહ્યો માદક રજ.
વીખરાયેલાં સહુ, દોડે – યથાસ્થાને મળવાની હોંશ.
બની આહ્લાદક સમીસાંજ, ના ભાસે લગીરે ગ્રીષ્મ પવન.
આ આવી, આ ગઈ, સાંજ, નીશાને મળવા ઉતાવળી.
રાત્રી જશે, સુપ્રભાત થાશે, ફરીથી આગઝરતો બપોર.
નીરવ શાંતીમાં અશાંતી, વીરોધાભાસ ખરો જીવનનો.

ઉષ્ણ, શીતળ કે સમશીતોષ્ણ, હોય સઘળાં એક.
જીવનતણાં ઘરનાં રુમ, જોડાયેલા ચક્ર-આરા અનેક.
મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.