10.27.07

અનંતની સફરે

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 5:38 pm by Chirag

અનંતની સફરે – બંસીધર પટેલ

પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.

જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે જોવો અદભુત રંગ;
ચુંદરડી ઓઢેલી નવોઢાની જેમ, આસમાની ચુંદડી સોહાય નવરંગ.
નીરાકારમાં આકાર ભાસે, નીતાંતમાં અંત, અંધકારમાં ઉજાસ ઘણો;
નક્ષત્ર, અરુ તારલાઓના સંગે, સુરાવલી મનભાવન સુણાય જાણે.
મોતીઓના આભલે મઢેલું અવકાશ, શી સુંદરતા મનમોહક.

નથી વીસામાનું નામ-નીશાન, બસ ઉડતો જાઉં મન અશ્વારુઢ;
કેમે કરીને ના ફરું હું પાછો, લાલચ રોકી ના રોકાય ભલી.
ભલે હું નાચું મન-તોખારના સંગે, લગામ ઢીલી ખેંચી કોણે?
આવ્યો હું ભાનમાં, છતાં અભાનમાં, હોંશકોંશ ઉડી ગયા, બની આભો;
સ્થુળતામાં ના આવું કદી, પણ કરું શું લાચાર બની નીરખી રહ્યો.

આ એ જ ધરણી, એ જ સૃષ્ટી, એ જ સંસાર, સરગમ બધી;
નથી ગમતું સહેજે અહીં, ભુલી ભુલાય ના એ દીવ્યસૃષ્ટી.
બની રહ્યું એ સંભારણું, સાચવી રાખું હું પ્રેમ પટારે;
વીસર્યું ના વીસરાયે કદી, દીવ્ય અનંત, રાહના સથવારે.

પર્યાવરણની પાંખે

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 5:37 pm by Chirag

પર્યાવરણની પાંખે – બંસીધર પટેલ

પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.

ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.

ઝાડ પાન વનસ્પતી ઘટી, વેરાન ઉજ્જડ થયાં વનો;
જળ સમીર માટી મહીં, સમાણું વીષ ઓ અંધજનો!
સૃષ્ટી સંસાર બન્યો પ્રદુષીત, ઈશ્વર પણ ક્યાં બાકી રહ્યો;
ભરમ ભાંગ્યો ધરમ કરમનો, ભેળસેળનો દૈત્ય દોડી રહ્યો.

મુક્યા નેવે સર્વ નીયમ કુદરત તણાં, હેવાન બન્યાં નર-નાર;
પશુ પક્ષી પણ બાકી નથી, થોભી ઘડીક કરે વીચાર ઘડનાર.
અટકશે ક્યાં જઈને સઘળું, વીનાશની ઘડી ગણાતી;
નથી સર્યો સમય હજી, ચેતે જો નર સ્વને ભણાવી.

કૃત્રીમતાએ હદ કરી, નથી કુદરતી રહી કોઈ ચીજ;
તન મન ધન કૃત્રીમ બન્યા, દેવો કોને દોષ ફરીયાદી નીજ.
સંસ્કૃતીમાં ભાસતી વીકૃતી, અવની ભાસે નીરાધારી;
ભાવી પેઢી ના કરશે માફ, પુનઃ આવશે શું ગીરીધારી?

કકળતા હૈયે કરે સહુ વીનતી, કરો બંધ તાંડવ વીનાશનું;
નહીંતર પછી યાદ છે ને, સો સાસુના તો એક દી’ વહુવારુનો.

10.20.07

નયનની પલકોમાંથી

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:56 pm by Chirag

નયનની પલકોમાંથી – બંસીધર પટેલ

દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.

ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.

સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.

અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.

સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યારે,
સૃષ્ટીના સૌંદર્યને પામવાની દ્રષ્ટી શુન્ય બની જાય છે.

અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મુર્તી દેખાય છે જ્યારે,
બસ કરો હવે નથી ખોલવા નયન બીડાઈ જાય છે.

સાચી શ્રધ્ધા – બંસીધર પટેલ

Posted in કવિતા, બંસીધર પટેલ at 7:55 pm by Chirag

સાચી શ્રધ્ધા – બંસીધર પટેલ

હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.

નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.

માળા ફેરવી કેટલાય માનવે, છતાં નથી મળ્યા ઈશ્વર એ વાત ભુલીશ નહી;
મન હોય તો જવાય માળવે, તાળવે હોય પ્રીતી ખરી એક ધ્યાનથી.

કહ્યું છે ઘણું અનુભવી રાહબરોએ, સાંભળી બન્યા હશે કર્ણ નીષ્ક્રીય;
બસ થયું હવે ઘણું, ના ભરમાઈશ, ના દોરવાઈશ અન્યથી કદી.

અવાજ ઓળખ આતમ તણો, એ જ ખરો ભગવાન બીરાજેલો મહીં;
ઓળખી એને ચાલીશ સદા, તો પામીશ અમુલખ પદારથ ખુબ જ.

બાંધીને ભાથું શ્રધ્ધા તણું, બની અર્જુન થાજે ઉભો ખરી હામથી;
કરી લે મન સાબુત ભલેરું, ગાંડીવની પણછ ખેંચી તૈયાર બની.

ઘુમાવીશ ના કાળ અધીક, થાશે ના થયો કોઈનો સગો કામ કદી;
બનીને ભડવીર ભુલોકનો, કાળમુખા કાળનો કરી જા કોળીયો.

અલપ ઝલપ મુકી માયા તણી, બની જા નીર્લેપ, નીષ્કામ, નીડર તું;
કર્યે જા કર્મ સોંપેલું ઈશ્વરનું નીર્માણ માની, કરીશ ના ઉચ્ચાટ કશો.
ભાંગશે ભ્રમ ભુતકાળનો, સુધારી વર્તમાન, ઉજ્જ્વળ ભાવી થાશે.

———————————————-

ગમે છે સૃષ્ટી સીતારાની, આભલે ચીતરેલા ચમકતા તારલાની;
કેવો છે ઈજનેર એનો, મન મારું અહોભાવયુક્ત બને.

10.13.07

સમયના સથવારે

Posted in કવિતા, બંસીધર પટેલ at 4:03 pm by Chirag

સમયના સથવારે – બંસીધર પટેલ

સમયના સથવારે, લોહીયાળ મચ્યું છે યુધ્ધ ટોળાશાહીનું;
સફેદ ઝભ્ભામાં સજ્જ બની, ઉભેલાં ચાડીયા એ નેતા બધાં.

ઉપરની સફેદીમાં, હ્રદય કાળું ડીબાંગ છે, હાથીદાંતનો ઘાટ બધો;
જનતા બીચારી શું કરે? અહીંતો વીણવા ઘઉં કંકરમાંથી હવે.

સાચો કોણ? ખોટો કોણ? પારખવાની ભ્રમીત થઈ છે મતી;
પક્ષાપક્ષીનો ગજગ્રાહ મચ્યો ત્યાં, નીષ્પક્ષતાનું નીશાન નથી.

દુધ પાઈને ઉછેર્યાં ભુજંગ, ઓકશે વખ એ વાત નીર્વીવાદ છે;
કરતા આજે પ્રણામ તમોને, પાંચ વરસ સુધી કરજો તમે પ્રણામ.

નથી દેખાવાના ફરી આ, શયતાનોના સોદાગર, જનતાને;
છેતરી, છાવરી ભોળી જનતાને, ચુસી ચુસી ખતમ કરવાના જ.

ભગવાન પણ બચાવે આવા માટીપગા, હરામી નેતાઓથી;
જાગશે જનતા હીરાપારખુ બની, ભાગી જશે ભુગર્ભમાં નેતા બધાં;
ઉગશે સોનાવર્ણો સુરજ અહીં, લીલાલહેર અને અમન તણો.

——————————————

અજવાળી આઠમની રાતે, ગયા અમે નીરખવા નવલાં નોરતાં;
દેખી ગોરી ઘુમતી ગરબે, સજી સોળે શણગાર ભાવનીર્ઝરથી.
ઉમટ્યું માનવ મહેરામણ બેસુમાર, નથી પગ મુકવાની ભોંય કશી;
જામી છે રમઝટ ગરબાની વીશાળ ગગનમંડપમાં.

ઉત્સવ

Posted in કવિતા, બંસીધર પટેલ at 4:02 pm by Chirag

ઉત્સવ – બંસીધર પટેલ

અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?

આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.

પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.

નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું કર્યું જ બધું;
સાત જનમનાં પસ્તાવાથી પણ નથી ઉધ્ધાર થવાનો કદી.

હજી પણ નથી ગયો વીતી કાળ, નથી પડ્યો માંડો માનવ;
સુધરી જા નહીંતર પડશે કોરડા, વીંઝાશે ઉપરવાળાતણાં.

ઓઢી લે પ્રેમની કંથા, ભુલી ભેદભરમ વેરઝેરનાં;
થશે માફ પાપ કર્યા જાણ-અજાણથી, આ પુરા જીવન મહીં.

ઉઠી’તી આંધી એક સમીરની, થાશે શાંત ઈશના આશીષથી;
ભાંડું મારો માનવ બધો, ચાહતની ચરમસીમા થકી.

મળશે શાશ્વત સુખ જ એમાં, થાશે ઉજવળ જીવન તારું;
તે દી’ પાછો આવજે, ઉજવવા ઉત્સવ અસ્તીત્વનો;
ઉજવીશું રંગેચંગે ભેગાં મળી, ગર્વ લેવાની વાતો ઘણી.

10.10.07

Blogadda.com

Posted in ચિરાગ પટેલ at 7:19 pm by Chirag

10.06.07

વૈદિક માનવ ધર્મ

Posted in નિબંધ, બંસીધર પટેલ at 4:34 pm by Chirag

વૈદિક માનવ ધર્મ – બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ – વેદ – ઉપનિષદ અમર રહો.